જામ કંડોરણાનું ફેમસ વાડીનું શાક – ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ હવે માણો તમારા રસોડે…

ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો ઘર કરતા બહાર ખાવાના ખુબ જ શોખીન. વિકેન્ડ કે રજાઓમાં મિત્રો કે ફેમિલી સાથે વાડી કે પછી ફાર્મ હાઉસ પર જઈ ખુબ મજા કરે અને વળી દેશી વાનગીઓ બનાવી સૌ સાથે જમે. તો આજે હું પ્રોગ્રામ સ્પેશિયલ શાક બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી બને છે અને જો તે દેશી ચૂલા પર બનાવીએ તો સૌ કોઈ આંગળા ચાટતા રહી જાય.

આ શાકને વાડીનું શાક કહેવાય છે જે જામ કંડોરણા સાઈડનું ફેમસ શાક છે. આ શાકને એ સાઈડમાં વાડીએ બનાવીને બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે જેથી તેને વાડીનું શાક કહે છે. તો ચાલો બતાવી દઉં કઈ રીતે બને છે આ વાડીનું શાક.

સામગ્રી:


1 કપ દહીં

1/4 કપ સિંગદાણા

150 ગ્રામ રીંગણાં

150 ગ્રામ કાંદા

150 ગ્રામ ટમેટા

1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

2 ટેબલ સ્પૂન કોથમીર

2 લીલા મરચા

2 ઇંચ આદુનો ટુકડો

10 – 12 કળી લસણ

1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

1/2 ટેબલ સ્પૂન હળદર

1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

1/4 ટેબલ સ્પૂન રાઈદાણા

1/4 ટેબલ સ્પૂન જીરું

ચપટી હિંગ

સ્વાદ પ્રમાણે મીઠું

5 ટેબલ સ્પૂન તેલ

વઘાર માટે 2 સૂકા મરચા, તમાલપત્ર, તજ ને મીઠો લીમડો

તૈયારી:

રીંગણાં, કાંદા તેમજ ટામેટાને સાવ નાના પીસીસમાં સમારી લો.

આદુ, લસણ તેમજ મરચાને ફાઈન ચોપ કરી લો.

સિંગદાણાને અધકચરા ક્રશ કરી લો.

રીત :


1) સૌ પ્રથમ એક બાઉલમાં દહીં તેમજ સીંગદાણાના ભુક્કાને મિક્સ કરી લો જેથી સીંગદાણા દહીંમાં સરસ પલળી જાય જે શાકને સરસ ટેસ્ટ આપે છે.


2) કડાઈમાં 5 ટેબલ સ્પૂન તેલ મુકો, આ રેસિપીમાં તેલ થોડું વધુ વપરાય છે. તેલ થોડું ગરમ થાય એટલે એક વાટકીમાં દોઢેક ટેબલ સ્પૂન જેટલું તેલ કાઢી તેમાં હળદર, લાલ મરચું પાવડર, હિંગ તેમજ ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો, આ મસાલા આપણે છેલ્લે એડ કરીશું.


3) તેલ બરાબર ગરમ થાય પછી એડ કરો રાઈદાણા તેમજ જીરું. રાઈદાણા તતડી જાય અને જીરું થોડું બ્રાઉનિશ થાય એટલે એડ કરો સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજ તેમજ મીઠી લીમડી. સ્ટવની ફ્લેમ આપણે સ્લો સેટ કરવાની છે.


4) એકાદ મિનિટ પછી ઝીણા સમારેલ કાંદા ઉમેરીને સાંતળો, સાથે મીઠું પણ એડ કરી લેવું. કાંદા લાઈટ બદામી કલરના થાય ત્યાં સુધી સાંતળો.


5) કાંદા હળવા બદામી થાય પછી એડ કરો આદુ,મરચા તેમજ લસણ. મેં આદુ લસણ તેમજ મરચાને બારીક ચોપ કરીને લીધા છે પરંતુ તેની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકાય. ફરી થોડી વાર માટે સાંતળો.


6) થોડી વાર પછી એડ કરો બારીક કટ કરેલા રીંગણાં. રીંગણ એડ કરી ત્રણેક મિનિટ માટે ચડવા દો.


7) ત્રણેક મિનિટ પછી બારીક સમારેલ ટામેટા ઉમેરો. બરાબર મિક્સ કરી ટામેટા ચડીને પોચા પડે ત્યાંસુધી સાંતળો. ઢાંકણ ઢાંકી દેવું જેથી ટામેટા ઝડપથી ચડી જાય.


8) ટામેટા ચડીને પોચા પડે તેમજ બધું એકરસ થાય એટલે દહીં તેમજ સીંગદાણાનું મિશ્રણ ઉમેરો. આ રીતે સિંગદાણાને દહીં સાથે પલાળીને એડ કરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. થોડીવાર માટે ફરી ચડવા દો.


9) તેલ છૂટું પડતું લાગે એટલે 500 મિલી જેટલું પાણી ઉમેરો. મેં આ શાકમાં એક લીલા નાળિયેરનું પાણી એડ કર્યું હતું પરંતુ આપણે રેગ્યુલર સાદું પાણી એડ કરીયે તો પણ ચાલે.જો શક્ય હોય તો લીલા નારિયેળનું પાણી એડ કરજો, શાકમાં મીઠાશ આવશે.હવે સ્ટવની ફ્લેમ ફાસ્ટ કરી દો અને આ પાણીને બળવા દો. દહીંમાં બબલ્સ થવા માંડે અને સીંગદાણામાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે.


10) પાણી બળી જાય એટલે તેમાં તેલમાં મિક્સ કરેલો મસાલો ઉમેરીને મિક્સ કરી લો.


11) ત્યારપછી તેમાં લીંબુનો રસ ઉમેરી એકાદ મિનિટ ચડવા દો.


12) છેલ્લે કોથમીર ઉમેરી સ્ટવની ફ્લેમ બંધ કરી દો.


13) તો મિત્રો તૈયાર છે આ મસ્ત મજેદાર વાડીનું શાક, આ શાકને બાજરીના રોટલા સાથે ખાવાની ખુબ મજા આવે છે. તો તમે પણ એકવાર અચૂક બનાવજો. અને સાથે તમારા મિત્રોને પણ આ રેસિપી ટેગ કરજો. અને હા મિત્રો આ શાક બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શાક એકદમ પરફેક્ટ બને.


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વાડીનું શાક વિડીઓ :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *