ગરમીમાં શિયાળાની ટાઢક આપતું અને બધાને પસંદ આવે એવું ફ્રૂટ સલાડ…

ગરમીમાં શિયાળાની ટાઢક આપતો ફ્રૂટ સલાડ

ઉનાળામાં કેરીના રસ ઉપરાંત બીજી ઘણી બધી એવી વાનગીઓ છે જેને તમે ઠંડી જ પુરી સાથે કે પછી ડેઝર્ટ તરીકે લઈ શકો છો. ઉનાળામાં જેટલું ઠંડુ ખાઈએ તેટલું જ સારું રહે છે. ગરમીમાં વધારે ગરમ ખોરાક ખાવાથી શરીર અકળાવા લાગે છે. અને એક સમય એવો આવીને ઉભો રહી જાય છે કે કશું જ ખાવાનું મન નથી થતું. માત્ર પાણી જ પીવાનું મન થાય છે. માટે તમારે તમારા શરીરને વધારે તકલીફ ન આપવી પણ તમારા માટે જે ઠંડી વાનગીઓ આપણા વારસામાં આપણને મળી છે તેને ઘરે જ શુદ્ધ સામગ્રીમાંથી બનાવો અને બળબળતા ઉનાળાને ઠંડા લીજ્જતદાર ભોજન આરોગીને હરાવી દો. અને ગરમીમાં પણ ફ્રેજ તેમજ સ્વસ્થ રહો.

તો આજની આ પોસ્ટમાં અમે તમને ગરમીમાં ઠંડક આપવા માટે લાવ્યા છે ફ્રૂટ સલાડની રેસીપી.

સામગ્રી

1 લીટર ફુલ ફેટ મિલ્ક

½ કપ ખાંડ

½ વાટકી દાડમના દાણા

¾ વાટકી ચીકુના જીણા સમારેલા ટુકડા

¾ વાટકી સફરજનના જીણા સમારેલા ટુકડા

¾ વાટકી કેળાના ટુકડા

1 ટેબલસ્પૂન પીસ્તા-બદામનું કતરણ

2 ટેબલ સ્પૂન રોઝ વોટર

3 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર

ફ્રૂટ સલાડ બનાવવાની રીત


સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી તપેલી કે નનસ્ટીક પેન લેવું. તેના પર માત્ર થોડું પાણી નાખવું જેથી કરીને ઉકાળતી વખતે દૂધ વાસણના તળિયે ના ચોંટે. હવે તેમાં 1 લિટર ફુલ ફેટ દૂધ લેવું.


આ દૂધમાંથી 3-4 ટેબલ સ્પૂન અથવા પા વાટકી જેટલું દૂધ વધારી રાખવું. બચાવેલું દુધ કસ્ટર્ડ પાવડરમાં ઉમેરી દેવું.


હવે દૂધનો ગેસ ઓન કરી દેવો કરી દેવો. એક ઉભરો આવવા દેવો.


તે દરમિયાન 3 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડરને દૂધમાં બરાબર મીક્ષ કરી દેવો.

ઉભરો આવ્યા બાદ ઉકળથા દૂધમાં અરધો કપ ખાંડ ઉમેરી દેવી. તેને બરાબર હલાવતા રહેવું.


દૂધ જ્યાં સુધી ગેસ પર ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી તેને હલાવતા રહેવું. જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં.

ખાંડ ઓગળી ગયા બાદ તેમાં કસ્ટર્ડ પાઉડર ઘોળવેલું દૂધ એડ કરી દેવું. તેને દૂધમાં બરાબર મીક્ષ કરી દેવું. તેમાં એક પણ લંગ્સ ન દેખાવા જોઈએ. કસ્ટર્ડ દૂધમાં એકરસ થઈ જવું જોઈએ. કસ્ટર્ડ પાવડર નાખવાથી દૂધ ઘાટું થઈ જાય છે.

જો તમે કસ્ટર્ડ પાઉડર નાખવા ન માગતા હોવ અને ફરાળ માટે ફ્રૂટ સલાડ બનાવતા હોવ તો તમારે તેમાં દૂધનું પ્રમાણ વધારી લેવું. અને તેને ઘાટુ કરવા માટે વધારે ઉકાળવું.

કસ્ટર્ડ પાઉડર નાખ્યા બાદ દૂધને લગભગ 7-8 મિનિટ ઉકાળવું. દૂધ ઉકાળો તે દરમિયાન સતત હલાવતા રહેવું.


હવે ઉકળી ગયેલા દૂધને એક બોલમાં કાઢી લેવું અને તેને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ થવા દેવું. ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે 7-8 કલાક ફ્રિઝમાં મુકી દેવું.

તે દરમિયાન તમે ફ્રૂટને સમારીને ફ્રિઝમાં મુકી શકો છો. ફ્રૂટમાં તમે સીઝનલ ફ્રૂટ લઈ શકો છો. સીઝન દરમિયાન તમે સીતાફળની કળીઓ પણ ઠળીયા કાઢીને નાખી શકો છો.


7-8 કલાક દૂધને ઠંડુ કર્યા બાદ બહાર કાઢવું અને તેમાં અરધો કપ દાડમ, પોણો કપ ચીકુના ટુકડા, પોણો કપ સફજનના ટુકડા, પોણો કપ કાપેલું કેળુ ઉમેરી દેવા, હવે તેમાં 2 ટેબલસ્પૂન રોઝ વોટર નાખવું. તેનાથી ફ્રુટ સલાડમાં ખુબ જ સરસ ફ્લેવર આવશે. હવે તેને ગાર્નિશ કરવા માટે ઉપર થી પીસ્તા તેમજ બદામનું કતરણ પાથરી દેવું અને થોડા દાડમના દાણા પણ ભભરાવી દેવા.


અહીં રોઝ વોટરની જગ્યાએ વેનિલા એસેન્સ પણ ઉમેરી શકો છો. તે પણ સ્વાદમાં તેમજ સોડમમાં ખુબ જ સરસ લાગશે.

તો તૈયાર છે ગરમીમાં શિયાળાની ઠંડક આપતો ફ્રૂટ સલાડ

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

વાનગીનો વિગતે સંપૂર્ણ વિડીઓ જુઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *