ગરમીની સીઝન જતી રહે અને શરદી થવાનો ડર સતાવે, તે પહેલાં જ એક વાર તો કાજુદ્રાક્ષ મઠ્ઠો બનાવી જ લો.

ઘરે જ બનાવો ક્રીમી કાજુદ્રાક્ષ મઠ્ઠો

ઉનાળો પુરજોશમાં શરૂ થઈ ગયો છે હવે તો કેસર કેરી પણ બજારમાં આવવા લાગી છે. અને બધાના ઘરે રસ પણ બનવા લાગ્યો હશે અને રેગ્યુલર ધોરણે ખવાવા પણ લાગ્યો હશે. પણ ઉનાળાની સીઝનમાં આપણે રસ ઉપરાંત રોટલી કે પૂરી સાથે બીજી પણ એક સ્વાદિષ્ટ વાનગી ખાતા હોઈએ છીએ. તે છે શ્રીખંડ કે પછી મઠ્ઠો. આમ તો શ્રીખંડ અને મઠ્ઠામાં કંઈ વધારે ફરક હોતો નથી. પણ બન્ને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

તો આજે અમે તમારા માટે ઘરના શુદ્ધ ઇનગ્રેડિયન્ટમાંથી ઘરે જ ક્રીમી કાજુદ્રાક્ષ મઠ્ઠો કેવી રીતે બનાવવો તેની રેસીપી લાવ્યા છીએ.

સામગ્રી

2 લીટર દૂધમાંથી બનાવેલું મલાઈદાર ઢેફા પડે તેવું દહીં.

300 ગ્રામ દળેલી ખાંડ

અરધો કપ જીણી સમારેલી સૂકી દ્રાક્ષ

અરધો કપ જીણા સમારેલા કાજુ

અરધી નાની ચમચી ઇલાઈચીનો પાવડર

કાજુદ્રાક્ષ શ્રીખંડ બનાવવાની સરળ રીત

મઠ્ઠો બનાવવા માટે 2 લીટર દૂધમાંથી દહીં બનાવી લો. ખુબ જ સરસ પાણી વગરનું મલાઈ દાર દહીં બનાવવું.

હવે એક બોલ લો તેના પર એક ચારણી મુકો.

હવે તે ચારણી પર  મલમલનું એક પાતળુ કપડું પાથરવું. વ્હાઇટ કપડાનો ઉપયોગ કરવો કારણ કે રંગવાળુ કપડું લેવાથી તેનો રંગ મસ્કાને લાગી જવાની સંભાવના રહે છે અને તેમ થવાથી મઠ્ઠાની મજા પણ બગડી શકે છે. હવે ઘરે બનાવેલું મલાઈદાર દહીં આ મલમલના કપડા પર કાઢી લો.

બધું દહીં તેના પર કાઢી લીધા બાદ. તે મલમલના કપડાની પોટલી કરી તેમાંથી દહીંનું પાણી નીતારી લેવું. હવે કપડાને નીચોવીને ટાઇટ બાંધી લેવું. તેને બોલમાંની ચારણી પર જ મુકી દેવું.

હવે તેના પર વજન રાખવા માટે તમે ખાઈણી અથવા તો દસ્તો કે કોઈ પણ વધારે વજન વાળી વસ્તુ મુકી દો. હવે તેને ફ્રીજમાં મુકી દેવું. તેને તેમ જ ફ્રીજમાં 5-6 કલાક મુકી દેવું. આમ કરવાથી દહીં ખાટુ નહીં થાય. અને દહીં વ્યવસ્થીત રીતે સેટ થઈ જશે.

5-6 કલાક બાદ દહીંને ફ્રીઝમાંથી કાઢી લેવું. અને તેને બરાબર નીતારી લેવું. હવે દહીંમાં જરા પણ પાણી નહીં રહે.

વધેલા પાણીનો ઉપયોગ તમે પરોઠાનો લોટ બાંધવા કે પછી હાંડવા-ઢોકળાના ખીરાને પલાળવા માટે કરી શકો છો.

હવે દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો છે તેને એક બોલમાં લઈ લો. તમારું દહીં મલાઈદાર અને ઓછા પાણીવાળુ હશે તો તમારો મસ્કો સરસ બનશે. ડોઢ લીટર દહીંમાંથી 500-600 ગ્રામ મસ્કો બનશે.

હવે ચમચીની મદદથી મસ્કાને પહોળો કરી દો.

હવે 300 ગ્રામ દળેલી ખાંડ લો. દહીંના મસકામાં હળવા હાથે દળેલી ખાંડ મીક્ષ કરી લેવી. ખાંડ મીક્ષ કરતી વખેત બહુ જોર લગાવવાની જરૂર નથી. ખુબ જ હળવા હાથે ખાંડને મસ્કામાં મીક્ષ કરવી. ખાંડ મીક્ષ થયા બાદ.

એક બોલ લો તેના પર એક જીણી ચારણી મુકો હવે ખાંડ મીક્ષ કરેલા મસ્કાને આ ચારણીમાં ચાળી લો. તે પણ હળવા હાથે જ ચાળવો. તમારે તેને ચમચી કે તાવેથાની મદદથી ઘસીને ચાળી શકો છો. આમ કરવાથી મસ્કો ઓર વધારે સ્મૂધ બનશે.

હવે આ તૈયાર થયેલા મીઠા સ્મૂધ મસ્કામાં અરધો કપ જીણી સમારેલી સૂકી દ્રાક્ષ ઉમેરો, તેમાં અરધો કપ જીણા સમારેલા કાજૂ ઉમેરો. અરધી નાની ચમચી ઇલાઈચી પાવડર નાખો.

હવે આ બધી જ સામગ્રીને હળવા હાથે બરાબર મીક્ષ કરી લેવી.

તૈયાર થઈ ગયો કાજુ-દ્રાક્ષ મઠ્ઠો. સ્વાદમાં તો એટલો સરસ થયો હશે કે તમે તેને આઇસ્ક્રીમની જેમ જ વાટકીમાં લઈને લુખ્ખો જ ખાઈ જશો. પણ આપણી પરંપરા પ્રમાણે આપણે તેને પૂરી સાથે ખાઈએ છીએ. અને તેના કારણે તેનો સ્વાદ ઓર વધી જાય છે. અને ઘરે બનાવેલી વાનગીની તો મજાજ અનેરી હોય છે ! તો ઉનાળાની ગરમીમાં બનાવો સ્વાદીષ્ટ ક્રીમી કાજુદ્રાક્ષ મઠ્ઠો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

કાજુદ્રાક્ષ મઠ્ઠો બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *