ચોમાસું શરુ થઇ ગયું છે, આવામાં ગરમાગરમ પકોડા મળી જાય તો મોજ આવી જાય. આજે શીખો બ્રેડ પકોડા બનાવતા.

સામાન્ય રીતે ઉનાળાની ગરમીના કારણે એક તો વધારે ભુખ ન લાગે અને ગરમ વસ્તુ ખાવાનું મન પણ ન થાય. પણ ગરમી જતાં જેવું વરસાદનું પહેલું ઝાપટું આવે કે તરત જ ગરમાગરમ ફ્રાઈડ આઇટમ્સ યાદ આવવા લાગે અને સાથે સાથે મોઢામાં પાણી પણ આવવા લાગે. તો આજે આ ખુબ જ ઇઝી રેસીપીથી બનાવો સ્વાદિષ્ટ બ્રેડ પકોડા.

બ્રેડ પકોડા બનાવવા માટેની સામગ્રી

3 મોટા બાફેલા બટાકા મેશ કરેલા

1 ½ કપ ચણાનો લોટ

2 નંગ જીણા સમારેલા મરચા

2 ચમચી કોથમીર

1 ચમચી લાલ મરચુ પાઉડર

1 ચમચી ધાણા જીરુ પાઉડર

½ ચમચી હળદર

1 ચમચી ગરમ મસાલો

ચપટી બેકીંગ સોડા

10 નંગ બ્રેડ

બ્રેડ પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ એક બોલ લેવો. તેમાં ડોઢ કપ ચણાનો લોટ એડ કરવો. હવે તેમાં 1 ચમચી મરચુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ નાખવું.

હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને કણી ન રહે તેવું ખીરુ તૈયાર કરવું. વધારે પાતળુ પણ નહીં અને વધારે જાડુ પણ નહીં.

હવે બ્રેડ પકોડાનું સ્ટફીંગ તૈયાર કરવા માટે. એક બોલમાં મેશ કરેલા બટાકા લેવા. તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણા જીરુ પાઉડર, લીલા મરચા અને કોથમીર એડ કરવા તેમજ સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવું.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરી લેવી. સ્મુધ માવો તૈયાર કરી લેવો. જેથી કરીને બ્રેડ પર સ્પ્રેડ કરતા ફાવે.

માવો તૈયાર થાય એટલે તમે તેને ચાખીને બેલેન્સ કરી શકો છો.

હવે એક બ્રેડ લેવી તેના પર તૈયાર કરેલું બટાટાનું પુરણ સપ્રમાણ સ્પ્રેડ કરી દેવું.

હવે તેના પર એક બીજી બ્રેડ મુકીને દબાઈ દેવી જેથી કરીને પુરણ કવર થઈ જાય.

હવે તેને વચ્ચેથી કાપી લેવી એટલે ટ્રાઇંગલ શેપ આવી જાય. આવી જ રીતે બધી જ બ્રેડ તૈયાર કરી લેવી.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકી દેવું. હવે ચણાનાલોટના ખીરામાં ખાવાનો સોડા એડ કરી તેને બરાબર મીક્સ કરી લેવું.

હવે તૈયાર કરેલી સ્ટફ્ડ બ્રેડને ખીરામાં બોળીને કવર કરી લેવી.

બ્રેડ ખીરામાં બરાબર કવર કરીને તેલમાં તળવા માટે નાખવી. બ્રેડ તળતી વખતે ગેસ મીડીયમ રાખવો.

બ્રેડ પકોડા તળતી વખતે તેની ઉપરની બાજુએ ચમચીએ ચમચીએ તેલ નાખતા રહેવું એટલે બન્ને બાજુ વ્યવસ્થીત તળાય.

બ્રેડ પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવા.

બ્રેડ પકોડાને તમે ટોમટો સોસ, લીલી ચટની અને ફ્રાઇડ ચીલી સાથે સર્વ કરી શકો છો. અને આ ચોમાસાને ઓર વધારે એન્જોયેબલ બનાવી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

સ્ટેપ બાય સ્ટેપ પકોડા બનાવવાનો વિડીઓ જુઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *