ગાર્લિક બ્રેડ સ્ટિક – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને યમ્મી ચીઝી બ્રેડ સ્ટિક ઘરે જ બનાવો.

કેમ છો મિત્રો? આપણે અવારનવાર બહાર પીઝા ખાવા માટે જતા હોઈએ છીએ. હમણાં તો પરિસ્થિતિના કારણે ઘરે જ મંગાવી લેતા હોઈએ છીએ. બાળકોને પણ ડોમિનોઝમાં મળતી ચીઝ બ્રેડ સ્ટિક ખુબ પસંદ હોય છે. આજે હું તમારી માટે ઘરે જ આ બ્રેડ બનાવવા માટેની સરળ રેસિપી લાવી છું. દરેક સ્ટેપ પરફેક્ટ જાણીને બનાવશો તો તમે પણ પરફેક્ટ બનાવી શકશો. એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને પસંદ આવશે.

સામગ્રી

  • મેંદો – 2 કપ
  • યીસ્ટ – દોઢ ચમચી
  • દળેલી ખાંડ – દોઢ ચમચી
  • મીઠું – અડધી ચમચી
  • બટર – 3 થી 4 ચમચી
  • લીલા ધાણા – જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્સ – જરૂર મુજબ
  • પીઝા હર્બ્સ – જરૂર મુજબ
  • ગરમ પાણી – અડધી વાટકી
  • તેલ – એક ચમચી
  • લસણ – 10 થી 12 કળી ક્રશ કરેલ
  • ડુંગળી – એક નાની
  • કેપ્સિકમ – એક નંગ
  • ચીઝ – મન ફાવે એટલું (પણ માપમાં હો પછી બહુ નહિ.)

ગાર્લિક બ્રેડ સ્ટિક બનાવવા માટેની સરળ રેસિપી

1. કોઈપણ બ્રેડને પરફેક્ટ બનાવવા માટે સૌથી જરૂરી છે યીસ્ટ. યીસ્ટને પરફેક્ટ ફૂલવા દેવાથી બ્રેડ પરફેક્ટ બને છે. એટલે સૌથી પહેલા એક વાટકીમાં અડધી વાટકી હૂંફાળું ગરમ પાણી લો.

2. પાણીમાં એક ટેબલ સ્પૂન યીસ્ટ ઉમેરો.

3. હવે આ પાણીમાં એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એટલે કે બૂરું ખાંડ ઉમેરો.

4. હવે આ મિશ્રણને બરાબર હલાવી લો અને તે વાટકીને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દો.

5. 10 મિનિટમાં યીસ્ટ એક્ટિવ થઇ જશે.

6. હવે લોટ બાંધવાના એક વાસણમાં મેંદાનો લોટ લો અને તેમાં મીઠું ઉમેરો.

7. હવે એ લોટ અને મીઠુંના મિશ્રણમાં એક્ટિવ યીસ્ટ ઉમેરો.

8. હવે જરૂર પડે તો નોર્મલ પાણીથી ઢીલો ઢીલો લોટ બાંધો. લોટને રોટલીથી પણ ઢીલો રાખવાનો છે પણ હા એકદમ રબડી જેવો પણ નથી કરવાનો.

9. હવે બાંધેલા લોટને આપણે બટરથી મસળી લઈશું. તેના માટે એક ક્યુબ બટર લઈને લોટમાં બરાબર મિક્સ કરી લો.

10. હવે લોટ બટર સાથે બરાબર મસળી લો પછી વાસણમાં એક ચમચી તેલ ઉમેરો.

11. હવે એ તેલમાં લોટને રગદોળી લો જેથી બાંધેલા લોટની ચારે તરફ તેલ લાગી જાય.

12. હવે આ લોટને 1 કલાક માટે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું.

13. હવે આપણે લોટ રેડી થાય ત્યાં સુધી બ્રેડ સ્ટિકમાં લગાવવા માટે બટરી મિશ્રણ બનાવી લઈએ.

14. એક વાટકીમાં ત્રણ થી ચાર ચમચી બટર લો. બટર એકદમ પીગળેલું હશે તો પણ ચાલશે.

15. હવે એ બટરમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ પીઝા હર્બ્સ ઉમેરીશું.

16. હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું. અને સાથે સાથે લસણની પેસ્ટ પણ ઉમેરીશું.

17. આ બધું બરાબર મિક્સ કરી લો.

18. હવે એક કલાક પછી યીસ્ટ ઉમેરીને બાંધેલ લોટ એ સાઈઝમાં ડબલ થઇ ગયો હશે.

19. હવે એક બોર્ડ પર અથવા પ્લેટફોર્મ પર થોડો મેંદાનો કોરો લોટ ભભરાવો અને તેની પર બાંધેલો લોટ મુકો.

20. હવે લોટને બરાબર મસળવાનો છે તેના માટે બાજરીના રોટલાના લોટને જેમ કણસીએ એવું જ કરવાનું છે. હથેળીની મદદથી લોટને લાંબો કરવો અને પછી વાળીને ફરી આ પ્રોસેસ કરવી આ પ્રોસેસ 5 મિનિટ સુધી કરવાની છે. આ પ્રોસેસ કરવાથી બ્રેડમાં જાળી બરાબર પડશે.

21. હવે લોટને બરાબર લંબાઈમાં ફોટોમાં બતાવ્યા પ્રમાણે મુકો.

22. હવે તેમાંથી સરખા ભાગે થતા કટકા કરીશું.

23. હવે એક પીસ લઈને તેનું સરસ લુવું બનાવો અને એક જાડી રોટલી જેવું વણી લો.

24. હવે બટરમાં મિક્સ કરીને બનાવેલ હર્બ્સનું મિશ્રણ આખી રોટી પર લગાવી લો.

25. હવે એક બાજુ ફોટોમાં બતાવ્યા પ્રમાણે ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો.

26. હવે તેની પર ચીઝ છીણી લો.

27. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે એ વણેલ રોટીને અડધી વાળી લો.

28. હવે શાર્પ ચપ્પુની મદદથી એક સરખા કટ મુકો. બ્રેડને આખી કટ નથી કરવાની ફક્ત ઉપરનું પડ કટ થાય એટલું જ કટ કરવાનું છે.

29. હવે કટ કરેલ રોટી પર આપણે મિક્સ કરેલ બટર અને હર્બ્સ વાળું મિશ્રણ લગાવીશું.

30. હવે તેની પર મિક્સ હર્બ્સ છાંટી લઈશું.

31. હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ રોટીને ટ્રાન્સફર કરી લઈશું, મેં અહીંયા એક સાથે બે રોટી તૈયાર કરી છે. ફોટોમાં બતાવ્યા પ્રમાણે તમે પણ એકસાથે બે રોટી બ્રેડ બનાવવા માટે મૂકી શકો છો.

32. હવે એ થાળીને ઢોકળિયામાં અથવા કઢાઈમાં 20 મિનિટ માટે બેક કરવા મુકીશું. (લોટ ડબલ થઇ જાય પછીની પ્રોસેસ શરુ કરીએ તેની સાથે જ ઢોકળીયુ કે કઢાઈ ગરમ કરવા મૂકી દેવાનું છે.)

33. ફોટોમાં જોઈ શકો છો કે બ્રેડ સરસ બેક થઇ ગઈ છે જો તમને કડક અને ક્રન્ચી પસંદ હોય તો 10 મિનિટ વધારે બેક થવા દેવી.

34. હવે બ્રેડને બરાબર કટ કરી લઈશું અને તેને સોસ અને પીઝા હર્બ્સ કે ચીલી ફ્લેક્સ સાથે ખાઈને આનંદ માણો..

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *