શું હંમેશા હોટેલમાં જ મલાઈ કોફ્તા ખાઓ છો ? આ વખતે ઘરે જ બનાવો હોટેલ જેવા મલાઈ કોફ્તા.

શું તમે હંમેશા મલાઈ કોફ્તા બહાર હોટેલમાં જ ખાઓ છો ? ક્યારેય ઘરે બનાવવાનો પ્રયાસ નથી કર્યો ? અથવા બનાવ્યા છે પણ બહાર જેવા નથી બન્યા ? તો પચી નીધી બનાવેલા પર્ફેક્ટ મલાઈકોફ્તાની રેસીપી આજે જ નોંધી લો અને બનાવો બહાર જેવા જ મલાઈ કોફ્તા ઘરે જ.

મલાઈ કોફ્તા બનાવવા માટેની સામગ્રી

4 મિડિયમ બટાટા

¼ વાટકીથી ઓછા કાજુ

¼ વાટકીથી ઓછા મગજતરી

40-50 ગ્રામ પનીર

2-3 ચમચી મેંદો

2 ચમચી સીંગદામાનો ભુક્કો/ કાજુનો ભુક્કો

2-3 ચમચી કેસરવાળુ દૂધ

વઘાર માટે 3-4 ચમચી તેલ, 1 ચમચી બટર, 2 ઇલાઇચી, 2 તજ પત્તા

સ્વાદ પ્રમાણે ખાંડ

2 ચપટી કસૂરી મેથી

3-4 ઇલાઇચી

30 ગ્રામ માવો

25-30 ગ્રામ ક્રીમ

સ્વાદ પ્રમાણે મીઠુ

મલાઈ કોફ્તા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 4 મિડિયમ સાઇઝના બટાટા બાફવા મુકી દેવા. આ બટાટાને પહેલાં ધોઈ લેવા પછી જ કુકરમાં બાફવા મુકવા. 5-6 સીટી વગડાવતી.

હવે બટાટા બફાય છે તે દરમિયાન કોફ્તાની વ્હાઇટ પેસ્ટ બનાવવા માટે પા વાટકી કરતાં થોડી ઓછી મગજતરી અને પા વાટકી કરતાં થોડા ઓછા કાજુના ટુકડા લેવા.

હવે કાજુ તેમજ મગજતરી બન્નેને ગરણીમાં લઈને પાણી વડે વ્યવસ્થિત ધોઈ લેવા. તમારે આ પેસ્ટ માટે મોંઘા આખા કાજુ લેવાની જરૂર નથી પણ થોડા સસ્તા કાજુના ટુકડા પણ વાપરી શકો છો.

કાજુ અને મગજતરી ધોઈ લીધા બાદ તેને એક તપેલીમાં લઈ લેવા અને તે ડૂબે તેટલું પાણી તેમાં એડ કરી તેને ગેસ પર ઉકળવા માટે મુકી દેવા. તમારે તેને ઉકાળવા ન હોય તો તેને 2-3 કલાક પલાળીને પછી ગરમ પાણીમાં એડ કરીને તેની પણ પેસ્ટ બનાવી શકો છો.

હવે તેને દસ મીનીટ સુધી ઉકાળી લીધા બાદ. તમે જોશો કે કાજુ અને મગજ તરી સાવ જ સોફ્ટ થઈ ગયા હશે હવે તેને મિક્સરના જારમાં લઈ તેની સાવ જ બારીક પેસ્ટ બનાવી લેવી. તેના માટે તમારે તેમાં જરૂર પડે તે પ્રમાણે પાણી ઉમેરવું.

હવે આ તૈયાર થયેલી પેસ્ટને ગરણીમાં ગાળી લેવી જેથી કરીને મગજતરીનો અધકચરો ભુક્કો હશે તે તેમાં ગળાઈ જશે.

અહીં પેસ્ટ થોડી પાતળી બનાવવી એટલે તેમાં પાણી વધારે પડી જાય તો વાંધો નહીં. અહીં બતાવવામાં આવી છે તે કન્સીસ્ટન્સી તમે પેસ્ટની રાખી શકો છો.

હવે બટાટા બફાઈ જાય એટલે બટાટાની છાલ ઉતારીને તેને મેશર વડે મેશ ન કરવા પણ છીણી નાખવા. જેથી કરીને કોફ્તા એકદમ સોફ્ટ બનશે અને તેનું બાઇન્ડીંગ પણ સારું રહેશે અને તે તળતી વખતે છુટ્ટા નહીં પડે.

હવે આ જ બટાટા સાથે એક નાનો ટુકડો પનીરનો પણ છીણી લેવો.

હવે બટાટા અને પનીર સાથે બાઇન્ડીંગ માટે તેમાં જરૂર પડે તે પ્રમાણે મેંદો ઉમેરવો. તેની સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. અને આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

મિશ્રણને વધારે મસળવાની જરૂર નથી પણ બધા ઇનગ્રેડિયન્ટને મિક્સ જ કરવાના છે. અહીં બતાવી છે તે પ્રકારે તે લોટ બાંધ્યો હોય તેવું રહેવું જોઈએ.

હવે કોફ્તાનું સ્ટફીંગ બનાવવાનું છે તેના માટે 25 ગ્રામ પનીર છીણી લેવું.

હવે તેમાં 2 ચમચી સીંગદાણાનો ભુક્કો ઉમેરી દેવો. અહીં તમે કાજુનો ભુક્કો પણ ઉમેરી શકો છો. હવે તેમાં 2-3 ઇલાઇચીનો ભુક્કો, અને તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરવી.

હવે તેમાં સ્ટફીંગના બાઇન્ડીંગ માટે 2-3 ચમચી કેસરવાળુ દૂધ ઉમેરવું.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. જેથી કરીને તેની નાની ગોળી વાળીને તેને બટાટાના પુરણની અંદર સ્ટફ કરી શકાય.

હવે બટાટાનું જે પુરણ તૈયાર કરવામાં આવ્યું છે તે તમને જેટલા મોટા કોફ્તા બનાવવા હોય તે પ્રમાણે લેવું. તેને હાથમાં પહોળુ કરવું અને તેની વચ્ચે આ પનીરનું સ્ટફીંગ મુકી દેવું અને તેને બટાટાના પુરણથી કવર કરી લેવું.

આ રીતે લંબગોળ સિલિન્ડર આકારનો કોફ્તો તૈયાર કરી લેવો. તમે તેને નાની સાઇઝમાં પણ બનાવી શકો છો.

આવી જ રીતે બધા કોફ્તા તૈયાર કરી લેવા. અને તેને કોર્ન સ્ટાર્ચમાં રગદોળી લેવા. જેથી કરીને તેને તળવામાં તકલીફ ન પડે.

હવે ગેસ પર કોફ્તા તળવા માટે તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ આવી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને તેલમાં કોફ્તા તળી લેવા. તમારે એકસાથે બધા કોફ્તા ન તળવા પણ 2-3 જેટલા જ કોફતા એક સાથે તળવા. અને કોફ્તાને વારંવાર હલાવતા ન રહેવા.

હવે આ રીતે કફોતા જ્યારે હળવા બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવા. જો તેલ વધારે આવી ગયું હોય તો ફ્લેમ બંધ કરી દેવી અને કોફ્તા તળવા. તે બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

અહીં બતાવ્યું છે તેમ તમે જ્યારે કોફ્તાને અરધેથી તોડશો એટલે તેની અંદર આ રીતે પનીરવાળુ સ્ટફીંગ જોવા મળશે.

હવે કડાઈમાં 3-4 ચમચી તેલ અને એક ચમચી બટર ઉમેરી તેને ગરમ કરવા મુકી દેવું.

હવે તેલ અને બટર થોડા ગરમ થાય એટલે તેમાં ઇલાઈચી અને બે તમાલ પત્ર ઉમેરવા.

તેને અરધી મીનીટ તતડાઈવી લીધા બાદ તેમાં કાજુ અને મગજતરીની જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દેવી. આ પેસ્ટને ઉકળતા 10-15 મિનિટ જેવો સમય લાગે છે.

આ ગ્રેવીને વચ્ચે વચ્ચે હલાવતા જવી. ધીમે ધીમે ગ્રેવી ઘાટી થવા લાગશે. અહીં બતાવ્યું છે તે પ્રમાણે ગ્રેવી ઉકળવા લાગશે અને જાડી થવા લાગશે.

હવે ગેસને ધીમો કરી દેવો અને તેમાં થોડું પાણી ઉમેરી દેવું. અને ફરીવાર ગ્રેવીને 10 મિનિટ ઉકળવા દેવું અને ઘાટી થવા દેવી. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવી.

હવે તેમાં અરધી ચમચી મીઠુ, તેમજ તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી દેવી.

ત્યાર બાદ તેમાં પનીરનું સ્ટફીંગ જો વધ્યું હોય તો તે પણ અહીં ઉમેરી દેવું તેનાથી પણ મલાઈ કોફ્તાનો સ્વાદ સરસ આવે છે. હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી અને મિડિમ ગેસે 5-7 મિનિટ માટે ઉકળવા દેવી.

હવે તેમાં નાનો ટુકડો પનીરનો છીણી લેવો. આમ કરવાથી ગ્રેવી વધારે ઘાટી બનશે. અહીં તમે દૂધનો મોળો માવો પણ ઉમેરી શકો છો.

ગ્રેવી બરાબર ઉકળે એટલે તેમાં એક ચપટી કસૂરી મેથી ઉમેરી દેવી અને તેને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દેવી.

હવે મલાઈ કોફ્તા બનાવવા માટે અહીં ઘરે જ અમૂલ ગોલ્ડની એક થેલીમાંથી દૂધને બાળીને માવો બનાવવામાં આવ્યો છે. તમે તૈયાર માવો પણ વાપરી શકો છો.

હવે ગ્રેવી થીક થઈ ગઈ હશે. હવે તેમાં પા વાટકી તૈયાર ક્રીમ ઉમેરી દેવી અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી લેવી.

હવે તેમાં તાજોજ બનાવેલો માવો ઉમેરવો. તમે બહારનો માવો પણ ઉમેરી શકો છો.

હવે ગેસ ધીમો રાખીને ક્રીમ તેમજ માવાને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લેવું. આ બન્ને સામગ્રી હંમેશા છેલ્લે જ ઉમેરવી. આ સ્ટેજ પર તમે શાકની ખાંડ તેમજ મીઠુ ટેસ્ટ કરી શકો છો.

તો તૈયાર છે હોટેલ જેવા જ મલાઈદાર મલાઈ કોફ્તા. અહીં તમે ગ્રેવીમાં સીધા જ કોફ્તા ઉમેરી શકો છો અથવા તો સર્વ કરતી વખતે પણ પહેલા કોફ્તા પીરસીને પછી તેના પર ગ્રેવી સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મલાઈ કોફ્તા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *