ગલકાનું ભરેલું શાક – ગલકાનું આ શાક ઘરમાં બધા આંગળી ચાટતા રહી જશે…

મિત્રો, આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ?. હા મિત્રો ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. તો ચાલો બનાવીએ મસ્ત મજેદાર ગલકાનું ભરેલું શાક.

સામગ્રી :

§ 125 ગ્રામ ફ્રેશ તેમજ કુણા ગલકા

§ 1/4 કપ ચણાનો લોટ

§ 4 ટેબલ સ્પૂન તેલ

§ 1 નંગ ટામેટું

§ 2 ટેબલ સ્પૂન ફ્રેશ કોથમીર

§ 1 ટેબલ સ્પૂન શીંગદાણાનો ભુક્કો

§ 1/2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

§ 1 ટેબલ સ્પૂન લાલ મરચું

§ 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

§ 1/4 ટેબલ સ્પૂન હળદર

§ 5 – 7 કળી લસણ

§ 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

§ 1/4 ટેબલ સ્પૂન રાઈ

§ 1/4 ટેબલ સ્પૂન જીરું

§ મીઠું સ્વાદ અનુસાર

તૈયારી :

v ગલકાને મોટા પીસીસમાં કટ કરી વચ્ચે કાપા મૂકી દેવા.

v કોથમીરને બારીક સમારી લેવી.

v 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું તેમજ લસણની કળીઓને ખાંડીને ચટણી બનાવી લેવી, તેમજ આ ચટણીને લીંબુના રસમાં ઘોળી લેવી જેથી સ્ટફિંગમાં મિક્સ કરવામાં સરળતા રહે.

રીત :

1) સ્ટફિંગમાં ચણાના લોટને શેકીને નાખવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવે છે તો સૌ પ્રથમ આપણે ચણાના લોટને તેલ સાથે શેકી લેવાનો છે. ચણાના લોટમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી સ્લો આંચ પર શેકવાનો, લોટ છૂટો છૂટો થાય તેમજ સરસ સુગંધ આવે ત્યાંસુધી જ શેકવાનો છે. લોટ વધારે ના શેકાય જાય તેનું ધ્યાન રાખવું. લોટ શેકીને થોડો ઠંડો પડવા દેવો.

2) લોટને એક બાઉલમાં લઈ તેમાં સિંગદાણાનો ભુક્કો, કોથમીર, હળદર, મીઠું, દળેલી ખાંડ, લાલ મરચું, ધાણાજીરું તેમજ લીંબુના રસમાં ઘોળેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

3) હવે આ સ્ટફિંગને કાપા પાડેલા ગલકામાં ભરી દો. હળવા હાથે દબાવીને ભરવું જેથી વઘારમાં મસાલો બહાર ના નીકળે. ગલકામાં સ્ટફિંગ ભરતા થોડું સ્ટફિંગ વધશે જે આપણે વઘારમાં એડ કરીશું.

4) સીઝનિંગ માટે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ તેમજ મેથી ઉમેરો, રાઈદાણા સરસ ક્રેક થાય એટલે બે લસણની કળીઓને મોટા પીસીમાં કાપીને ઉમેરો.

5) ત્યારપછી ટામેટા ઉમેરો, ટામેટા ઉમેરતી વખતે બીજા હાથમાં ઢાંકણ તૈયાર રાખજો અને ટામેટા ઉમેરી તુરંત ઢાંકી દેજો જેથી તેલના છીંટા ના ઉડે. આ ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

6) ટામેટા સરસ ચડી જાય પછી સ્ટફિંગ નો મસાલો એડ કરી મિક્સ કરી લો.

7) હવે તેમાં 1 કપ (250 મિલી) પાણી ઉમેરો, જો રસો વધારે રાખવો હોય તો પાણી વધારે ઉમેરી શકાય. ઢાંકણ ઢાંકી પાણીને બરાબર ઉકળવા દો.

8) પાણી બરાબર ઉકળે એટલે સ્ટફિંગ ભરેલા ગલકાને હળવેથી મૂકી દો. હળવા હાથે મિક્સ કરી 10 મિનિટ માટે ચડવા દો.

9) 10 મિનિટ પછી ગલકાને ચરીની મદદથી ચેક કરી લો, જો ગલકા હજુ કાચા હોય તો થોડીવાર માટે ચડવા દો.ત્યારબાદ ગેસ બંધ કરી સર્વ કરો.

તો તૈયાર છે આ મસાલેદાર ભરેલ ગલકાનું શાક, તો તમે પણ જરૂર બનાવજો બધાને ખુબ પસંદ આવશે. અને હા મિત્રો એકવાર વિડીયો જરુરુ જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

સ્ટેપ બાય સ્ટેપ વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *