હવે કોઈપણ ચોકોચીપ્સ બહારથી ખરીદવાની જરૂરત નહિ રહે, જાતે જ બનાવો બહુ સરળ છે…

ઘરે જ બનાવો ચોકોચીપ્સ

ઘરમાં હવે અવારનવાર બેકરી આઇટસ્મ બનવા લાગી છે. ચોકલેટની હવે અવારનવાર જરૂર પડે છે. જેમ કે ઘણીવાર કેટલીક બેકરી વસ્તુ બનાવવા માટે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકલેટ લાવવી પડે છે અથવા તૈયઆર ચોકો ચીપ્સ લાવવી પડે છે. તો હવે તમારે માર્કેટમાંથી તૈયાર ચોકોચીપ્સ લાવવાની કોઈ જ જરૂર નથી. કારણ કે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ઘરે જ ચોકોચીપ્સ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ.

ચોકલેટ ચીપ્સ બનાવવા માટેની સામગ્રી

ડાર્ક કમ્પાઉન્ડના 3 મોટા ગાંગડા (બજારમાં 500 ગ્રામનું પેકેટ મળે છે તેમાંથી 75-100 ગ્રામ જેટલી ) આ તમને રિલાયન્સ કે પછી મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મળી જશે. આ ઉપરાંત તમે બિગ બાસ્કેટ પરથી પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.

ચોકલેટ ચીપ્સ બનાવવાની રીત


500 ગ્રામના પેકેટના આ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડમાંથી તમે ઘણી બધી કોન્ટીટીમાં ચોકલેટ બનાવી શકો છો.


સૌ પ્રથમ 3 ગાંગડા ડાર્ક ચોકલેટ કંપાઉન્ડના લેવા. લગભગ 75-100 ગ્રામ ડાર્ક ચોકલેટ કંપાઉન્ડ લેવું. હવે ગેસ પર પાણી ભરેલી એક તપેલી ગરમ કરવા માટે મુકી દેવી. તેના પર ચોકલેટનું પાત્ર મુકી દેવું. ચોકલેટના પાત્રમાં પાણી ન જાય તે પ્રમાણે તમારે ચોકલેટનું પાત્ર ગોઠવવું.


પાણી ગરમ થશે તેની સાથે સાથે ચોકલેટ પણ પીઘળવા લાગશે. તેને હલાવતા રહેવું. 5-7 મિનિટમાં ચોકલેટ ઓગળી જશે.


હવે આ લીક્વીડ કરવામાં આવેલી ચોકલેટને તમારે રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવી. તે દરમિયાન એક જાડી પોલીથીન લેવી. લોટ, ચોખા વિગેરે જે પોલીથીનમાં આવે છે તે લઈ તેને કાપીને પહોળી કરી દેવી.


હવે ચોકલેટના ડ્રોપ્સ પાડવા માટે તમારે દૂધની ખાલી થેલી લેવી. તે બરાબર ધોયેલી તેમજ સુકવેલી હોવી જોઈ. હવે તેની બે બાજુ ખુલ્લી કરી દેવી. સામસામ બાજુ નહીં પણ સાથેની બાજુઓ કાપી લેવી. જેથી કરીને ચોકલેટના ડ્રોપ્સ પાડવા માટે તેને કોનનો આકાર આપી શકાય. અહીં આપણે મહેંદી માટે જેવી રીતે કોન બનાવીએ તેમ જ કોન બનાવવાનો છે.


હવે તેને એક ગ્લાસમાં મુકવી કોન શેઇપમાં અને તેમાં લીક્વીડ ચોકલેટ ભરી લેવી. ચોકલેટ ભરાઈ ગયા બાદ તેની ખુલ્લી બાજુને રબ્બર બેન્ડથી ટાઇટ બંધ કરી દેવી. અને તેનો જે અણીવાળો ભાગ છે ત્યાં આગળ તમારે ચોકલેટની જેટલી સાઇઝની ચીપ્સ જોઈએ છે એટલે કે તમારે જે સાઇઝનું ટીપું પાડવું છે તે પ્રમાણે કાણું પાડો.


હવે પહોળી કરેલી જાડી પોલીથીન પર લીક્વીડ ચોકલેટ ભરેલા કોનમાંથી ડ્રોપ પાડીને જુઓ કે ડ્રોપ બરાબર પડે છે. જો તે રેલાઈ જતો હોય તો તેનો ખુલ્લો છેડો ક્લોથ ક્લીપથી બંધ કરીને તેને 1 મીનીટ માટે ફ્રીઝમાં મુકી દો. જેથી કરીને તે થોડું ઠંડુ થઈ જાય અને થોડા જાડા ડ્રોપ્સ પડે.


હવે તમે જોશો કે તેના ડ્રોપ્સ બરાબર પડવા લાગશે. થેલી પર બધી જ જગ્યાએ ચોકલેટના નાના નાના ડ્રોપ્સ પાડી દો. ડ્રોપ્સ વચ્ચે થોડી જગ્યા રાખવી. થોડી જ જગ્યા રાખવી વધારે પડતી ન રાખવી. જેથી કરીને બને તેટલી વધારે ચોકલેટ ચીપ્સ બની શકે. આ દરમિયાન તમારી ચોકલેટ વારંવાર ગરમ થયા કરશે. તેનું એક કારણ હશે તમારા રૂમનું ઉંચું તાપમાન અને બીજું હશે તમારા હાથની ગરમી. તો જ્યારે જ્યારે તમારી ચોકલેટ વધારે ગરમ થઈ જાય અને તેના ડ્રોપ્સ રેલાવા લાગે ત્યારે ત્યારે તમારે ચોકલેટને એક ડોઢ મિનિટ માટે ફ્રીઝમાં મુકી ઠંડી કરી લેવી. અને ફરી પાછા તેના ડ્રોપ પાડવા. ચોકલેટના માત્ર આ ત્રણ ગાંગડામાંથી તમે ઘણી બધી ચોકલેટ ચીપ્સ પાડી શકો છો. તેની લગભગ કીંમત પંદરથી વીસ રૂપિયા હશે.


આ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડમાંથી તમે ચોકોબારનું ઉપરનું ચોકલેટ લેયર પણ તૈયાર કરી શકો છો. લીકવીડ ચોકલેટ પણ તૈયાર કરી શકો છો તે પણ ખુબ જ નીચી કોસ્ટ પર. આ ઉપરાંત તમે ઘણી બધી કેઈકના ડેકોરેશન જોયા જ હશે તેમાં કેકની ફરતે ચોકલેટની ઉભી પાતળી વેફર્સ ચોંટાડવામાં આવે છે. તો તમે આ જ પ્રોસેસથી તે ઉભી વેફર્સ પણ તૈયાર કરી શકો છો. અહીં તમારે ચોકલેટને થોડી વધારે ઘટ્ટ એટલે કે ઠંડી રાખવી અને અરધી ચમચી જેટલી લીકવીડ ચોકલેટ પોલીથીન પર નાખીને તેને તાવેથા કે સ્પેટ્યુલાની મદદથી હળવા હાથે નીચેની તરફ ઘસી લેવી. ઠંડી થઈ ગયા બાદ સરસ મજાની ચોકલેટ વેફર તૈયાર થઈ જશે.


હવે પોલીથીન સંપૂર્ણ પણે ચોકલેટના ડ્રોપ્સથી ભરાઈ જાય એટલે તરત જ તેને ફ્રીજમાં મુકી દેવી. તેને અરધો કલાક માટે ફ્રીઝમાં રાખવી.


અરધો કલાક બાદ તમે જોશો તો બધા જ ચોકલેટ ડ્રોપ્સ જામી ગયા હશે. હવે તેને પ્લાસ્ટીક પરથી છુટ્ટા કરી લેવા. ખુબ જ સરળથાથી વધારાના કોઈ પણ પ્રયત્ન વગર ડ્રોપ્સ એટલે કે ચોકલેટ ચીપ્સ પ્લાસ્ટીક પરથી છુટ્ટી થઈ જશે. તેને તમે હાથેથી સરળતાથી છુટ્ટી કરી શકો છો પણ હજુ પણ ઝડપથી છુટ્ટી કરવી હોય તો તમે નીચેની બાજુએ છરી ફેરવીને પણ ચીપ્સ છુટ્ટી કરી શકો છો.


તો તૈયાર છે ચોકલેટ ચીપ્સ. ચોકલેટની ખુબ જ ઓછી કોન્ટીટીમાંથી તમે ઘણી બધી ચોકલેટ ચીપ્સ બનાવી શકશો. આ ચોકલેટ ચીપ્સને તમે આઇસક્રીમ, મિલ્ક શેઇક તેમજ કેઇક્સની અંદર તેમજ તેના ટોપીંગ તરીકે એમ વિવિધ રીતે યુઝ કરી શકો છો.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ રેસીપીનો વિડીઓ જુઓ અહિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *