શું તમારા હાથે ટોપરા પાક સારો નથી બનતો ? તો આ રીતે દૂધમાંથી બનાવો પર્ફેક્ટ ટોપરા પાક

ટોપરા પાક નાના-મોટા સૌને ભાવતી પ્રિય મિઠાઈ છે. તેને તમે માવામાંથી પણ બનાવી શકો છો અને દૂદમાંથી પણ બનાવી શકો છો. માવામાંથી ટોપરાપાક તમે ઘણીવાર બનાવ્યો હશે પણ ક્યારેય માત્ર દૂદમાંથી બનેલો ટોપરા પાક નહીં ખાધો હોય. દૂધ અને મલાઈમાંથી બનેલો ટોપરા પાક માવામાંથી બનેલા ટોપરા પાક કરતાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો નોંધી લો આ રેસિપિ.

પર્ફેક્ટ ટોપરા પાક બનાવવા માટેની સામગ્રી

5 વાટકી ફુલ ફેટ દૂધ અથવા 1 લીટર દૂધ

2 વાટકી ટોપરાનું છીણ અથવા 250 ગ્રામ ટોપરાનું છીણ

ડોઢથી બે વાટકી ખાંડ

½ વાટકી ઘી

1 વાટકી મલાઈ

½ ટીસ્પૂન ઇલાઈચી પાઉડર

1 ચમચી કાજુ-બદામ-પિસ્તાનું કતરણ

પર્ફેક્ટ ટોપરા પાક બનાવવા માટેની રીત

અહીં જે પ્રમાણે માપ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણને ધ્યાનમાં રાખવું. હવે સૌ પ્રથમ ગેસ ઓન કરીને તેના પર જાડા તળિયાવાળી કડાઈ મુકી દેવી.

તેમાં અરધી વાટકી ઘી ઉમેરી દેવું. ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં અઢીસો ગ્રામ ટોપરાનું છીણ અથવા તો બે વાટકી ટોપરાનું છીણ ઉમેરી દેવું. અને તેને ધીમી આંચે બે મિનિટ સાંતળી લેવું.

 

બે મિનિટ ટોપરાના છીણને ઘીમાં સાંતળ્યા બાદ તેમાં એક લીટર ફુલ ફેટ દૂધ ઉમેરી દેવું. અને તેને ટેપરાના છીણ સાથે બરાબર મિક્સ કરી દેવું.

શરૂઆતમા ગેસ ફુલ રાખવો અને તેને એકધારું હલાવતા રહેવું. દૂધમાં ઉભરો ન આવે તેનું ધ્યાન રાખવું. અને તેને તેમ જ ધીમા ગેસે દૂધને જાડું થવા દેવું.

થોડીવાર બાદ તમે જોશો તો દૂધ અરધાથી પણ ઓછું થઈ ગયું હશે અને ઘાટું પણ થઈ ગયું હશે. દૂધને બળતાં 15-20 મિનિટનો સમય લાગશે.

હવે જ્યારે દૂધ મોટા ભાગનું બળી ગયું હોય એટલે કે 75થી 80 ટકા દૂધ બળી જાય એટલે તે વખતે તેમાં એક વાટકી મલાઈ ઉમેરી દેવી. જો ઘરમાં મલાઈ ન હોય તો તમારે તેની જગ્યાએ એક વાટકી દૂધ વધારે લઈ લેવું. મલાઈ નાખવાથી ટોપરા પાક વધારે સ્વાદિષ્ટ બને છે. જો તમારી પાસે વધારે મલાઈ હોય તો તમે અરધી વાટકી દૂધ ઓછી કરીને વધારે મલાઈ પણ ઉમેરી શકો છો.

હવે મલાઈ દૂધમાં એકદમ એકરસ થાય ત્યાં સુધી તેને ઉકાળવી અને ત્યાં સુધી દૂધને એકધારું હલાવતા પણ રહેવું. માવામાંથી બનતા ટોપરા પાક કરતાં આ રીતે બનાવવામાં આવતા ટોપરા પાકની મીઠાશ અલગ જ હોય છે.

હવે થોડીવાર બાદ તમે જોશો તો ઘણું બધું દૂધ બળી ગયું હશે અને દૂધમાં માવાના દાણા પણ પડવા લાગ્યા હશે. હવે આ સ્ટેજ પર તમારે તેમાં ખાંડ ઉમેરવી અહીં ડોઢ વાટકી ખાંડ ઉમેરવામાં આવી છે. તમે તમારા ઘરમાં ખવાતા ગળપણ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. ખાંડને એક સાથે એડ ન કરવી પણ સહેજ ચાખીને એડ કરવી જેથી કરીને વધારે પડતી ખાંડ ઉમેરાઈ ન જાય નહીંતર ટોપરા પાક ખુબ જ ગળ્યો થઈ જશે.

હવે ખાંડને બરાબર મિક્સ કરી લેવી. અને તેને બે મિનિટ સુધી સતત હલાવતા રહેવું. જેથી કરીને ખાંડ વાસણના તળિયે ચોંટે નહીં.

બે મિનિટ હલાવ્યા બાદ તમે જોશો તો દૂધ સાવ જ બળી ગયું હશે તેમ છતાં બીજી બે મિનિટ ચાલુ ગેસે ટોપરા પાકને બરાબર હલાવી લેવો. જેથી કરીને તેમાં જમા થયેલુ ખાંડનું પાણી પણ બળી જાય.

હવે તમે જોશો તો ટોપરા પાક વાસણમાંથી છુટ્ટો પડતો દેખાશે. આ વખતે તમારો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે તે સમજી લેવું. અને ગેસ બંદ કરી દેવે. હવે ટોપરા પાક બની જાય તેમાંનું બધું જ દૂધ બળીને માવો થઈ જાય તે વખતે તેમાં અરધી નાની ચમચી ઇલાઈચી પાઉડર ઉમેરી દેવો અને તેને ટોપરાપાકમાં બરાબર હલાવી લેવો.

હવે તૈયાર થયેલો ટોપરા પાક એક થાળીમાં પાથરી લેવો. તેને તમારે કોઈ વાટકી કે પછી લોટા કે જેનું તળિયું થોડું ઉપસેલું હોય તેવું કોઈ નાનું વાસણ લઈ તેનાથી ટોપરાપાક બરાબર પાથરી લેવો. અહીં તમે ચોસલાની જગ્યાએ લાડુડી પણ વાળી શકો છો.

હવે તેના પર કાજુ-બદામ-પિસ્તાનું કતરણ પાથરી દેવું. અને ટોપરાપાક થોડો ઠંડો થાય એટલે તેના ચોસલા પાડી લેવા.

તો તૈયાર છે માત્ર દૂધ અને મલાઈમાંથી બનાવેલો સ્વાદિષ્ટ માવા વગરનો ટોપરા પાક. તે તમે ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી સરળતાથી બનાવી શકો છો. આ રીતે બનવેલો ટોપરાપાક ઘરના નાના-મોટા દરેક સભ્યને ભાવશે.

પર્ફેક્ટ ટોપરા પાક બનાવવા માટે વિગતવાર વિડિયો.


રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *