જુવારના લોટનું ખીચું – ચોખાના લોટ જેવું જ સ્વાદિષ્ટ ને પૌષ્ટિક આ ખીચું પણ છે, એકવાર જરૂર ટ્રાય કરજો….

જુવારના લોટનું ખીચું

લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખીચુ ખાધું??જાણો જુવારના ફાયદાઓ….જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે.

જુવારના લોટનું ખીચું બનાવવાની સામગ્રી:

  • ૧ વાટકી જુવારનો લોટ,
  • ૨ વાટકી પાણી,
  • ૨ લીલા મરચા,
  • ૧ ચમચી જીરું,
  • ૧ ચમચી રાઈ,
  • મીઠું,
  • ચપટી હળદર,
  • ચપટી હિંગ,
  • સુકું લાલ મરચું,
  • લીમડાના પાન,
  • લાલ મરચું,
  • તેલ.

જુવારના લોટનું ખીચું બનાવવાની રીત:

સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. પછી એક વાસણમાં ૨ ચમચી તેલ લેવું, પછી તેમાં જીરું, મીઠું, હળદર અને લીલા મરચાનો વઘાર કરી પાણી ઉમેરવું અને ફાસ્ટ ગેસ કરવો.

પછી બીજી બાજુ ઢોકળીયામાં પાણી ઉકળવા મૂકી દેવું. પછી આગલું મરચા અને જીરાવાળું પાણી ઉકળે એટલે ગેસ બન્ધ કરી તપેલી નીચે ઉતારી લેવી.

પછી ધીમે ધીમે લોટ અંદર ઉમેરી બરાબર હલાવી લેવું.

ધ્યાન રહે કે ગાંઠો ન પડે, હલાવતી વખતે ગ્રીસ કરેલ વેલણ હોય તો સરળતા રહે છે.

જો વધારે બનાવવું હોય તો બનાવવા માટે બે વ્યક્તિ હોય તો સરળતા રહે છે એક વ્યક્તિ તપેલું પકડે અને એક વ્યક્તિ લોટ ઉમેરી વેલણ વડે ફટાફટ હલાવે.

થોડુંક નાસ્તા માટે બાળકોને કરી દેવું હોય તો સાણસી વડે તપેલી પકડી, લોટ ઉમેરી ફટાફટ હલાવી શકાય છે.

હવે ખીચાને ઢોકળીયાની ગ્રીસ કરેલ પ્લેટમાં લઇ લેવું, અને ૫- ૧૦ મિનીટ ઢોકળિયામાં બાફવા મુકવું

.

પછી બીજી બાજુ એક વાટકીમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગ, લીમડાના પાન અને સુકા લાલ મરચાનો વઘાર કરી તૈયાર રાખવું.

ગરમ ગરમ ખીચું લઇ ઉપર વઘારેલું તેલ રેડી અને મરચાની ભુક્કી છાંટી સર્વ કરવું.  તો તૈયાર છે ગરમ ગરમ યમ્મી જુવારના લોટનું ખીચું.

નોંધ: બાળકો માટે બનાવતા હોય તો મરચામાં વધ ઘટ કરી શકાય.જયારે લોટ ઉમેરી એ ત્યારે પાણી ખુબ સરસ ઉકળી ગયું હોવું જોયે. છેલ્લે લાલ મરચાની ભૂક્કીની જગ્યાએ અથાણાંનો મેથિયો મસાલો પણ ઉમેરી શકાય .

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *