લીલી મકાઈના ભજીયા જેને કોર્ન પકોડા પણ કહેવાય છે શીખો કેવીરીતે બનાવશો…

મિત્રો, ગુજરાતી લોકો ભજીયા ખાવાના શોખીન, શિયાળો હોય કે પછી ઝરમર વરસતો વરસાદ, વારંવાર ભજીયા ખાવાની ઈચ્છા થાય. તેમજ ઘરે મહેમાન આવે તો પણ ભજીયા પીરસવામાં આવતા હોય છે. ભજીયાની ઘણીબધી વેરાયટી બને છે પણ આજે હું તેમાં એક નવી વેરાયટી ઉમેરવા જઈ રહી છું જે છે લીલી મકાઈના ભજીયા જેને કોર્ન પકોડા પણ કહેવાય. આ ભજીયા ખુબ જ ટેસ્ટી બને છે તો આ વખતે જયારે ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આ ભજીયા એકવાર જરૂર બનાવજો, બધાને પસંદ આવશે. તો ચાલો જોઈ લઈએ ભજીયા બનાવવાની રીત.

સામગ્રી :-

Ø 1 કપ લીલી મકાઈ ના દાણા.

Ø 1 કપ બેસન.

Ø 1/2 કપ કોથમરી.

Ø 1/4 કપ પાલક.

Ø 1/2 ઇંચ આદુ.

Ø 2 નંગ લીલા મરચા.

Ø 1 ટેબલ સ્પૂન ચોખા નો લોટ.

Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું.

Ø 1/2 ટેબલ સ્પૂન આખા ધાણા.

Ø 1/2 મીઠું.

Ø ચપટી અજમા.

Ø ચપટી હળદળ.

Ø ચપટી ચીલી ફ્લેક્સ.

Ø ચપટી તીખાનો પાવડર.

Ø ચપટી ચાટ મસાલો.

Ø 1/4 ટેબલ સ્પૂન કુકીંગ સોડા.

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ રસ.

Ø તળવા માટે તેલ.

રીત:-

1) સૌપ્રથમ આપણે એક મોટા બાઉલમાં મકાઈ લઈશું.મકાઈ કાચી તેમજ ફ્રેશ લેવી જેથી ટેસ્ટ સરસ આવે. મકાઈના દાણા નહિ કાઢવા પરંતુ જાડી ખમણીથી ખમણી લેવાની છે જેથી ક્રશ ના કરવી પડે.

2) ત્યારબાદ તેમાં બારીક સમારેલ કોથમીર, પાલક તેમજ આદુ ની પેસ્ટ, ઝીણા સમારેલ લીલા મરચા, ચોખા નો લોટ, ધાણાજીરું, મીઠું, અજમા, હળદળ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાવડર, ચાટ મસાલો અને આખા ધાણાને હાથેથી અધકચરા ક્રશ કરી ઉમેરો. બધાજ મસાલા સારી રીતે મિક્સ કરી લેવા.

3) ત્યારબાદ તેમાં બેસન એડ કરવો. બધું બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. આપણે લીલી મકાઈ લીધેલ છે તેથી પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવું. તેમ છતાં પાણી વધારે પડી જાય તો બેસન ઉમેરી ઘટ્ટ કરી શકાય. આ સમયે ભજીયા તળવા માટેનું તેલ મૂકી ગેસ ચાલુ કરી દેવો જેથી ભજીયા માટેનું ખીરું તૈયાર થાય ત્યાંસુધીમાં તેલ ગરમ થઈ જાય.

4) ઘટ્ટ ખીરું તૈયાર થાય પછી તેમાં ચપટી કુકીંગ સોડા ઉમેરી સોડા પર લીંબુનો રસ નાંખો. ફરી મિક્સ કરી લો.

5) મિક્સ કરી લીધા બાદ હાથેથી નાના નાના ભજીયા મૂકી તળી લો.તેલ મીડીયમ ગરમ કરવું. જો તેલ વધારે થઈ જાય તો ભજીયા લાલ થઈ જાય અને અંદરથી કાચા રહે તેમજ તેલ ઓછું ગરમ હોય તો ભજીયા તેલ પી જાય માટે તેલ મીડીયમ ગરમ રાખવું.

6) ભજીયા તેલમાં મૂકી દીધા બાદ રોલ કરીને તળવા જેથી બધી સાઈડ સારી રીતે ચડી જાય.

7) ભજીયાંનો કલર સહેજ ડાર્ક થાય એટલે પ્લેટમાં કાઢી લો તેમજ બાકીના ખીરામાંથી ભજીયા બનાવી લો. આ ભજીયામાં મેં કાંદા તેમજ લસણ નથી લીધા પરંતુ પસંદ હોય તો લઈ શકાય.

8) તો તૈયાર છે આ ટેસ્ટી ટેસ્ટી લીલી મકાઈના ભજીયા જે બહારથી ક્રિસ્પી તેમજ અંદરથી રૂ જેવા સોફ્ટ બને છે. આ ભજિયાને તીખી મીઠી ચટણી કે દહીં સાથે ખાવાની ખુબજ મજા પડે છે.તો તમે પણ એકવાર બનાવી ટેસ્ટ કરજો અને હા મિત્રો એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *