ઘરેજ બનાવો ઓવનમાં કે પછી ગેસ પર દાબેલી, પાંઉ ભાજીના લાદી પાંઉ !

આપણે ઘરે જ્યારે પણ પાંઉ ભાજી કે પછી દાબેલી બનાવતા હોઈએ છીએ તો તેની સાથે ખવાતા પાંઉ તો આપણે બહારથી જ મંગાવી લઈએ છીએ. જેના કારણે બહારની વસ્તુ ઘરે જ બનાવીને ખાવાનું આપણું લક્ષ અધુરુ રહી જાય છે. પણ આ મેથડથી તમે ખુબ જ સરળતાથી ઘરે જ ઓવન વગર કે ઓવનમાં કુણા પાંઉ બનાવી શકશો.

લાદી પાંઉ બનાવવા માટેની સામગ્રી

200 એમએલ દૂધ

1 ટેબલ સ્પૂન ખાંડ

1 ½ ટેબલ સ્પૂન ડ્રાય એક્ટિવેટ યિસ્ટ

2 ટેબલ સ્પૂન માખણ

સ્વાદ પ્રમાણે મીઠુ

2 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર

લાદી પાંઉ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 200 એમએલ દૂધ લેવું અને તેમાં એક મોટી ચમચી ખાંડ ઓગાળી લેવી. ખાંડ જલદી ઓગળે તેના માટે દૂધ થોડું હુંફાળુ લેવું. હવે ખાંડ દૂધમાં બરાબર ઓગળી જાય ત્યાં સુધી ચમચીથી ખાંડને દૂધમાં હલાવતા રહેવું.

હવે જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં દોઢ ટેબલ સ્પૂન ડ્રાય એક્ટિવ યિસ્ટ ઉમેરવું. જો તમારી પાસે ડ્રાય એક્ટિવ યિષ્ટ ન હોય અને ઇન્સ્ટન્ટ એક્ટિવ યિસ્ટ હોય તો તેને બે ટી સ્પૂન લેવું. હવે તેને દૂધમાં મિક્સ કરી દેવું. અને તેને 15-20 મિનિટ માટે બાજુ પર મુકી દેવું.

15-20 મિનિટ બાદ તમે જોશો તો યિસ્ટ થોડું ફુલી ગયું હશે અને દૂધમાં બબલ્સ પણ દેખાવા લાગ્યા હશે. જો યિષ્ટ એક્ટિવ ન થાય તો તેને યુઝમાં ન લેવું. કારણ કે તેવું દૂધ લેવાથી પાંઉ બરાબર નહીં બને.

હવે એક કથરોટ લેવી તેમાં બે કપ મેંદો લેવો. તેમાં એક ચમચી મીઠુ અને બે મોટી ચમચી મિલ્ક પાઉડર લેવો. હવે આ બધી જ સામગ્રીને હાથેથી બરાબર મિક્સ કરી લેવી.

હવે બધું જ સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં એક્ટિવ યિસ્ટવાળુ દૂધ ધીમે ધીમે કરીને ઉમેરી દેવું. અને તેનાથી જ લોટ બાંધી લેવો. આ લોટ તમને ખુબ જ ઢીલો લાગશે પણ પાંઉ બનાવવા માટે આટલો ઢીલો લોટ જ લેવાતો હોય છે.

હવે તેને દસ મિનિટ સુધી સતત મસળતા રહેવાનું. પાંઉ ઘરે બનાવવા હોય તો થોડી મહેનત કરવી પડશે. શરૂઆતમાં લોટ ખુબ જ ચોંટશે તો તેને ઉખાડી ઉખાડીને સતત મસળતા રહેવાનો.

હવે લોટને દસ મિનિટ મસળી લીધા બાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું માખણ ઉમેરવું. અને તેને લોટમાં મસળીને બરાબર મિક્સ કરી લેવું. હજુ પણ લોટ ખુબ ચોંટતો હશે. ધીમે ધીમે લોટ છુટ્ટો પડવા લાગશે. માખણ લોટમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી બીજી પાંચ મિનિટ તેને મસળી લેવું. પાંઉનો લોટ મસળતા લગભગ 15 મિનિટ જેટલો સમય લાગશે. લોટ મસળતી વખતે તેને સતત પટકતા રહેવું. ધીમે ધીમે તે હાથમાં ચોંટવાનો બંધ થઈ જશે.

હવે તૈયાર થયેલા લોટને એક મોટા પાત્રમાં લઈ લેવો. બને તો ડબ્બામા લેવો. પણ ડબ્બો તમારો લોટ હોય તેનાથી ડબલ મોટો લેવો. કારણ કે લોટ ફુલીને ડબલ થઈ જશે. પણ તે પહેલાં લોટને થોડા માખણમાં મસળી લેવો જેથી કરીને લોટ સુકાઈ નહીં.

હવે લોટ જે ડબ્બામાં રાખવામાં આવ્યો છે તેને ઢાંકી દેવો. અને તેને તે જ રીતે ડોઢ કલાક બાજુ પર રાખી મુકવો. જો શિયાળો ચાલતો હોય તો ડબ્બાને કોઈ ગરમ જગ્યાએ રાખવો જેથી કરીને તેમાં બરાબર આથો આવી જાય.

હવે ડોઢ કલાક બાદ તમે જોશો તો તમારો પાંઉ માટેનો લોટ ડબ્બલ થઈ ગયો હશે. તમારા લોટ સાથે પણ આવું જ થવું જોઈએ જો લોટનું પ્રમાણ બેવડાઈ નહીં તો સમજવુ કે તમારા લોટમાં ખામી છે.

હવે લોટમાંના એર બબલ દૂર કરવા માટે તેને હળવા હાથે ફરી એકવાર એકાદ મિનિટ સુધી મસળી લેવો.

હવે અહીં ઓવન તેમજ તપેલી બન્ને રીતે પાંઉ તૈયાર કરવામાં આવ્યા છે માટે અહીં બે પ્રકારની ટ્રે લેવામાં આવી છે. આ બન્ને ટ્રેને માખણથી બરાબર ગ્રીસ કરી લેવી જેથી કરીને લોટ તેમાં ચોંટે નહીં અને પાંઉ પણ બનીને તૈયાર થાય ત્યારે તળિયે ચોંટે નહીં.

હવે તૈયાર થયેલા લોટને રોલ કરી લેવો અને તેમાંથી સમાન આકારના લોયા તૈયાર કરી લેવા. આ લોયા તૈયાર કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ પણ જાતની ક્રેક કે ક્રીઝ ન રહે ખાસ કરીને તેની ઉપરની બાજુ સંપૂર્ણ સ્મુધ હોવી જોઈએ જેથી કરીને પાંઉ બરાબર ફુલે. જેના માટે લોટના ગુંડલાને નીચેની તરફ વાળતા જવું જેથી કરીને ઉપરથી લોયુ સ્મુધ બનશે. અહીં ટ્રે નાની મોટી છે તે પ્રમાણે લોયા તૈયાર કરવામાં આવ્યા છે.

હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે તૈયાર કરેલા લોટના લોયાને માખણથી ગ્રીસ કરેલી પ્લેટમાં મુકી દેવા. દરેક લોયા વચ્ચે થોડી જગ્યા રાખવી જેથી કરીને લોટ જ્યારે શેકાય ત્યારે તે બરાબર ફુલી શકે.

હવે ટ્રેમાં સમાન આકારના લોયા વ્યવસ્થિત રીતે ગોઠવી લીધા બાદ તેના પર થોડું થોડું દૂધ ચોપડી દેવું. જેથી કરીને તે ડ્રાય ન થઈ જાય. દૂધ થોડુંક જ લગાવવું વધારે પડતું ન લગાવવું.

હવે આ તૈયાર કરેલી ટ્રેને ભીના કપડાંથી દોઢ કલાક સુધી ઢાંકી રાખવી. જો શિયાળો હોય તો બે કલાક ઢાંકીને રાખવું. અને કપડું ભીનું કરવાનુ ન ભુલવું નહીંતર અંદરના લોયા સુકાઈ જશે.

હવે સવા કલાક બાદ જો તમે પાંઉ ઓવનમાં નહીં અને ગેસ પર તપેલામાં બનાવવા માગતા હોવ તો તમારી તપેલીને પ્રિ હીટ કરી લેવી. તેના માટે તમારે એક મોટું તપેલું લેવું. તેના તળિયે એકથી દોઢ વાટકી મીઠુ પાથરી દેવું. અને તેના પર એક સ્ટેન્ડ અથવા તો કાંઠો મુકી દેવો જેથી કરીને પાંઉની જે ટ્રે મુકવામાં આવે તે સીધી તળિયાને ન અડે.

હવે તેને પ્રિ હિટ કરવા માટે હાઈ ફ્લેમ પર 15 મિનિટ મુકી દેવું અને તેને ઢાંકણાથી ઢાંકી દેવું.

હવે તમે લોટવાળી ટ્રે પરનું ભીનું કપડું હટાવશો તો જોઈ શકશો કે લોટના લોયા ડબ્બલ સાઈઝન થઈ ગયા હશે.

હવે પાંઉને બેક કરતા પહેલાં તેને ફરી દૂધથી ગ્રીસ કરી લેવું. દૂધ વધારે પડતું ન ઉમેરવું જો તેના ટીપા ટ્રેના તળિયે પહોંચશે તો પાંઉ નીચેથી બળી જશે. અહીં તમે માખણ પણ લગાવી શકો છો. પણ દૂધ લગાવવાથી તેનો રંગ લાલ આવશે માટે દૂધ જ લગાવવું.

હવે ગેસ પર જે તપેલું પ્રિ હિટ કરવા મુક્યું છે તેના પરથી ઢાંકણું હટાવી લેવું. અને પાંઉની ટ્રેને તેમાં સાંણસીની મદદથી મુકી દેવી.

હવે તેના પર એક ઢાકણું ઢાંકી દેવું. અને હવા બહાર ન નીકળે તે હેતુથી ઢાકણા પર વજન પણ મુકી દેવું. હવે તેને 15 મિનિટ સુધી બેક થવા દેવું.

હવે જો તમે પાંઉ તપેલામાં નહીં પણ ઓવનમાં બનાવવા માગતા હોવ તો ઓવનને પણ 15 મિનિટ સુધી 175 ડીગ્રી સેલ્સિયસ ટેમ્પ્રેચર પર પ્રિ હિટ કરી લેવું. અને ત્યાર બાદ લોટના લુઆથી તૈયાર કરેલી ટ્રે મુકી દેવી. હવે તેને પણ 15 મિનિટ સુધી બેક થવા દેવું.

15 મિનિટ બાદ તમારે ઢાંકણું ખોલીને ચેક કરી લેવું કે પાંઉ ચડી ગયા છે કે નહીં. મોટે ભાગે 15 મિનિટમાં પાંઉ તૈયાર જ થઈ જશે. જો ઓવનમાં બનાવવાના હોવ તો પણ તમારે 15 મિનિટ બાદ પાંઉ ચેક કરી લેવા.

હવે પાંઉ તૈયાર થઈ ગયા બાદ તેને ગેસ કે ઓવન પરથી ઉતારી લેવા અને દરેક પાંઉ પર બટર ચોપડી લેવું. કારણ કે બેક થઈ ગયા બાદ ઉપરનો ભાગ કડક બની જાય છે તો તેને સોફ્ટ કરવા માટે તેના પર માખણ લગાવવું જરૂરી છે. અહીં બન્ને પાંઉ એટલે કે ગેસ પર બેક કરવામાં આવેલા પાંઉ અને ઓવનમાં તૈયાર કરવામાં આવેલા પાંઉ બન્ને પર માખણ લગાવી લેવામાં આવ્યું છે.

હવે ફરીથી આ તૈયાર થયેલા પાંઉને ભીના કપડાંથી ઢાંકી લેવા. તેમ કરવાથી પાંઉ એકદમ સોફ્ટ બની જશે. ધીમે ધીમે પાંઉ ઠંડા પડશે તેમ તેમ સોફ્ટ બનતા જશે. કપડાંને અરધો કલાક સુધી ઢાંકી રાખવું.

હવે તૈયાર થયેલા પાંઉ પરથી અરધા કલાક બાદ કપડું હટાવી લેવું. તમે જોશો તો પાંઉ એકદમ સોફ્ટ બની ગયા હશે. તો હવે પાંઉભાજી સાથે ખાવા માટે પાંઉ તૈયર થઈ ગયા છે.

તમે અહીં જોઈ શકો છો કે પાંઉ એકદમ સોફ્ટ બન્યા છે. તેને તોડતાં તેમાં જાળી જોઈ શકાઈ છે. તો હવે જ્યારે ક્યારેય પણ પાંઉ ભાજી બનાવો અથવા ઘરે દાબેલી બનાવવાનો પ્રોગ્રામ રાખો તો ઘરે જ પાંઉ બનાવો અને સંપુર્ણ શુદ્ધ સામગ્રીઓવાળુ ઘરનું ભોજન આરોગો.

લાદી પાંઉ બનાવવા માટે વિગતવાર વિડિયો

રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *