ગુંદાનો સંભારો – માર્કેટમાં ખૂબ ફ્રેશ અને સારા ગુંદા મળતા હોય છે તો આજે થોડો સમય કાઢીને બનાવો આ ટેસ્ટી ગુંદા…

ગુંદાનો સંભારો બનાવવાની રીત


સૌ પ્રથમ તો ગુંદાને વ્યવસ્થિત ધોઈ લેવા. ત્યાર બાદ તેને લૂછીને કોરા કરી લેવા.


હવે તેને દસ્તા વડે ફોડી તેમાંથી બીયા કાઢી લેવા. ગુંદા ખુબ જ ચીકણા હોવાથી આપણને હાથ બગાડવા ગમતા નથી. માટે તેનો ઠળીયો કાઢવા માટે તમારે એક ચપ્પુ લેવું તેને મીઠાવાળુ કરવું અને તેનાથી ગુંદા અંદરનો ઠળીયો બહાર કાઢવો. વારંવાર ચપ્પુને મીઠા વાળુ કરવું પડતું હોવાથી એક નાનકડી ડીશમાં થોડું મીઠું લઈ લેવું. આવી રીતે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવા અને તેના ડીંટીયા પણ કાઢી લેવા. હવે ગુંદાના બે ટુકડા કરી બાજુ પર મુકી દો. તમે બેની જગ્યાએ ચાર ટુકડા પણ કરી શકો છો.


ચપ્પુનો ઉપયોગ કરવા છતાં તમારા હાથ થોડા ઘણા અંશે ચીકણા થઈ જ જશે. તો હાથમાંની તે ચીકાશ દુર કરવા માટે તમે હાથમાં મીઠું ઘસીને ચીકાસ દૂર કરી શકો છો.


હવે સંભારો બનાવવા માટે ગેસ પર નાનું પેન મુકો અને તેમાં 2 ચમચી તેલ ગરમ કરવા મુકો.


તે દરમિયાન એક લીલું મરચુ લઈ તેના મોટા ટુકડા કરી લો અને તેને કાપીને તૈયાર કરેલા ગુંદા સાથે મુકી દો.


હવે તેલ ગરમ થાય એટલે તેમાં અરધી નાની ચમચી રાઈ તતડાવી લેવી ત્યાર બાદ તેમાં અરધી નાની ચમચી જીરુ એડ કરવું અને પા નાની ચમચી મેથીના કુરિયા એડ કરવા. ત્યાર બાદ ગુંદા કે જેમાં મરચા પણ એડ કરવામાં આવ્યા છે તેને વઘારમાં એડ કરી દેવા. તેને બરાબર હલાવી લેવું. ત્યાર બાદ તેમાં થોડી હળદર ઉમેરવી અને થોડું મીઠું એડ કરવું. મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું કારણ કે ગુંદાના ઠળીયા કાઢતી વખતે મીઠાવાળુ ચપ્પુ યુઝ કર્યું હોવાથી તેમાં થોડાઘણા અંશે મીઠું રહી ગયું હશે. માટે મીઠું એડ કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી નહીંતર સંભારો ખારો થઈ જશે.


પાંચ જ મીનીટમાં ગુંદા સોફ્ટ થઈ જશે. અહીં તમે લીલા મરચાની જગ્યાએ લાલ મરચાનો પણ ઉપોયગ કરી શકો છો.


તો તૈયાર છે ગુંદાનો સંભારો તે પણ માત્ર થોડીક જ વારમાં. અહીં તમે વેરિયેશન લાવવા તૈયાર અચાર મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. જેવી રીતે ટીંડોરાનો સંભારો મેથીયા મસાલા સાથે કરવામાં આવે છે તેવી જ રીતે તમે ગુંદાનો સંભારો પણ મેથીયા મસાલા સાથે કરી શકો છો.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *