બાળકોને મેંદાની નહીં પણ ઘઉંના લોટની ટેસ્ટી ક્રીસ્પી નાશ્તાપુરી લંચ બોક્ષમાં આપો…

ટેસ્ટી-ક્રીસ્પી પુરીનું નામ પડતાં જ આપણને મેંદાના લોટની ફર્સી પૂરી યાદ આવી જાય છે. પણ આપણે બધા એ સારીરીતે જાણીએ છીએ કે મેંદાનું નિયમિત સેવન એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પણ બાળકો તેમજ મોટાઓને ચા-દૂધ સાથે આવી ક્રીસ્પી પૂરી ખુબ ભાવતી હોય છે તો મેંદાની જગ્યાએ ઘઉંના લોટની જ ફર્સી પુરી બનાવો.

ઘઉંના લોટની ટેસ્ટી-ક્રીસ્પી પુરી બનાવવા માટે સામગ્રી

1 કીલો ગ્રામ ઘઉંનો રોટલીનો લોટ

1 ચમચી શેકેલા મરીનો પાઉડર

1 ચમચીથી થોડું વધારે મીઠુ

1 નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર

1 નાની ચમચી અજમો

1 નાની ચમચી હીંગ

1 ચમચી ખાંડ

4-5 ચમચી ઘી

તળવા માટે તેલ

ઘઉંના લોટની ટેસ્ટી-ક્રીસ્પી પુરી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કીલો ઘઉંનો રોટલીનો લોટ એક મોટા પાત્રમાં લઈ લેવો. તેમાં આખા મરીને શેકીને તેનો એક ચમચીથી થોડો વધારે પાઉડર બનાવીને ઉમેરવો.

હવે તેમાં અરધી ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરવો. અજમો નાખવાથી ગેસની સમસ્યા નથી થતી અને ટેસ્ટ પણ સારો આવે છે.

હવે તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાઉડર, એક ચમચી હીંગ અને એક ચમચીથી વધારે મીઠુ ઉમેરવું.

હવે મોણ માટે અહીં તેલ નહીં પણ 4-5 ચમચી ઘી ઉમેરવામાં આવ્યું છે. મોણમાં ઘીનો ઉપયોગ કરવાથી પુરી એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે.

હવે લોટ બાંધવા માટે અહીં ઠંડુ પાણી નથી લેવાનું પણ એક તપેલીમા હુંફાળુ પાણી ગરમ કરી લેવું.

હવે બાળકોને જ જો વધારે પૂરી ખાવાની હોય તો તેમાં એક ચમચી ખાંડ ઉમેરી દેવી. તમે ખાંડ વાટીને પણ ઉમેરી શકો છો. અને જો ખારી પુરી જ ખાવી હોય તો ખાંડ સ્કીપ પણ કરી શકો છો.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. અને જોઈ લેવું કે મોણ બરાબર પડ્યું છે કે નહીં. તેના માટે તમારે લોટ મિક્સ કરીને તેની મુઠ્ઠી વળે છે કે નહીં તે જોઈ મોણ ચકાસવું. જો સરળ રીતે મુઠ્ઠી ન પડતી હોય તો તેમાં થોડું વધારે મોણ ઉમેરવું.

હવે તેમાં ધીમે ધીમે હુંફાળુ પાણી ઉમેરતા જવું અને તેનો લોટ બાંધતા જવો. લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તેવો બાંધવો.

લોટ અહીં ભાખરી કરતાં સોફ્ટ અને રોટલી કરતાં કડક બાંધવાનો છે. માટે ધીમ ધીમે પાણી ઉમેરતા ઉમેરતા જ લોટ બાંધવો. લોટ બંધાઈ ગયા બાદ તેના પર થોડું તેલ ઉમેરી લોટ મસળી લેવો. હવે લોટને દસેક મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દેવો.

દસેક મિનિટ બાદ લોટના અહીં બતાવ્યા છે તે પ્રમાણે નાના લુઆ તૈયાર કરી લેવા. તમે જેટલી સાઈઝની પુરી બનાવવા માગતા હોવ તેટલા પ્રમાણમાં લુઆ તૈયાર કરી લેવા.

અહીં પુરી દાબવાનું મશીન લેવામાં આવ્યું છે અને તેમાં જ પુરી વણવામાં આવી છે. તમે પુરીને હાથેથી પણ વણી શકો છો. હાથેથી વણેલી પુરી થોડી પાતળી હોવાથી તે પાપડ જેવી ક્રીસ્પી બને છે.

તમે પુરીના મશીનમાં થોડા નાના લુઆ એક સાથે ત્રણ મુકી દેશો તો ઝડપથી પુરી વણાઈ જશે.

હવે પુરી વણાઈ ગયા બાદ તેમાં કાંટા ચમચી કે પછી છરીથી કાપા પાડી દેવા. જેથી કરીને તળતી વખતે પુરી ફુલે નહીં.

હવે આ રીતે બધી જ પુરી વણી લેવી અને તેમાં કાપા પાડી તૈયાર કરી દેવી. જેથી કરીને ફટાફટ તળાઈ જાય.

હવે એક ગેસ પર તેલ ગરમ કરવા મુકી દેવું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને પુરી ઉમેરતા જવી.

ગેસની ફ્લેમ મિડિયમ રાખીને જ પુરી તળવી. જેથી કરીને પુરી અંદર સુધી તળાઈ અને અંદરથી પોચી ન રહી જાય.

હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે પુરી હળવા બ્રાઉન રંગની થાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવી. આ જ રીતે બધી પુરી તળી લેવી.

તો તૈયાર છે ઘઉંના લોટની ફર્સી પુરી. આ પુરીને તમે અઠવાડિયા સુધી સાંચવી રાખી શકો છો. તેને તમે પ્રવાસમાં તેમજ બાળકોને નાશ્તામાં આપી શકો છો. ચોમાસા દરમિયાન તેને ભેજ ન લાગે તે રીતે એર ટાઈટ ડબ્બામાં જ બંધ કરીને રાખવી. જો કે પુરીને ડબ્બામાં ભરતાં પહેલાં થોડી ઠંડી પાડી લેવી. ગરમાગરમ ન ભરવી.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ઘઉંના લોટની ટેસ્ટી-ક્રીસ્પી નાશ્તા પુરી બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *