ઘરે જ બનાવો શાક-ભાજીનો સ્પેશ્યલ મસાલો…

હવે તમારી રસોઈમાં વાપરો ઘરે જ બનાવેલો શુદ્ધ શાકભાજી મસાલો

બજારમાં સામાન્ય રીતે બધા જ પ્રકારના મસાલાઓ ઉપલબ્ધ છે, તે પછી ગરમ મસાલો હોય, પાવ-ભાજી મસાલો હોય, છોલે મસાલો હોય, બિરિયાની મસાલો હોય સાંભાર મસાલો હોય કે ગમે તે. તેમ છતાં ઘણા લોકોને તે મસાલા માફક નથી આવતા.

તમે જ્યારે ઘરે સાદું શાક બનાવતા હોવ છો ત્યારે તેમાં દરેક પ્રકારનો મસાલો કર્યા બાદ પણ શાકમાં સ્વાદ કે સોડમની કમી રહે છે. તો ચાલો જાણીએ સબ્જી-મસાલાની રેસિપી. જે તમારા સાદા શાકને બનાવી દેશે લિજ્જતદાર. અને આ મસાલો બનાવવામાં પણ ખુબ જ સરળ છે.

સબ્જિ મસાલો

સામગ્રી

200 ગ્રામ ચણાનીદાળ

200 ગ્રામ સિંગદાણા

25 ગ્રામ તલ

50 ગ્રામ કોપરાનું છીણ

એક તજની દાંડી

3 ટેબલસ્પૂન ખસખસ

2 ઇલાઈચી

2-3 લવિંગ

2-3 તમાલપત્ર

એક ટેબલ સ્પૂન વરિયાળી

2 નંગ બોરિયા મરચાં

4 સૂકાં કાશ્મિરી મરચાં

2 લસણની કળીઓ (નાખવું હોય તો)

બનાવવાની રીતઃ

એક કડાઈમાં ચાણાની દાળને ધીમા તાપે શેકી લેવી. યાદ રહે તેને બદામી રંગની થાય ત્યાં સુધી શેકવી. શેકાયા બાદ ઠંડી થવા દેવી અને ત્યાર બાદ મિક્સરમાં ગ્રાઈન્ડ કરી તેનો પાવડર બનાવી દેવો.

સિંગદાણા પણ તેવી જ રીતે ધીમા તાપે શેકી લેવા. ત્યાર બાદ તેના ફોતરાં કાઢી લેવા અને તેનો પણ પાવડર બનાવી લેવો.

હવે એક કડાઈમાં તલ, ખસખસ, તમાલપત્ર, લવિંગ, વરિયાળી, કાશ્મિરી મરચાં, બોરિયા મરચાં, એલચી અને કોપરાના છીણને ધીમા તાપે શેકી લેવાં. ઠંડુ પડવા દેવું અને તેને પણ મિક્સરમાં વાટી પાવડર બનાવી લેવો.

હવે ચણાની દાળનો પાવડર, સિંગદાણાનો પાવડર અને બધા જ મસાલાનો પાવડર બધું જ સરસરીતે મિક્સ કરી દેવું.

હવે જો તમે લસણ ખાતા હોવ તો તેને થોડા તેલમાં સાંતળી ઠંડુ પાડી પાવડર બનાવી બધા જ મસાલામાં મિક્સ કરી દેવું અથવા માર્કેટમાં ઉપલબ્ધ લસણના પાવડરને પણ તમે વાપરી શકો છો.

હવે તૈયાર થયેલો આ મસાલો તમારા રોજિંદા શાકમાં વાપરો અને તમારા શાકને બનાવો લિજ્ઝતદાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *