કાચી કેરીનો કટકી છૂંદો – બાળકોને તૈયાર જામ કે જેલી નહિ પણ ઘરનો બનેલો આ કટકી છૂંદો ખવડાવો.

મિત્રો, કાચી કેરીનો છૂંદો ઘણી રીતે બનાવવામાં આવે છે જેમ કે તડકા છાંયડાનો, ઇન્સ્ટન્ટ, કેરી છીણીને, કેરીની કટકી કાપીને વગેરે વગેરે. આજે હું કાચી કેરીના ઝીણા ઝીણા પીસીસ કરીને કઈ રીતે છૂંદો બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહી છું. જેને જામ જેલીના ઓપ્શનમાં પણ બાળકોને આપી શકાય. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવીશું કાચી કેરીનો કટકી છૂંદો.

સામગ્રી :

500 ગ્રામ કાચી કેરી

500 ગ્રામ ખાંડ

ચપટી મીઠું

8 – 10 મરી દાણા

4 -5 એલચી

4 -5 લવિંગ

તજ

તૈયારી :

મરી, તજ, લવિંગ અને એલચીનો એકસાથે પાવડર બનાવી લેવો.

રીત :

કેરીને સાફ પાણીથી ધોઈ, કોરી કરી છાલ ઉતારી લેવી. છાલ થોડી જાડી ઉતારવી જેથી ગ્રીનીશ ભાગ છાલ સાથે ઉતરી જાય અને કટકી સરસ વાઈટ બને. ત્યારબાદ કેરીને ઝીણી ઝીણી કટકીમાં કાપી લો.


ત્યારપછી એક બાઉલ કે તપેલીમાં કેરીની કટકી લો. તેમાં મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.


બરાબર મિક્સ કરી ઢાંકીને મૂકી દો જેથી ખાંડ ઓગળી જાય અને કટકી સાથે મિક્સ થઈ જાય. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઘરમાં જ રહેવા દો.


ખાંડ ઓગળી જાય પછી વાસણને આછું સાફ કપડું ટાઈટ બાંધીને સન-લાઇટમાં રાખો. દરરોજ સાંજે અંદર લઈ હલાવીને બરાબર મિક્સ કરી લેવું અને દિવસ દરમિયાન તડકે રાખવું.


એક તારની ચાસણી બને ત્યાં સુધી તડકે રાખવાનું છે. સમર સિઝનમાં તાપ ખુબ જ આકરો હોય આઠેક દિવસમાં આ છૂંદો તૈયાર થઈ જાય છે. આપણે જે કેરીને ખમણીને છૂંદો બનાવીએ તેનાથી બે દિવસ વધારે લાગે છે. એક તારની ચાસણી બની જાય ત્યારબાદ તેમાં તજ, લવિંગ, મરી અને એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી લો.


તો તૈયાર છે કાચી કેરીનો કટકી છૂંદો તેને સાફ કાચની બરણીમાં ભરી લો. આ છૂંદાને રેફ્રિજરેટરમાં રાખવાની બિલકુલ જરૂર નથી. છૂંદો બનાવતી વખતે પૂરતી ચોક્કસાઈ રાખવામાં આવે તો એક વર્ષ સુધી તો ખરાબ થતો જ નથી.


ખુબ જ સરસ બને છે, બધાને ભાવશે જ તો આપના રૂટિન મેનુમાં વૈવિધ્ય લાવવાં આજે જ બનાવો કાચી કેરીનો કટકી છૂંદો.પીકનીકમાં અથવા તો શાક ન હોય તો પણ રોટલી, થેપલા કે પૂરી સાથે ખાવાની મજા આવે છે.

મેં તજ, લવિંગ, એલચી અને મરીનો પાવડર બનાવીને ઉમેર્યો છે જે છૂંદાને અનેરી સોડમ અને સ્વાદ બક્ષે છે, છતાં પણ આપણા સ્વાદ મુજબ મસાલામાં વધ-ઘટ કરી શકીએ.

નોંધ :

આ છૂંદો બનાવતી વખતે કેરી પરથી જાડી છાલ ઉતારવામાં આવે છે તેને ફેંકી ન દેતા, તેમાં સ્વાદ મુજબ મીઠું, ધાણાજીરું, આદુ, મરચા અને કોથમીર નાખીને સ્વાદિષ્ટ ચટણી બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વીડીયો જોવા અહીં ક્લિક કરો:

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *