કાચા કેળાની સૂકી ભાજી – ઉપવાસની વાનગીઓમાં હવે આ એક વાનગી પણ ઉમેરી દેજો…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું ઉપવાસમાં ખવાય એવી નવીન વાનગી. આપણે ઉપવાસમાં અવારનવાર બટેકાની સુકીભાજી તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે હું લાવી છું કાચા કેળાની સુકીભાજી. અહીંયા મેં વઘાર કર્યો નથી અને બહુ જ ઓછા તેલનો ઉપયોગ કર્યો છે જેથી એ ખાવામાં પણ હેલ્થી છે અને ટેસ્ટી તો છે જ. અહીંયા મેં આ સૂકીભાજીમાં હળદરનો ઉપયોગ કર્યો છે જો તમે ઉપવાસમાં હળદર ના લેતા હોય તો ઉમેરવી નહિ અને હા, આ સુકીભાજી એ દહીં સાથે બહુ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરમાં બધાને ખુબ પસંદ આવશે.

સામગ્રી

  • કાચા કેળા – 6 નંગ
  • લાલ મરચું – એક ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • મીઠું – જરૂર મુજબ
  • તેલ – એક ચમચી
  • લીલા ધાણા – ગાર્નિશ કરવા
  • દહીં – જરૂર મુજબ

કાચા કેળાની સુકીભાજી બનાવવા માટેની સરળ રીત

આમ તો આ બહુ સામાન્ય અને સરળ રીત છે બહુ કાંઈ ખાસ નથી બસ કેળાને બરાબર અને યોગ્ય રીતે બાફી લીધા એટલે તૈયાર.

1. સૌથી પહેલા આપણે કેળાને ધોઈ લઈશું. છાલ રાખવાની જ છે કાઢવાની નથી. કેળાની ઉપર અને નીચેના ડીંટા કાપી નાખો

2. હવે કેળાને ધોવાઈ ગયા પછી તેને બાફ્વાના છે પણ તેને પાણીમાં નથી બાફ્વાના તેને આપણે ઢોકળિયામાં કે પછી કઢાઈમાં સ્ટેન્ડ મૂકીને જાળી મૂકીને બાફ્વાના છે.

3. કેળાને બહુ બફાવા દેવાના નથી, હવે કેળા બરાબર બફાઈ ગયા કે નહિ એ ચેક કરવા માટે તમે કેળાને ચેક કરશો તો જોઈ શકશો કે કેળાની છાલ એ કેળાથી થોડી અલગ થઇ હશે અથવા કેળા પર અમુક જગ્યાએ તિરાડો પડી ગઈ હશે.

4. હવે બફાઈ ગયેલ કેળાની છાલ કાઢી લેવી, બફાઈ જવાને લીધે છાલ સરળતાથી નીકળી જશે.

5. હવે કેળાને સમારી લો. સૂકી ભાજી માટે બટાકા ટુકડા કરીએ એ પ્રમાણે જ ટુકડા કરવાના છે.

6. હવે એ સમારેલા કેળાના ટુકડાઓ પર મસાલો કરીશું. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું અને ધાણાજીરું ઉમેરો.

7. હવે આપણે આની પર કાચું તેલ ઉમેરીશું.

8. હવે બધું બરાબર મિક્સ કરી લો. આમાં તમે તમારા ટેસ્ટ મુજબ ખાંડ કે લીંબુ પણ ઉમેરી શકો છો. અમારા ઘરમાં બધાને આ વાનગી વઘાર્યાં વગર જ ભાવે છે પણ તમે ઈચ્છો તો જે તેલ ઉપર ઉમેર્યું હતું એ તેલ તમે વધારવા માટે લઇ શકો.

9. બસ તો રેડી છે આ કાચા કેળાની સૂકી ભાજી. બધાને ખુબ પસંદ આવશે.

ખાસ વાત : કાચા કેળાની છાલ કાઢો એ સાચવી બાજુ પર સાચવી રાખજો. એમાંથી બહુ ટેસ્ટી ચટણી બનાવતા શીખવાડીશ ટૂંક સમયમાં.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *