ગુજરાતી ટ્રેડીશનલ કઢી અને ખીચડી આ રીતે બનાવો પર્ફેક્ટ..

ગુજરાતના મોટા ભાગના ઘરોમાં સાંજે જો ખીચડી બનાવવામાં ન આવે તો જમણ અધુરુ રહી જતું હોય છે. અને જો ખીચડી જોડે મનગમતી કઢી મળી જાય તો સમજો પુરુ ભાણું મળી ગયું. આપણને ઘણીવાર કોઈક સંબંધી કે પછી કો મંદીરની ભોજનશાળામાં ખાધેલા ખીચડી કઢી દાઢે વળગી જતાં હોય છે. તો આજે બનાવો તેવા જ દાઢે વળકે તેવા ગુજરાતી કઢી ખીચડી

ટ્રેડીશનલ કઢી અને ખીચડી બનાવવા માટેની સામગ્રી

ખીચડી બનાવવા માટે સામગ્રી

બે કપ તૂવેરની દાળ અને ચોખા (બાસમતી)

એક ચમચી લવીંગ અને મરી

અડધી ચમચી હળદર

બે ચમચી તેલ

એક નાની ચમચી જીરુ

મીઠુ સ્વાદ મુજબ

કઢી બનાવવા માટે સામગ્રી

1 નંગ ડુંગળી જીણી સમારેલી

ત્રણ ટેબલસ્પૂન ચણાનો લોટ

2 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ

મીઠુસ્વાદ પ્રમાણે

એક ચમચી હળદર

એક ચમચી ધાણાજીરુ પાઉડર

વઘાર માટે રાઈ, જીરુ અને હીંગ

1 નાનો ચમચો તેલ

200 ગ્રામ દહીં

1 કપ છાશ

મીઠા લીંમડાના પાન અને કોથમીર

ખીચડી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કુકર લેવું. તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. હવે તેમાં બે ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ અને લવીંગ મરી ઉમેરી દેવા. બન્નેને થોડીવાર સંતળાવા દેવું.

હવે તેમાં સાડા ચાર કપ પાણી ઉમેરવું. ટુંકમાં જેટલા દાળ ચોખા લીધા છે તેનાથી ડબ્બલથી વધારે પાણી લેવું.

હવે તે પાણીમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવી. હવે તે પાણીને ઉકળવા દેવું. પાણ જલદી ઉકળે તે માટે કુકરને અધખુલું ઢાંકી દેવું.

પાણી ઉકળી જાય એટલે ગેસ ધીમો કરીને તેમાં બે ત્રણ પાણીએ ધોઈને તૈયાર રાખેલા દાળ ચોખા ઉમેરી દેવા.

હવે તેને એકવાર હલાવી લેવું. અને ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. મીઠુ ઉમેર્યા બાદ તેને હલાવી લેવું. અને એકવાર ટેસ્ટ કરી લેવું.

હવે કુકરનું ઢાકણું બંધ કરી દેવું અને તેને ફુલ ગેસ પર પાંચ સીટી વગાડી લેવી. અને છઠ્ઠી સીટી ભરાય એટલે ગેસ બંધ કરી દેવો અને ત્યાર બાદ કુકર સીજવા દેવું.

કઢી બનાવવા માટેની રીત

કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લેવી તેમાં દહીં ઉમેરી દેવું. હવે દહીંની સાથે જ ચણાનો લોટ પણ ઉમેરી દેવો અને સાથે સાથે થોડી છાશ ઉમેરીને ચણાના લોટને દહીં સાથે બરાબર મિક્સ કરી લેવું. જેથી કરીને કોઈ ગાંઠા ન રહી જાય. જો એકસાથે છાશને પાણી નાખી દેવામાં આવશે તો ગાંઠા રહી જાય છે તો તેની જગ્યાએ દહીં સાથે ચણાનો લોટ બરાબર મિક્સ કરી લીધા બાદ જ બધી છાશ ઉમેરવી.

હવે તેમાં બાકીની છાશ તેમજ એક કપ પાણી ઉમેરી દેવું અન તેને બેટર સાથે બરાબર મિક્સ કરી લેવું.

હવે તેમાં મસાલો કરવા માટે તેમાં હળદર, ધાણાજીરુ ઉમેરી દેવા અને તેને તેમાં બરાબર મિક્સ કરી દેવા. આ સ્ટેજ પર જ હળદર અને ધાણાજીરુ ઉમેરી દેવા.

હવે કઢી વઘારવા માટે એક તપેલી લેવી તેમાં એક ચમચો તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી. રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં જીરુ અને હીંગ તેમજ મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા.

વઘાર બરાબર તતડી જાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવી. ડુંગળીને થોડી સંતળાવા દેવી.

ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી દેવી અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવી. તેને બે મીનીટ માટે સાંતળી લેવી. આ દરમિયાન ગેસ ધીમો રાખવો.

ડુંગળી તેમજ આદુ-લસણ-મરચાની પેસ્ટ સંતળાઈ જાય એટલે હવે તેમાં તૈયાર કરેલું કઢીનું બેટર ઉમેરી દેવું. ગેસ ધીમો જ રાખવો.

હવે તેમાં એક કપ પાણી બીજુ ઉમેરી દેવું. અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું. હવે ગેસ ફુલ કરી દેવો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. તેને પણ હલાવીને બરાબર મિક્સ કરી લેવું. આ સ્ટેજ પર તમારે કઢી ચાખી લેવી અને તેમાં તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરો કરી લેવો. અહીં તમે જો ખાટ્ટી-મીઠી કઢી ખાતા હોવ તો ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો.

હવે કઢીને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવી. અહીં બતાવી છે તે પ્રમાણેની તેની કન્સીસ્ટન્સી થઈ જવી જોઈએ.

હવે કઢીમાં બે-ત્રણ ઉભરા આવી ગયા બાદ તેમાં જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી.

તો તૈયાર છે ગુજરાતી ટ્રેડીશનલ કઢી ખીચડી. તેને તમે અહીં બતાવ્યું છે તે પ્રમાણે તળેલા મરચા સાથે સર્વ કરી શકો છો અને કઢીનો સ્વાદ વધારવો હોય તો તેમાં અરધી ચમચી ઘી પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

ટ્રેડીશનલ ગુજરાતી કઢી અને ખીચડી બનાવવા માટે વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *