હૈદરાબાદી આલુ ટોસ્ટ જો ક્યારેય ન ખાધા હોય તો ચોક્કસ ટ્રાય કરો…

સેન્ડવીચ તો તમે ઘણી ખાતા જ હશો. ઘરે બનાવીને કે પછી બહાર જઈને. પણ હૈદરાબાદી સેન્ડવીચ ભાગ્યે જ ખાધી હશે. કારણ કે અહીં ગુજરાતમાં આ સેન્ડવીચ હજુ સુધી પ્રચલિત નથી થઈ. પણ જો તમે ઘરે એક વાર બનાવશો તો ઘરના સભ્યો વારંવાર તેની ડીમાન્ડ કરશે. તો નોંધી લો હૈદરાબાદી ટોસ્ટની રેસીપી.

હૈદરાબાદી આલુ ટોસ્ટ બનાવવા માટેની સામગ્રી

6 મિડિયમ સાઇઝના બાફેલા છાલ ઉતારેલા બટાટા

1 મીડીમ સાઇઝ ડુંગળી જીણી સમારેલી

2 ચમચા લીલી ચટની

2 ચમચા લાલ લસણની ચટની

સ્વાદ અનુસાર મીઠુ

1 ઇંચ આદુનો ટુકડો

2 ચમચા લીલી કોથમીર જીણી સમારેલી

1 જીણું સમારેલું લીલુ મરચુ

½ ચમચી હળદર

½ ચમચી ધાણાજીરુ

¼ ચમચી ગરમ મસાલો

2 ચમચા નાયલોન સેવ

હૈદરાબાદી આલુ ટોસ્ટ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ છ મિડિયમ સાઇઝના બાફેલા બટાટા છાલ ઉતારીને એક બોલમા લઈ લેવા.

તેમાં એક મીડીયમ સાઇઝની જીણી સમારેલી ડુંગળી એડ કરવી. અને તીખાશ માટે 1 લીલુ મરચુ જીણું સમારેલું ઉમેરવું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જીણી સમારેલી કોથમીર અને એક ઇંચ આદુનો ટુકડો છીણીને એડ કરી દેવો.

ત્યાર બાદ તેમાં અરધી ચમચી લાલમરચુ પાઉડર, પા ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરુ, પા ચમચી ગરમ મસાલો એડ કરી લેવો.

હવે તેમાં લસણની લાલ ચટણી એક ચમચી ઉમેરવી હવે તેમાં લીલી ચટની એડ કરવી અહીં તમે તમને ભાવે તેવી આદુ-મરચા-કોથમીરની ચટની એડ કરી શકો છો અહીં સીંગદાણાવાળી લીલી ચટની ઉમેરી છે.

ચટની બનાવતી વખતે ધ્યાન રાખવું કે તે ઢીલી ન બને થોડી ઘટ્ટ રાખવી.

હવે તેમાં સ્વાદઅનુસાર મીઠુ એડ કરવું અને બધું જ વ્યવસ્થીત રીતે મેશ કરીને મીક્સ કરી લેવું.

તો તૈયાર છે સેન્ડવીચનું સ્ટફીંગ. અહીં તમે તીખુ-ખારુ ટેસ્ટ કરી શકો છો અને સ્વાદ બેલેન્સ કરી શકો છો.

હવે એક બ્રેડ લેવાની અને તેના પર ડોઢ-બે ચમચી પુરણ સ્પ્રેડ કરી દેવું. આવી જ રીતે ત્રણ-ચાર બ્રેડ તૈયાર કરી લેવી.

હવે એક નાની છીછરી ડીશ લેવી તેમાં બે ચમચી મેંદો, બે ચમચી ચોખાનો લોટ અને બે ચમચી કોર્નસ્ટાર્ચ લેવો અને તેમાં બે ચપટી હળદર એડ કરી દેવી.

હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી પાતળી પેસ્ટ બનાવી દેવી. સાવ પાણી જેવી નહીં પણ થોડી જાડી પેસ્ટ બનાવી લેવી. નહીં વધારે ઘાટી કે નહીં વધારે પાતળી.

હવે પુરણ લગાવેલી બ્રેડ લેવી અને તેનો પુરણવાળો ભાગ છે તે બાજુ આ તૈયાર કરેલી પેસ્ટમાં ડીપ કરી લેવી.

આ દરમિયાન ગેસ પર પેન ગરમ કરવા મુકી દેવું અને તેમાં બે ચમચી તેલ પણ એડ કરી લેવું. હવે મેદાની પેસ્ટમાં ડીપ કરેલી બ્રેડને તવામાં ઉંધી જ એટલે કે જે બાજુ પુરણ અને પેસ્ટ લાગેલા છે તે બાજુ તવા પર રહે તેમ મુકવી. અને મુકતાં જ તેને થોડી હલાવી લેવી જેથી તે ચોંટી ન જાય.

હવે તેને ધીમા તાપે શેકાવા દેવી. એક બાજુ શેકાઈ ગયા બાદ તેની બીજી બાજુ પણ વ્યવસ્થિત શેકી લેવી.

બન્ને બાજુ વ્યવસ્થિત શેકાઈ ગયા બાદ તેને ટીસ્યુ પેપર પર મુકી દેવી. આવી જ રીતે બે-ચાર બ્રેડ તૈયાર કરી લેવી.

તમે જોશો કે બ્રેડ બન્ને તરફથી વ્યવસ્થિત શેકાઈ ગઈ હશે.

હવે તેને સર્વ કરવા માટે ગાર્નિશ કરવાની છે. જેના માટે શેકીને તૈયાર કરેલી બટાટાના પુરણવાળી બ્રેડ પર લીલી ચટની સ્પ્રેડ કરી દેવી.

હવે તેના પર લાલ ચટની એડ કરવી, તેના પર થોડી જીણી સમારેલી ડુંગળી એડ કરવી.

હવે તેને બે ભાગમાં ત્રાયેંગલમાં કાપી લેવી. વધારે નાના ટુકડા કરવા હોય તો તેમ કરી શકો છો. હવે તેના પર લીલી કોથમીર સ્પ્રેડ કરી દેવી અને તેના પર જીણી નાયલોન સેવ એડ કરવી.

તો તૈયાર છે હૈદરાબાદી આલુ ટોસ્ટ

રસોઈની રાણી

હૈદરાબાદી આલુ ટોસ્ટ બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *