ઘઉંના લોટનું મસાલા ખીચું – બહુ ભૂખ લાગી હોય અને કઈક અલગ અને નવીન ખાવાનું મન થયું હોય તો બનાવી લો આ ખીચું…

ખીચું એ કોઈ પણ સમય પર ખાઈ શકાય એવી ડીશ છે. જે ખૂબ જ ઝડપ થી બની જાય છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે.ચોખા ના લોટ નું ખીચુ લગભગ બધા ના ઘરે બનતું જ હોય છે. અને એ પાપડી ના લોટ ના નામ થી પણ પ્રખ્યાત છે.

ગરમી માં બહુ મસાલા વાળા નાસ્તા નથી ભાવતા અને વેકેશન હોવાથી રોજ કાંઈક અલગ નાસ્તો બનાવાની બાળકો ની ફરમાઇશ મારી આ રેસિપી થી તમે ચોક્કસ પુરી કરી શકશો .

આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ એવા ઘઉં ના લોટ ના મસાલા ખીચું ની સરળ રેસિપી લાવી છું.

સામગ્રી:-

1 કપ ઘઉં નો લોટ

2 1/2 કપ પાણી

2 ચમચી તેલ

1 ચમચી જીરું

1/4 ચમચી અજમો

1/4 ચમચી પાપડીયો ખારો

લીલાં મરચાં અને મીઠો લીમડો

ચપટી હિંગ

તેલ અને આચાર મસાલો( મેથી નો મસાલો)

મીઠું અને લાલ મરચું સ્વાદાનુસાર

રીત:-

સૌ પ્રથમ એક જાડી કડાઈ લો. તેમાં તેલ ઉમેરો. ગરમ થાય એટલે જીરું , અજમો અને હિંગ ઉમેરો. હવે 1 1/2 કપ પાણી ઉમેરો અને ઢાંકી ને ગરમ થવા દો . ગરમ થાય એટલે પાપડીયો ખારો ઉમેરો અમે ઢાંકી દો. હવે પાણી ઊકળે એટલે લીલાં મરચાં અને લીમડો ઉમેરો. હવે ઢાંકણ ઢાંકી દો. ઢાંકણ ઉપર ઘઉં નો લોટ મૂકી ને 2-3 મિનિટ પાણી ઉકળવા દો.

હવે પાણી માં લાલ મરચું ઉમેરો અને ઢાંકણ પર મુકેલો ઘઉં નો લોટ પણ ઉકળતા પાણી માં ઉમેરો . (મિક્સ નથી કરવાનું નહીં તો ગઠ્ઠા થઈ જશે.) હવે ઢાંકણ ઢાંકી ને ધીમી આંચ પર 1 મિનિટ રહેવા દો. બધું પાણી લોટ માં શોષાય જાય પછી તવેથા થી બરાબર મિક્સ કરો. એક બીજા બાઉલ માં વધેલું પાણી ગરમ કરો અને મિક્સ કરેલા લોટ માં સાઈડ માંથી પાણી ઉમેરો. અને ફરી થી ઢાંકણ ઢાંકી ને 2-3 મિનીટ રેહવા દો. પછી ફરીથી લોટ મિક્સ કરો અને જરૂર લાગે તો વધુ ગરમ પાણી ઉમેરી ને થવા દો.

તમે ઈચ્છો તો ખીચું ને ઢોકળિયા માં વરાળ માં 10-12 મિનીટ સુધી બાફી શકો.

ગરમાગરમ ખીચું તૈયાર છે. શીંગ તેલ અને મેથીના મસાલા સાથે સર્વ કરો…

જો તમને મેથી નો મસાલો ના ભાવતો હોય તો તમે તેલ માં મીઠું , લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી ને પણ ખીચું સાથે સર્વ કરી શકો છો.

નોંધ:-

પાણી થોડું વધુ પણ લેવાય જો તમને સોફ્ટ ખીચું પસંદ હોય તો…

તમે ઇચ્છો તો મલ્ટીગ્રેન લોટ પણ લઈ શકો છો.

ઉકળતા પાણી માં લોટ ઉમેરો પછી તરત મિક્સ ના કરવું.

જો તમારી કડાઈ પાતળી હોય તો કડાઈ નીચે જાડી લોઢી પણ મૂકી શકો .

તમે ખીચું માં કોથમીર પણ ઉમેરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *