ગ્રીન પીસ રોલ્સ – લીલા વટાણામાંથી બનતી આ મીઠાઈ ખાઈને બધા કરશે તમારી વાહ વાહ…

બજાર માં સ્વીટ ના સ્ટોર માં જ્વલેજ જોવા મળતા ગ્રીન પીસ બોલ્સ માંના ગ્રીન પીસ એટલે કે લીલા ફ્રેશ વટાણા વિષે થોડી માહિતી મેળવી લઈએ. લીલા વટાણા માં સ્ટાર્ચ તરીકે ઓળખાતા જટિલ કાર્બ્સ વધુ પ્રમાણ માં હોય છે.

લીલા વટાણા એ બીજ છે જે ફળોના છોડમાંથી આવે છે, પરંતુ તે મોટાભાગે સ્ટાર્ચ શાકભાજી તરીકે ખાવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો અને એંટિઓક્સિડેંટ્સ રહેલા છે. નોંધપાત્ર માત્રામાં ફાઇબર અને જરુરી દરેક વિટામિન અને ખનિજ રહેલા છે.

તે પ્રોટિન નો શ્રેષ્ઠ ખજાનો છે તેમ કહી શકાય. તેમાંથી સ્નાયુઓ ને શક્તિ અને હાડકાંઓ ને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે. તે વજન ઘટડવામાં અને જાળવણી માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્લડ સુગર કન્ટ્રોલ માં રહે છે. આંતરડાના રોગ, બળતરા આંતરડા સિંડ્રોમ અને આંતરડા નું કેંસરજેવી કેટલીક જઠરાંત્રિય સ્થિતિઓનું જોખમ ઘટાડી શકે છે….

આમ શિયાળામાં આવતા આ લીલા વટાણા બધા જ માટે ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી છે. તેમાંથી સોલ્ટી અને સ્વીટ વાનગીઓ બનાવીને પોષણક્ષમ આહાર ખાઇ શકીએ છીએ. અને આરોગ્ય જાળવી શકાય છે. તો આ શિયાળા માં વધારેમાં વધારે ગ્રીનપિસની વાનગીઓ જેવી કે ગ્રીનપીસ ના બોલ્સ, પુલાવ, સૂપ, શાક, તેના પરોઠા વગેરે બનાવો અને સ્વાસ્થ્ય જાળવો.

વિંટર સ્પે. ગ્રીન પીસ રોલ્સ બનાવવા માટે ની સામગ્રી :

  • 2 કપ ગ્રીન પીસ – લીલા વટાણા – વટાણાની શિંગમાંથી કાઢેલા
  • 1 ½ ટેબલસ્પુન ઘી
  • 1 કપ દૂધ
  • 2 ટેબલ્સ્પુન મિલ્ક પાવડર
  • 3 ટેબલ સ્પુન સુગર
  • 1 ટેબલસ્પુન કાજુ ના બારીક સમારેલા ટુકડાં
  • 15- 20 કિશમિશ
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • બોલ્સ ગાર્નિશ કરવા માટે કલર ફુલ વરિયાળી

વિંટર સ્પે. ગ્રીન પીસ રોલ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ લીલા વટાણાની, સરસ ભરેલા વટાણા ના દાણા ભરેલી શિંગો લાવી તેમાંથી લીલા વટાણા કાઢી લ્યો.

ત્યારબાદ બધા લીલા વટાણા ધોઇ લ્યો. કોરા કરી નાખો. હવે લીલા વટાણાને ગ્રાઇંડ કરો. થોડા ગ્રાઇંડ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન દૂધ ઉમેરી ને ફરીથી કરકરા ગ્રાઇંડ કરો. ( ફાઇન પેસ્ટ બનાવવા ની નથી ). હવે એક થીક બોટમ નું પેન લઇ જરા ગરમ કરો, તેમાં 1 ½ ટેબલસ્પુન ઘી ઉમેરો.

ઘી ગરમ થાય એટલે તેમાં કરકરા ગ્રાઇંડ કરેલા લીલા વટાણા ઉમેરો અને ગરમ ઘી સાથે બરાબર મિક્સ કરો. ગેસ ની ફ્લૈમ ને મિડિયમ સ્લો રાખો એટલે ગ્રાઇંડ કરેલા વટાણા નીચે બોટમ પર બેસી ના જાય. ઘી માં સંતળાઇ રહેલા મિક્સ્ચર ને સતત હલાવતા રહો. ગ્રાઇંડેડ લીલા વટાણા ઘી માં સંતળાશે એટલે તેનો સરસ નેચરલ ગ્રીન કલર થઇ જશે. એમાં ગ્રીન ફુડ કલર ઉમેરવાની જરુર રહેશે નહિ.

3- 4 મિનિટ ઘી માં શેકો –કૂક કરો. અથવા તો શેકાઇ રહેલા મિક્સ્ચર માંથી સરસ અરોમા આવે ત્યાં સુધી કૂક કરો. હવે તેમાં 1 કપ દૂધ ઉમેરો. મિક્સ કરી 3-4 મિનિટ વધારે કૂક કરો.   સતત હલાવતા રહો. દૂધ અને ગ્રાઇંડ કરેલા વટાણાનું ઘી માં સંતળાયેલું મિક્સ્ચર ને હલાવતા રહી ટોટલી કૂક થવા દ્યો. મિક્સ્ચર કૂક થવાની સાથેસાથે થીક પણ થઇ જશે.

મિક્સચર થીક થાય એટલે પેન ની સાઇડ્સ છોડવા લાગશે. એટલે તેમાં તરતજ 2 ટેબલ સ્પુનફુલ મિલ્ક પાવડર અને સાથે જ 3 ટેબલ સ્પુન સુગર ઉમેરી દ્યો. ( તમારા સ્વાદ મુજબ સુગરનું પ્રમાણ વધઘટ કરી શકો છો). સુગર નો ઉપયોગ ના કરતા હોય તેઓ સુગર ફ્રી પાવડર ઉમેરી શકે છે.

બધું જ એક સાથે સરસ થી હલાવી એકરસ કરો. સતત હલાવતા રહી ને, મિક્સ્ચર પેન ની સાઇડ્સ અને બોટમ છોડવા લાગે ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર કૂક કરો. અથવા તો બોલ્સ નો શેઇપ આપી શકાય તેવી મિક્સ્ચરની કંસીસ્ટ્ન્સી થાય ત્યાં સુધી કૂક કરો.

હવે ગ્રીન પિસ બોલ્સના મિક્સ્ચર માં 1 ટેબલસ્પુન કાજુ ના બારીક સમારેલા ટુકડાં અને 15- 20 કિશમિશ ઉમેરી મિક્સ કરો. ગેસ ની ફ્લૈમ બંધ કરો. તૈયાર થયેલા મિક્સ્ચરમાં 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ 5 થી 10 મિનિટ સેટ થવા માટે ઢાંકી રાખો.

વિંટર સ્પે. ગ્રીન પીસ રોલ્સ વાળવાની રીત :

સૌ પ્રથમ હથેળીઓ માં ઘી થી ગ્રીસ કરો.

હવે વિંટર સ્પેશિયલ ગ્રીન પિસ ના તૈયાર થયેલા મિક્સ્ચર માંથી નાનો બોલ બને તેટલું મિક્સ્ચર લઇ બોલ નો શેઇપ આપો. બટર પેપર ના કપ માં મૂકી સર્વ કરવા. ( લંબગોળ રોલ્સ પણ બનાવી શકો છો ).

મનગમતાં શેઇપ ના મોલ્ડમાં મિક્સ્ચર ભરી ને તમારો મનગમતો શેઇપ પણ આપી શકો છો. મલ્ટી કલરની સ્વીટ વરિયાળી થી ગ્રીન પીસ રોલ્સને ગાર્નીશ કરો. કલર્ડ કે સિલ્વર સુગર બોલ્સથી પણ ગાર્નિશ કરી શકાય છે.

વરિયાળી અને મિક્સ્ચર માં રહેલી એલચી ના કોમ્બીનેશનથી ગ્રીનપિસ બોલ્સમાં સરસ ખૂશ્બુ આવશે. સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને પૌષ્ટિક એવા વિંટર સ્પે. ગ્રીન પિસ બોલ્સ બધા ને ખૂબજ ભાવશે. બાળકો ને લંચ બોક્સ માં આપશો તો હોંશે હોંશે ખાશે. પ્રસાદ માં કે મહેમાનો ને નાસ્તા માં આપી પ્રશંશા ને પાત્ર બનશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *