બાળકોના ટીફીન બોક્ષ માટે માઇક્રોવેવ વગર કૂકરમાં બનાવો પાર્લે બિસ્કિટમાંથી કેક

કેક ભાગ્યે જ કોઈને ન ભાવતી હોય આજે આપણે ડગલેને પગલે સેલિબ્રેશનમાં કેક ખાતા હોઈએ છીએ. પણ જ્યારે ઘરે બનાવવાની વાત આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવે માઇક્રોવેવ ઓવનનો. કારણ કે આપણા મનમાં એવી જ છાપ છે કે આપણે ઓવન વગર કેક ન બનાવી શકીએ પણ એવું નથી આપણે આપણા ઘરમાં વપરાતા સામાન્ય કુકરમાંથી પણ સ્વાદિષ્ટ સ્પોન્જી, જેવી ગમે તેવી કેક બનાવી શકીએ છીએ તો નોંધી લો પાર્લેજી બિસ્કિટમાંથી બનતી કૂકર કેકની રેસિપિ.

પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવવા માટેની સામગ્રી

3 પેકેટ પાર્લે બિસ્કિટનો ભુક્કો

3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

1 ચમચી બેકિંગ સોડા

જરૂર પ્રમાણે ટુટી ફ્રૂટી (ઓપ્શનલ)

1 મગ દૂધ (કેકનું બેટર બનાવવા માટે જરૂર મુજબ)

5 ટીપાં વેનિલા એસેન્સ (ઓપ્શનલ)

પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવવા માટેની રીત

કેકનું બેટર બનાવતા પહેલાં આપણે કૂકરને પ્રિહિટ કરવા માટે મુકી દેવાનું છે તેના માટે. તમારી પાસે રેગ્યુલર જે મોટું કુકર હોય તે લેવું. તેના તળિયે એક વાટકી જેટલું મીઠુ ઉમેરવું અહીં તમે રેતી પણ ઉમેરી શકો છો. અહીં મીઠુ ઉમેરવામાં આવ્યું છે. તેના તળિયે અહીં બતાવવામાં આવી છે તે પ્રમાણે એક રીંગ મુકી દેવી.

હવે કુકરના ઢાંકણામાંથી સીટી કાઢી લેવી પણ તેની રીંગ ચડાવી રાખવી. અને સીટી વગર જ કુરને તેના ઢાંકણાથી ઢાંકી દેવું. અને તેને 10-15 મિનિટ માટે મિડિયમ હીટ પર ગરમ થવા મુકી દેવું. ધ્યાન રાખવું કે સીટી કાઢેલી હોવી જોઈએ. ભૂલથી પણ સીટી લગાવેલી ન હોવી જોઈએ.

હવે જે પાત્રમાં કેક બનાવવાની છે તે પાત્ર લઈને તેના પર બટર કે પછી તેલ ચોપડીને તેના પર લોટ ભભરાવીને તેનું ડસ્ટીંગ કરી લેવું. વધારાનો લોટ કાઢી લેવો. અહીં તમે મેંદો પણ યુઝ કરી શકો અને મેંદો ન હોય તો તમે ઘઉંની રોટલીનો લોટ પણ વાપરી શકો છો. આ પાત્રને આવી જ રીતે તૈયાર રાખવું. આમ કરવાથી કેક બન્યા બાદ તેને પાત્રમાંથી અલગ કરવી સરળ રહેશે.

હવે કેકનું બેટર તૈયાર કરવા માટે સૌ પ્રથમ ત્રણ પેકેટ પાર્લેજીના બિસ્કિટ લઈ તેને મિક્સરના જારમાં દળી લેવા. તેનો જીણો ભુક્કો કરી લેવો અને તેને ચાળી લેવો. હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવી. ખાંડ અહીં ઓછી નાખવામાં આવી છે કારણ કે પાર્લેજી પહેલેથી જ ગળ્યા હોય છે. હવે પાર્લેના ભુક્કા અને ખાંડને બરાબર મિક્સ કરી લેવું. લંગ્સ ન રહેવા જોઈએ.

હવે તેમાં ધીમે ધીમે કરીને દૂધ ઉમેરતા જવું અને બેટર તૈયાર કરતાં જવું. તેને બરાબર મિક્સ કરવું જરૂરી છે એટલે તેને બરાબર હલાવી લેવું.

હવે તેમાં 5 ટીપાં વેનિલા એસેન્સ ઉમેરવું અને તેને ફરીથી બરાબર મિક્સ કરી લેવું. વેનિલા એસેન્સની ફ્લેવર કેકમાં ખુબ સરસ લાગે છે. તમે તેને સ્કિપ પણ કરી શકો છો.

અહીં બતાવવામાં આવી છે તે પ્રમાણેની કન્સીસ્ટન્સી રહેવી જોઈએ. આ બેટર બનાવતા લગભગ અહીં બતાવવામાં આવ્યું છે તેમ મિડિયમ સાઇઝના મગ જેટલાં દૂધ કરતાં એક ચમચી ઓછું દૂધ વપરાય છે.

હવે તેમાં બેકિંગ પાઉડર ઉમેરવો અને તેને એક જ દિશામાં બરાબર ફેંટી લેવું. બેકિંગ પાઉડરનો એક પણ કણ રહેવો ન જોઈએ. બેકિંગ પાઉડરની જગ્યાએ તમે સાદો ઇનો પણ વાપરી શકો છો.

તો અહીં બતાવવામા આવ્યું છે તે પ્રમાણેનું તમારું કેકનું નહીં તો વધારે થીક હોવું જોઈએ કે નહીં તે વધારે પાતળુ હોવું જોઈએ.

હવે બેટરમાં ટુટીફ્રુટી ઉમેરી દેવા. ટુટીફ્રૂટી ઓપ્શનલ છે તમને ન ભાવતા હોય તો ન ઉમેરવું. ટુટીફ્રૂટી ઉમેરીને બેટરમાં બરાબર મિક્સ કરી લેવી.

હવે તૈયાર થયેલા બેટરને ગ્રીસ કરીને ડસ્ટીંગ કરેલા પાત્રમાં ઉમેરી દેવું. અને પાત્રમાંથી એરબબલ નીકળી જાય તે માટે થોડું ઠપકારી લેવું.

હવે તેના પર ઉપરથી થોડા ટૂટી ફ્રૂટી ચંક્સ ઉમેરી દેવા. જેથી કરીને તેનો દેખાવ સુંદર આવે.

હવે આ બેટરવાળા પાત્રને પ્રી હીટ કરેલા કૂકરમાં ધ્યાનથી સાણસીની મદદથી મુકી દેવું. કારણ કે કૂકર બહુ જ ગરમ હશે.

હવે કૂકરને બંધ કરી લેવું. યાદ રહે સીટી કાઢેલી હોવી જોઈએ. આ જ રીતે તેને 25-30 મીનીટ મીડીયમ ટુ સ્લો હિટ પર કેકને બેક થવા દેવી.

25-30 મીનીટ બાદ તેને ખોલીને તેમાં છરી ભરાવીને ચેક કરી લેવું. જો છરીમાં બેટર ચોંટે તો તેને ફરી 5-7 મિનિટ હીટ થવા દેવું.

કેક બની ગયા બાદ તેને કૂકરમાંથી બહાર કાઢી લેવી અને તેને 15-20 મીનીટ માટે ઠંડી થવા દેવી. ગરમને ગરમ બહાર કાઢવાનો પ્રયાસ ન કરવો નહીંતર કેક છુટ્ટી નહીં પડે પણ તેના ટુકડા થઈ જશે.

આ રીતે તમે જુઓ છો કે કેક એકદમ માઇક્રોવેવમાં બને તેવી જ સ્પોન્જી બની છે. માટે હવે ઘરમાં માઇક્રોવેવ આવવાની રાહ ન જુઓ પણ કુકરમાં જ તમે તમને ભાવતી ફ્લેવર વાળી કેક બનાવી શકો છો.

તો તૈયાર છે કૂકરમાં બનાવેલી પાર્લેજીના બિસ્કિટવાળી કેક. અહીં તમે માત્ર પાર્લે જી જ નહીં પણ ઘરમાં ઉપલબ્ધ બધા જ ગલ્યા બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો. પછી તે મિક્સ હશે તો પણ સરસ કેક બનશે. આ ઉપરાંત તમે બિસ્કિટના ભુક્કામાં કોકોઆપાઉડર ઉમેરીને તેને ચોકલેટ કેક પણ બનાવી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

પાર્લે બિસ્કિટમાંથી કેક બનાવવા માટેની વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *