ઇદડા – ઘરે જ બનાવો પરફેક્ટ ખીરું અને ઇદડા, હવે બહારથી તૈયાર ખીરું કે ઇદડા લાવવાની જરૂરત નહિ રહે…

ઘરે જ બનાવો પર્ફેક્ટ ઇદડા

મિત્રો હવે ગલીએ ગલીએ ઢોંસા તેમજ ઇડલીના તૈયાર ખીરા ઉપલબ્ધ છે. અને આજની રોજીંદી ઝડપી વ્યસ્ત લાઇફ માટે તે ઘણીવાર આપણા માટે આશિર્વાદ રૂપ સાબિત થાય છે. કે આ દુકાન પરથી ખીરુ લઈ લીધું અને ઇડલી ચટની નાશ્તામાં બનાવી લીધા. જો કે તેની શુદ્ધતા પર આપણને હંમેશા શંકા રહેલી હોય છે. અને દર વખતે તે ખીરુ એક સરખુ જ આવે તે જરૂરી નથી હોતું.

ક્યારેક તેમાંથી ઢોંસા સારા થાય તો ક્યારેક ન થાય. અને શુદ્ધતા બાબતેની શંકાની તલવાર તો લટકતી જ રહે છે કે કેવા ચોખા વાપર્યા હશે કેવી અડદની દાળ વાપરી હશે પાણી ચોખ્ખું વાપર્યું હશે કે નહીં. ચોખા-દાળ ધોયા હશે કે નહીં. આ બધી જ શંકા તમને સતાવ્યા જ કરે છે પણ વ્યસ્ત જીવનના કારણે તમે તેને એકબાજુ મુકી દો છો. પણ આજની અમારી પોસ્ટ તમને ઘરે જ પર્ફેક્ટ ઇદડા બનાવવાની રેસીપી પુરી પાડશે.

તો ચાલો બનાવીએ પર્ફેક્ટ ઇદડા

સામગ્રી

2 વાટકી ચોખા (કણકી ચોખા/ખીચડીના ચોખા)

1 વાટકી અડદની દાળ

1 વાટકી ખાટું દહી (જો ખાટુ દહીં ન હોય તો તમારી પાસેના મોળા દહીંને દાળ-ચોખા પલાળો તે વખતે જ ફ્રીજમાંથી બહાર કાઢીલેવું અને તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખવું. જેથી કરીને તે ખાટુ થઈ જાય)

જરૂર મુજબ વાટેલા આદુ, લસણ, મરચા

સ્વાદઅનુસાર મીઠુ

બે ટી સ્પૂન અધકરચા મરી

અડધી ચમચી ખાવાનો સોડા

બનાવવાની રીત


સૌ પ્રથમ એક મોટી તપેલી લો તેમાં તમારી પાસેની માપની વાટકી પ્રમાણે 2 વાટકી ચોખા લો. હવે તે જ માપની એક વાટકીમાં અડદની દાળ લો. તેને પણ તપેલીમાં નાખેલા ચોખા સાથે નાખી દો. ટુંકમાં બે વાટકી ચોખા સામે એક વાટકી અડદની દાળ લેવી. અથવા તમે જેટલા ચોખા લો તેનાથી અડધી અડદની દાળ લેવી.


હવે ચોખા અને દાળના આ મિશ્રણને ચારથી પાંચ પાણી વડે ધોઈ લેવા. ત્યાર બાદ તેને પાંચ કલાક માટે પલાળી રાખવા.


પાંચ કલાક બાદ તમે જોશો તેમ તમારી આંગળીઓના નખ વડે તમે અડદની દાળ તેમજ ચોખાના ટુકડા કરો તેટલા નરમ થઈ ગયા હશે.


હવે આ ચોખા અને અડદની દાળના પલાળેલા મિશ્રણમાંથી વધારાનું પાણી બહાર કાઢી લેવું. તેમાં થોડું જ પાણી રાખવું જેથી મીક્ષરમાં તેને સરળતાથી વાટી શકાય. જેથી કરીને તે વધારે પાતળુ ન થઈ જાય.


હવે ચોખા અને અડદની દાળને વાટતી વખતે તેમાં બે ચમચી ખાટુ દહીં નાખવું. અને તેને વાટી લઈ બીજી તપેલીમાં નાખવું. બાકી વધેલા ચોખા તેમજ અડદની દાળ સાથે પણ આમ જ કરવું તેમાં પણ બે ચમચી ખાટુ દહીં નાખી તેને વાટી લેવું.


હવે આ તૈયાર થયેલા ખીરાને તમારે ઘાટુ જ રાકવું કારણ કે આથો આવ્યા બાદ તેમાં પાણી તેલ અને સોડા એડ કરવામાં આવશે જેના કારણે તે પાતળુ થશે.


વાટેલા ખીરાને ઢાંકી દેવું. તેના ઢાંકણા પર વજન મુકી દેવું જેમ કે ખરલ અથવા ખાયણી. જેથી કરીને તેમાં હવા ન જાય અને તેમાં સરસ આથો આવી જાય. આ ખીરાને આથો લાવવા માટે તમે તેને તડકામાં પણ મુકી શકો છો અને આમ કરવાથી સરસ આથો આવી જશે. તેને આથો લાવવા માટે 7-8 કલાક તેમજ રાખી મુકવું.


7-8 કલાક રાખ્યા બાદ અને જો ઉનાળો હોય અને ગરમી બહુ પડતી હોય તો આથો લાવવા માટે 5 કલાક પણ પૂરતા છે.

હવે આથો સરસ આવી ગયો હશે. ખીરુ થોડું થીક હોવું જરૂરી છે કારણ કે હવે તેમાં સોડા તેલ અને પાણી ઉમેરવામાં આવશે આ વખતે પણ તમારે પાણીના પ્રમાણ પર ખાસ ધ્યાન રાખવું જેથી કરીને ખીરુ એકદમ પાતળુ ન થઈ જાય.


હવે ખાઈણીમાં તમારે જોયતા પ્રમાણમાં આદુ, લસણ અને લીલા મરચા વાટી લેવા અને તેને આથો આવેલા ખીરામાં મીક્ષ કરી દેવા. સાથે સાથે સ્વાદઅનુસાર મીઠુ પણ એડ કરી લેવું.


હવે એક નાની તપેલીમાં બે-ત્રણ ચમચી તેલ એડ કરવું અને તેની સાથે થોડું પાણી એડ કરવું. અહીં ધ્યાન રાખવું કે પાણી વધારે એડ ન થઈ જાય. માટે બને ત્યાં પાણી ઓછું લેવું જેથી કરીને ખીરુ પાતળુ ન થઈ જાય.


હવે આ પાણી અને તેલના મિશ્રણેને ગેસ પર ઉકળવા મુકવું. તે બરાબર ઉકળે ત્યારે તેમાં અરધી ચમચી ખાવાનો સોડા એડ કરી ગેસને તરત જ બંધ કરી દેવો. અને તેને તરત જ ઇદડાના ખીરામાં એડ કરી તેને હલાવી લેવું. હલાવતી વખતે યાદ રાખવું કે તેને એક જ દીશામાં હલાવવું. તેને 4-5 મીનીટ બરાબર મિક્સ કરી લેવું.


હવે ખીરુ તૈયાર થઈ ગયું છે.


હવે ઢોકળીયુ લેવું અને તેમાં પાણી ગરમ થવા મુકી દેવું. ઢોકળીયાની થાળીમાં તેલ લગાવી લેવું. હવે તે થાળીમાં ઇદડાનું ખીરુ પાથરી લેવું. થાળીની ઉંડાઈના માત્ર અરધે સુધી જ ખીરુ નાખવું. પાતળા ઇદડા વધારે સારા લાગે છે.


હવે તે પાથરેલા ઇદડાના ખીરા પર અધકચરા શેકેલા કાળા મરીનો પાવડર સ્પ્રેડ કરવો. તેના પર લાલ મરચું સ્પ્રેડ ન કરવું. કારણ કે મરીથી ઇદડા વધારે સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત જો તમને ગમતો હોય તો તમે ચાટ મસાલો પણ ભભરાવી શકો છો. અને ન ગમતો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો.


હવે ખીરુ પાથરેલી થાળીને ઢોકળીયામાં મુકી દેવી. મિડિયમ ગેસ પર થાળીને 15-20 મીનીટ રાખવી. ત્યાર બાદ છરી નાખી ખીરુ ચડી ગયું છે કે નહી તે ચેક કરી લેવું. છરી કોરી બહાર નીકળશે તો સમજવું કે ઇદડા બફાઈ ગયા છે.


હવે તૈયાર ઇદડાની થાળીને તમે નીચે ઉતારી લો અને તેને થોડીવાર માટે ઉંધી કરી લો. જેથી કરીને વરાળના કારણે ભેગુ થયેલુ પાણી તેમાંથી નીતરી જાય.


હવે થાળીને સીધી કરી તેને ડાયમન્ડ શેઇપમાં કટ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ-પર્ફેક્ટ ઇદડા.


વધેલા ખીરા સાથે પણ આ જ પ્રોસેસ રીપીટ કરો. જોકે થાળીમાં તમારે માત્ર એક જ વાર તેલ લગાવવાની જરૂર પડશે. દર વખતે તેલ લગાવવાની જરૂર નથી.

ઇદડાને તમે ટોપરાની ચટની, મેથિયા મસાલા અને સીંગતેલ, સંભાર સાથે પણ ખાઈ શકો છો અને અત્યારે કેરીની સીઝન છે તો તમે તેને કેરીના રસ સાથે પણ ખાઈ શકો છો.

વધેલા ઇદડાને તમે સવારે રાઈ, તલ, હિંગ અને લીમડાથી વઘારીને ચા સાથે ખાઈ શકો છો.

સૌજન્ય : યુટ્યુબ (ફૂડ ગણેશા)

Join the discussion

Your email address will not be published. Required fields are marked *