ઘરે જ બનાવો સોડા નાખ્યા વગર મશીનનો ઉપયોગ કર્યા વગરના મેંદુ વડા…

મેંદુ વડા તમે હોટેલમાં તો ઘણા ખાધા હશે અને ક્યારેક ઘરે બનાવવાનો પણ પ્રયોગ કરી લીધો હશે પણ બહાર જેવા નહીં બની શક્યા હોય. પણ આજે સીમા બેન લાવ્યા છે મેંદુ વડાને હાથેથી જ મશીન વગર અને તે પણ સોડા નાખ્યા વગર બનાવવાની સીધી સરળ રેસીપી.

મેંદુ વડા બનાવવા માટેની સામગ્રી

2 વાટકી અડદની દાળ

8-10 લીલા મરચા જીણા સમારેલા (મીડિયમ તીખાશવાળા)

1 કપ જીણી સમારેલી ડુંગળી

1 ઇંચ આદુ (છીણીને નાખવું)

સ્વાદ પ્રમાણે મીઠુ

તળવા માટે તેલ

મેંદુ વડા બનાવવા માટેની રીત

મેંદુ વડા બનાવવા માટે સૌ પ્રથમ 2 કપ અડદની દાળ લઈ તેને ત્રણ-ચાર કલાક પલાળી લેવી.

હવે અડદની દાળ પલળી જાય એટલે તેને ચારણીમાં લઈ તેમાંનું બધું જ પાણી નીતારી લેવું. તમારે મેંદુ વડા બનાવવાના હોય તેની પહેલાં 10-15 મિનિટે જ પાણી નીતારવું નહીંતર અડદની દાળમાં આથો આવી જવાથી મેંદુવડા સારા નહીં બને.

હવે પાણી નીતારેલી આ અડદની દાળને મિક્સરના જારમાં કાઢી લેવી અને તેને બરાબર પીસી લેવી. તમને પીસવામાં તકલીફ પડતી હોય તો જરૂર પ્રમાણે એક-એક ચમચી જ પાણી ઉમેરીને તેની સાવ જ મુલાયમ પેસ્ટ બનાવી લેવી. વધારે પાણી ન નખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.

હવે થોડું પાણી એડ કરવાથી જ અડદની દાળની પેસ્ટ પીસાઈ જશે. તમે જો અડદની દાળને બરાબર પલળવા દીધી હશે તો તે સરસ રીતે પીસાઈ જશે. એટલે તેને પલળવા માટે પુરતો સમય આપવો.

હવે અડદની દાળ બરાબર પીસાઈ જાય એટલે તેને તપેલીમાં લઈને બરાબર હલાવીને મિક્સ કરી દેવું. તેને મિક્સ કરવા માટે 1-2 મિનિટ હલાવતા રહેવું. જેથી કરીને પેસ્ટ ફ્લફી અને સોફ્ટ બની જશે અને તેમ થવાથી મેંદુ વડા પણ સરસ મજાના ફુલેલા બનશે.

હવે અડદની દાળની પેસ્ટને બરાબર હલાવી લીધા બાદ તેમાં જીણા સમારેલા 8-10 લીલા મરચા એડ કરવા. મરચાની તીખાશ મીડીયમ હોવી જેઈએ. હવે તેમાં એક ઇંચ આદુના ટુકડાને પણ છીણી લેવું.

હવે તેમાં જીણી સમારેલી ડુંગળી એક કપ લઈ લેવી તેને પણ મેંદુવડાના ખીરામાં એડ કરી લેવી. અને સાથે સાથે મીઠુ પણ એડ કરવું. ડુંગળીને સમારવી જ તેને ચોપરમાં ચોપ ન કરવી તેમ કરવાથી ડુંગળીનું પાણી છુટશે અને મેંદુ વડામાં વધારે પાણી ઉમેરાઈ જશે અને તે ઘટ્ટ નહીં રહે.

હવે બધી સામગ્રી એડ કરી લીધા બાદ તેને હાથેથી જ મિક્સ કરી લેવું. તેને માત્ર મિક્સ જ નથી કરવાનું પણ ત્રણ-ચાર મિનિટ ફેંટી લેવાનું છે જેથી કરીને ખીરુ એકદમ ફ્લફી બની જાય અને તમારે તેમાં સોડા નાખવાની જરૂર ન પડે.

હવે ખીરુ તૈયાર થઈ ગયા બાદ તેને મશીન વગર કેવી રીતે બનાવવા તે જોઈ લો. તેના માટે તમારે એક વાટકીમાં પાણી લેવું. હવે બન્ને હાથ ભીના કરી લેવા.

હવે આ ભીના હાથમાં તમારે જેવું મેંદુ વડુ બનાવવું હોય તેટલું ખીરુ લેવું અને ભીની આંગળીથી ખીરામાં કાણું પાડી દેવું. ખાસ ધ્યાન રાખવું કે દર વખતે તમારે હાથને ભીના કરીને જ મેંદુવડાનું ખીરુ હાથમાં લેવું અને આંગળી ભીની કરીને જ કાણુ પાડવું.

હવે તેને તળવા માટે ઉમેરી દેવું. આ ઉપરાંત બીજી પણ એક રીત છે જેમ તમે ડાયરેક્ટ ભજીયા બનાવો છો તેમ જ સીધુ કાણુ પાડીને મેંદુવડાને તળી શકો છો. તેના માટે તમારે ભજીયાની જેમ ખીરુ હાથમાં લેવું અને તેમાં અંગુઠાથી કાણુ પાડીને સીધુ જ તેલમાં ઉમેરી દેવું. અહીં પણ દર વખતે હાથ ધોતા જવું અને કાણુ પાડતું જવું. ભીનો હાથ નહીં કરો તો મેંદુવડુ બગડી જશે.

ધીમે ધીમે પ્રેક્ટિસ આવી જશે. હવે તેને મિડિયમ ફ્લેમ પર ચડવા દેવું. નીચેની બાજુ તળાઈ જાય એટલે તેને પલટી લેવા અને બન્ને બાજુને સરખી રીતે તળી લેવા.

સોડા નહીં નાખ્યો હોવાથી તેમજ ખીરાનો આથો નહીં આવ્યો હોવાથી મેંદુ વડા તેલ નહીં પીવે. અને ઓછા તેલમાં જ મેંદુ વડા તળાઈ જશે.

મેંદુવડા તળાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે મેંદુ વડા બિલકુલ જાળીદાર બન્યા છે. તો બધા જ મેંદુ વડા આ રીતે તળી લેવા.

તો તૈયાર છે ઘરે જ બનાવેલા સોડા વગરના અને મશિનનો ઉપયોગ કર્યા વગરના બિલકુલ સોફ્ટ મેંદુ વડા.

નોંધઃ અડદની દાળ વાટી લીધા બાદ તેને અરધો કલાકથી વધારે રાખી ન મુકવી. તેમ કરવાથી આથો આવવા લાગશે અને મેંદુવડા સારા નહીં બને.

રસોઈની રાણીઃ સીમાબેન

મેંદુ વડા બનાવવા માટેની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *