ઘઉં ના યીસ્ટ વગર ના પીઝા ના રોટલા (પીઝા બેઝ) – શું તમે હજી પણ પીઝા બનાવવા બેઝ બહારથી લાવો છો?

મોટા ભાગ ના લોકો પીઝા માટે ના રોટલા બહાર બેકરી માંથી જ લાવતા હોય છે જે મેંદા અને યીસ્ટ વાળા હોવાથી એટલા હેલ્ધી નથી હોતા.

આજે ખાસ તમારા બધા લોકો માટે મેંદા અને યીસ્ટ વિનાના ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ પીઝા ના રોટલા બનાવાની રીત લાવી છું. જે કુકર માં સરળતા થી બની જાય છે અને ઓવન માં પણ બનાવી શકાય છે. એક વાર બનાવશો પછી બહાર થી ક્યારેય નહીં લાવો એની ગેરંટી છે મારી.

યીસ્ટ વગર ના ઘઉં ના પિઝા ના રોટલા ( બેઝ) માટે ની સામગ્રી:-

2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટિગ્રેન લોટ લીધો છે)

1 ચમચી મિક્સ હર્બસ અથવા 1/2 ચમચી અજમો ક્રશ કરેલો

1 ચમચો દહીં

1 ચમચી બેકિંગ પાવડર

1/2 ચમચી ખાંડ

4 મોટા ચમચા તેલ

મીઠું સ્વાદઅનુસાર

1 કપ પાણી

કણક કુણવવા માટે થોડું તેલ

સૌ પ્રથમ પાણી સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો અને હવે ધીરે ધીરે પાણી ઉમેરી ને મીડિયમ સોફ્ટ કણક બાંધો. હવે હાથ તેલ વાળા કરતા જાવ અને 10 -15 મિનીટ સુધી કણક ને બરાબર મસળી ને કુણવતા જાવ. બહુ કઠણ લગે તો જ વધુ પાણી ઉમેરો કણક માં..આપણે સોફ્ટ કણક બાંધવાની છે.

10 -15 મિનીટ ભીનું કપડું ઢાંકી દો અને પછી ફરીવાર 2 મિનીટ કણક કુણવી લો . ત્યારબાદ કણક માંથી લુઆ બનાવો. હવે લુઆ ને થોડું અટામણ લઈ ને ભાખરી જેવું જાડું વણી ને રોટલો બનાવો. રોટલા ની બંને બાજુ કાંટા થઈ કાણા કરો. એવું કરવાથી બંને બાજુ અંદર થી બરાબર ચઢી જાય અને કાચું ના રહે.

હવે ખાલી કુકર માં એક થોડું ઊંચું હોય એવું સ્ટેન્ડ મુકો અને એની ઉપર એલ્યુમિનિયમ ની તેલ થી ગ્રીસ કરેલી ડીશ મુકો. હવે આ ખાલી કુકર ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે ડીશ માં એક પીઝા નો રોટલો મુકો. અને કુકર ના ઢાંકણ માંથી રિંગ અને સીટી નિકાળી ને કુકર બંધ કરી દો. સાવ ધીમા ગેસ પર 5-7 મિનીટ પીઝા ના રોટલા ને થવા દો. પછી ઢાંકણ ખોલી ને પીઝા ના રોટલા ને બીજી સાઈડ ફેરવી ને પાછું બંધ કરો અને ફરી થી ધીમા ગેસ પર થવા દો. 5-7 મિનિટ પછી જોઈ લો આછાં ગુલાબી રંગ ના થયા હોય તો બહાર નીકાળી લો અને ઠંડા થવા દો. ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બા માં મૂકી દો.

જ્યારે મન થાય એટલે બટર થી બંને શેકી ને મનગમતું ટોપિંગ કરીને પીઝા ની મજા માણો. બહાર કરતા ખૂબ જ સરસ બનતા પીઝા રોટલા હવે ઘરે જ બનાવો.

આ પિઝા ના રોટલા 3-5 દિવસ સ્ટોર કરી શકાય છે. એટલે તમે અગાઉ થી બનાવી ને મૂકી દો તો પણ ચાલે .

ઓવન માં બનાવવા માટે:-

આજ પીઝા ના રોટલા ને આપણે ઓવન માં પણ બનાવી શકાય.

220° તાપમાને 10- 15 મિનિટ માટે પ્રિહીટ કરેલા ઓવન માં રોટલા ને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં વણી ને મૂકી દો . અને જોતા રહો. જ્યારે આછા ગુલાબી રંગ ના થાય એટલે બહાર નીકાળી લો . બંને બાજુ શેકાય ગયા છે કે નહીં તે ચેક કરી લેવું.

નોંધ:-

પીઝા ના રોટલા ની કણક ને બરાબર કૂણવશો તો જ પીઝા બેઝ બહાર જેવો સરસ બનશે.

અપને ઘઉં ના લોટ ના બનાવ્યા હોવાથી કલર થોડો ડાર્ક લાગશે બહાર કરતા પરંતુ ટેસ્ટ તો ચોક્કસ થી વધુ સારો હોય છે.

કુકર પહેલા ગરમ કરવાથી બધી બાજુ થી એકસરખું ગરમ થાય છે.અને રોટલા કાચા નથી રહેતા.

તમે મીની પીઝા બેઝ પણ બનાવી શકો

તમને એકદમ થીન ક્રસ્ટ બનાવા હોય તો પાતળા રોટલા વણો.

ખૂબ જ ઓછી સામગ્રી થી બનતા આ પીઝા ના રોટલા ખૂબ સ્વાદિષ્ટ બને છે.

રોટલા બનવતી વખતે ગેસ ની આંચ સાવ ધીમી જ રાખવી.

પીઝા બનાવતી વખતે રોટલા ને પહેલા બટર થી શેકી લેશો પછી તમને એનો ક્રસ્ટ વધુ ક્રિસપી બનશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *