ઘરે જ બનાવો ઘરની શુદ્ધ સામગ્રીઓમાંથી બહાર જેવા સોફ્ટ તીખા ગાંઠિયા.

આપણે મોટે ભાગે સુકો તળેલો નાસ્તો બહારથી જ ફરસાણવાળાની દુકાનેથી લઈ આવતા હોઈએ છીએ. જેને ખાતી વખતે આપણને તેમાં વપરાયેલી સામગ્રી વિષે પણ ચિંતા રહેતી હોય છે તેમ છતાં પણ આપણે તેને ખાતા હોઈએ છીએ. પણ જો તમારી પાસે માત્ર થોડો જ સમય હોય તો તમે ફરસાણની દુકાને મળતા સોફ્ટ તીખા ગાંઠિયા તો ઘરે જ બનાવી શકો છો.

સોફ્ટ તીખા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી

1 કી.ગ્રા ચણાનો લોટ

1 ગ્લાસ પાણી

સ્વાદ પ્રમાણે મીઠુ

6 ટેબલ સ્પૂન તેલ

3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચુ (તમે જે મરચુ વાપરતા હોવ તેની તીખાશ પ્રમાણે મરચુ લેવું)

½ ચમચી કરતાં થોડો ઓછો ખાવાનો સોડા

ગાંઠિયા તળવા માટે તેલ

સોફ્ટ તીખા ગાંઠિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક તપેલી લેવી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું. તેમાં છ ટેબલ સ્પૂન તેલ અને સાથે સાથે ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચુ પાઉડર ઉમેરવું.

હવે લાલ મરચુ ઉમેરી દીધા બાદ તેમાં અરધી ચમચીથી પણ ઓછો ખાવાનો સોડા ઉમેરવો. અહીં તમારે ઇનો ન વાપરવો કારણ કે પાણીમાં ઇનો નાખતાં જ તેનો સોડા બહાર નીકળી જશે અને ગાંઠિયામાં તેની અસર નહી રહે માટે ધ્યાન રાખીને અહીં ખાવાનો સોડા જ વાપરવો. હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. લાલ મરચા પાઉડના લંગ્સ ન રહી જાય અને મીઠુ પણ બરાબર પીઘળી જવું જોઈએ.

હવે એક કથરોટમાં એક કી.ગ્રામ ચણાનો લોટ અથવા બેસન લઈ લેવું. ચણાનો લોટ ગાળીને જ લેવો. હંમેશા લોટ ચાળીને જ લેવો જેથી કરીને તેમાંના લંગ્સ પણ તેની જાતે જ ટુટી જશે.

હવે તેમાં તૈયાર કરેલું મરચાવાળુ પાણી ઉમેરતા જવું અને તેને ભાખરીના લોટ જેવો કઠણ લોટ બાંધી લેવો.

ધીમે ધીમે બધું જ મરચાવાળુ પાણી વપરાઈ જશે. અને લોટ ભાખરીના લોટ જેવો કઠણ બંધાઈ જશે. હવે તેને ઢીલો કરવો.

શરુઆતમાં જાડો લોટ બાંધી લીધા બાદ હવે તેમાં ધીમે ધીમે સાદુ પાણી લઈ લઈને સાવ જ ઢીલો લોટ બાંધવો અહીં ખીરા કરતાં થોડો જાડો લોટ રાખવામાં આવ્યો છે

અહીં દર્શાવી છે તે પ્રકારની કન્સીસ્ટન્સી રાખવાની તે નથી તો લોટ કે નથી તો ખીરુ બાંધેલા લોટ કરતાં પાતળું અને ખીરા કરતાં જાડો લોટ રાખવો જેથી કરીને ગાંઠિયા સરળ રીતે પડી શકે.

હવે ગાંઠિયા પાડતા પહેલાં આ લોટ પર ઉપર ઉપર થોડું પાણી લગાવી લેવું. અને તેને 15 મીનીટ માટે બાજુ પર મુકી દેવું. આમ કરવાથી લોટ સુકાશે નહીં. લોટ ઢીલો બાંધવામાં આવ્યો હશે તો જ ગાંઠિયા બહારથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ બનશે.

હવે ગાંઠિયા પાડવા માટે સંચાની અંદરની બાજુએ તેલ ચોપડી લેવું. જેથી કરીને ગાંઠિયા માટે તૈયાર કરવામાં આવેલો લોટ સંચામાં ચોંટી ન જાય.

હવે ગાંઠિયા પાડવા માટે સંચાની મોટા કાણાવાળી ગાંઠિયાવાળી જાળી લેવી. અને તેની બન્ને બાજુએ પણ તેલ ચોપડી લેવું જેથી કરીને ગાંઠિયા તેલમાં પાડતી વખતે ક્યાંય ચોંટી ન જાય. આ દરમિયાન ગેસ પર તેલ ગરમ થવા મુકી દેવું. તેલ કડાઈમાં બહુ ન ભરવું.

હવે ગાંઠિયા પાડવા માટે સંચામાં તૈયાર કરેલો લોટ ઉમેરી દેવો. અને તેને ઢાંકણાથી બરાબર બંધ કરી દેવો.

હવે તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારે જ ગાંઠિયા પાડવા. હવે સંચામાંથી ગોળ ફરતા ગાંઠિયા પાડી દેવા.

હવે ગાંઠિયાને બે મિનિટ માટે તળાવા દેવાના. ત્યાર બાદ તેને પલટી લેવા. તેને વારંવાર હલાવતા ન રહેવા નહીંતર તે ટુટી જશે.

હવે એક બાજુ પલટી લીધા બાદ તે બાજુને બે-ત્રણ મીનીટ માટે તળાવા દેવા. હવે ગાંઠિયાને તેલમાંથી બહાર કાઢી લેવા. તેને વધારે પડતા ન તળવા દેવા.

તેલમાંથી બહાર કાઢશો એટલે ગાંઠિયા તમને પોચા લાગશે પણ તે ઠંડા થશે એટલે સરસ ક્રીસ્પી થઈ જશે. તો તૈયાર છે સોફ્ટ તીખા ગાંઠિયા. ઘરની જ શુદ્ધ સામગ્રીમાંથી બનેલા ગાંઠિયા ખાવાની મજા અને સંતોષ કંઈક અલગ જ હોય છે.

રસોઈની રાણીઃ સીમાબેન

સોફ્ટ તીખા ગાંઠિયા બનાવવા માટેનો વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *