શું તમે ચાખ્યું છે ક્યારેય ગલકા અને પાત્રાનું શાક ? તો પછી એકવાર ચોક્કસ બનાવી જુઓ…

આપણે સિઝન આવે એટલે ગલકાનું શાક અવારનવાર બનાવતા હોઈએ છીએ. અને અઠવાડિયે પંદર દિવસે એકાદવાર આપણે બહારથી લાવીને કે ઘરે બનાવીને પાત્રા પણ ખાતા હોય છે. પણ શું ક્યારેય આ બન્નેને એક સાથે ખાવાનો વિચાર આવ્યો છે ખરો. ન આવ્યો હોય તો આજની આ રેસિપિ નોંધી લો અને બનાવો આ અનુઠુ શાક.

 

પાત્રા અને ગલકાનું શાક બનાવવા માટે સામગ્રી

પાત્રા બનાવવા માટે

9-10 અળવીના પાન

3 ચમચા તેલ

એકથી ડોઢ કપ ચણાનો લોટ

1 મોટી ચમચી ધાણાજીરુ પાઉડર

½ ચમચી મરચુ પાઉડર

½ ચમચી હળદર

½ ચમચી મીઠુ

¼ ચમચી હીંગ

1 ચમચી ગરમમસાલા પાઉડર ઉમેરવો.

2 લીંબુ

શાક બનાવવા માટે

મિડિયમ સાઇઝના ત્રણ ગલકા

વઘાર માટે રાઈ, જીરુ, હીંગ

½ ચમચી હળદર, ½ ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર, 1 ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠુ

1 ચમચી ગરમમસાલા પાઉડર

1 ટામેટુ

પાત્રા અને ગલકાનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ અળવીના પાનને બરાબર પાણીથી ધોઈને સ્વચ્છ કરી લેવા તેમજ તેની જાડી રગો હોય તેને છરીથી કાઢી લેવી. પાનમાં કાણું ન પડે તે રીતે રગો કાઢી લેવી. તેની ત્રણ મુખ્ય નસો એક સીધી અને બીજી ડાબી જમણી નસો જાડી હોય છે તો તે નસો કાઢી લેવી. હવે પાનને બાજુ પર મુકી દેવા.

હવે પાત્રા પર બેટર લગાવવા માટે બેટર તૈયાર કરી લેવું. તેના માટે પાત્રાના વજન કરતાં થોડો વધારે ચણાનો લોટ એક બોલમાં લેવો. હવે તેમાં એક મોટી ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી ચમચી મરચુ પાઉડર, અરધી ચમચી હળદર, અરધી ચમચી મીઠુ, પા ચમચી હીંગ, એક ચમચી ગરમમસાલા પાઉડર ઉમેરવો.

હવે તેમાં એક ઇંચ આદુનો ટુકડો છીણી લેવો. અહીં તમે લસણ અને લીલુ મરચુ પણ ઉમેરી શકો છો. ત્યાર બાદ તમારે તેમાં બે લીંબુનો રસ ઉમેરી દેવો. અળવીના પાનનો કોઈ ટેસ્ટ ન હોવાથી તેના ભાગનો મસાલો પણ તમારે આ ખીરામાં ઉમેરવાનો છે. આ ખીરાનાનો સ્વાદ તમારે ચડિયાતો રાખવાનો છે જેથી કરીને પાત્રા બફાયાબાદ પાંદડાનો સ્વાદ બેસ્વાદ ન લાગે.

હવે તેમાં ગળપણ માટે બે ચમચી ગોળ ઉમેરવો. અને ગોળ ન ઉમેરવો હોય તો તમે તેમાં ખાંડ ઉમેરી શકો છો. ગોળ ઉમેર્યા બાદ તેમાં થોડી કોથમીર પણ ઉમેરી દેવી. હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત રીતે એકબીજામાં મિક્સ કરી દેવી.

બધી જ સામગ્રી મિક્સ થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને ખીરુ તૈયાર કરી લેવું. ખીરાને વધારે પાતળુ ન બનાવવું પણ પેસ્ટ જેવું બનાવવું જેથી કરીને તેને વ્યવસ્થિત રીતે પાન પર લગાવી શકાય.

અહીં બતાવ્યું છે તે પ્રમાણે બેટરની કન્સીસ્ટન્સી રાખવી. તેને જાડુ જ રાખવું. મિક્સ કર્યા બાદ તમારે તેનો સ્વાદ પણ ટેસ્ટ કરી લેવો. જો તે પર્ફેક્ટ લાગતો હોય એટલે કે ચડિયાતો ન લાગતો હોય તો તેમાં ફરી થોડી ખટાશ, ગળપણ અને તીખાશ ઉમેરી દેવા. આમ ચડિયાતો મસાલો કરવો.
હવે ધોઈને રગ કાઢેલા અળવિના પાન પર અહીં બતાવ્યું છે તે રીતે બેટર લગાવી દેવું.

એક પાન પર બેટર લગાવી લીધા બાદ તેના પર બીજુ પાન લગાવવું પણ પાનને ઉંધુ રાખવું. આ પાન પર પણ બેટર ચોપડી દેવું. ત્યાર બાદ બીજુ પાન લો તે સીધુ લો ત્યાર પછીનું પાન ઉંધુ લો આવી રીતે છ પાનના લેયર લગાવો અને દરેક પાન પર બેટર લગાવો.

બધા જ પાન પર બેટર લગાવી લીધા બાદ તેને કિનારીએથી વાળી લો અને તેની કીનારીએ પણ થોડું બેટર લગાવી લો.

હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે તેનો હળવા હાથે રોલ વાળી લેવો. તો પાત્રાના રોલ બાફવા માટે તૈયાર થઈ ગયા છે. આવી જરીતે બીજા પાન વધ્યા હોય તેના પણ પાત્રાના રોલ વાળી લેવા.

હવે તૈયાર થયેલા પાત્રાને ઢોકળિયામાં બાફવા માટે મુકવા માટે ઢોકળિયાની જાળી પર તેને મુકી દેવા.

હવે ઢોકળિયામાં પાણી ઉમેરીને તેને ઉકળવ મુકી દેવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાત્રાની જાળી મુકી દેવી. અને પાત્રાને 15-20 મીનીટ માટે બફાવા દેવા.

તે દરમિયાન ગલકાની છાલ ઉતારીને તેના મિડિયમ સાઇઝના ટુકડા કરી લેવા.

સાથે સાથે ટામેટાની અંદરના બિયા કાઢીને તેના પણ મોટા ટુકડા કરી લેવા. ટામેટા તમે સ્કિપ કરી શકો છો પણ ગલકાના શાકમાં ટામેટા સારા લાગે છે.

હવે 15-20 મિનિટ બાદ તમે જોશો તો પાત્રા બફાઈ ગયા હશે. તેના માટે તમે તેમાં છરી નાખીને ચેક્ક કરી શકો છો. હવે તેને થોડીવાર ઠંડા થવા માટે બાજુ પર મુકી દેવું. અને ઠંડા થાય એટલે તેના ટુકડા કરી લેવા.

હવે એક કડાઈ કે પેનમાં ત્રણ-ચાર ચમચા તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે વઘારમાં, રાઈ, જીરુ, હીંગ ઉમેરી દેવા અને તેની સાથે જ સમારેલા ગલકા પણ ઉમેરી દેવા અને સાથે પા ચમચી હળદર પણ ઉમેરી દેવી. હવે બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી.

ત્યાર બાદ તેમાં કાશ્મીરી લાલ મરચુ પાઉડર ઉમેરવું અને તેને હલાવી લેવું. જો તમે વધારે તીખુ ખાતા હોવ તો વધારે મરચુ પણ ઉમેરી શકો છો. અને અહીં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

હવે તેને બે મિનિટ માટે સંતળાવા દેવું. એટલે નાખેલા મસાલા બરાબર ચડી જાય.

બે મિનિટ બાદ ઢાંકણું હટાવી લેવું આ વખતે ગલકા 50 ટકા ચડી ગયા હશે, હવે તેમાં અરધી ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠુ નાખીને મસાલો હલાવી લેવો.

હવે તેમાં બી કાઢેલા સમારેટા ટામેલા ઉમેરી દેવા અને તેને શાક સાથે મિક્સ કરી લેવા.

હવે તેને બરાબર ચડવા દેતા પહેલાં તેમાં એક ચમચી ગરમમસાલા પાઉડર ઉમેરવો. હવે તેને શાકમાં બરાબર મિક્સ કરી લેવો અને શાકને ઢાંકી લેવું.

હવે તેને હલાવી લીધા બાદ તેમાં બે-ત્રણ ચમચી પાણી ઉમેરી દેવું. વધારે પાણી ન ઉમેરવું કારણ કે ગલકામાં ભરપૂર પાણી હોય છે તે મોટેભાગે તેના જ પાણીમાં ચડી જાય છે. પાણી નાખ્યા બાદ તેને 2-3 મિનિટ માટે ઢાંકી દેવું.

બે ત્રણ મિનિટ બાદ તમે ઢાકણું હટાવશો એટલે જોશો કે ગલકા 80 ટકા જેટલા ચડી ગયા હશે અને તેલ પણ છુટ્ટુ પડવા લાગ્યું હશે. આ વખતે તમારે પાત્રા ઉમેરવાના છે. સીધા બાફેલા પાત્રા જ ઉમેરી દેવા તેને વઘારવાની જરૂર નથી કારણ કે શાકમાં ઓલરેડી વધારે તેલ લેવામાં આવ્યું છે.

હવે પાત્રા ઉમેરી લીધા બાદ તેને એક વખત હલાવી લેવું. અને તેને ફરી બે મિનિટ માટે ચડવા દેવા. આમ બે મિનિટ ચડવા દેવાથી ગલકાનો ટેસ્ટ પાત્રામાં ભળી જશે અને પાત્રાના પુરણનો ટેસ્ટ ગલકામાં ભળી જશે.

થોડું પાણી વધારે હશે તો પાત્રા સોફ્ટ થઈ જશે. તો તૈયાર છે ગલકા-પાત્રાનું સ્વાદિષ્ટ શાક.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ગલકા-પાત્રાનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *