કાલા જામુન – વારે તહેવારે બહારથી લાવવામાં આવતા કાલા જામુન હવે તમે જાતે બનાવી શકશો…

કાલા જામુન મારી સૌથી પ્રિય મીઠાઈ છે… રૂ જેવા સોફટ જાંબુ ને ઈલાયચી કેસર ની ચાસણી માં પલાળી ને એન્જોય કરો … થોડા ગરમ કે વેનીલા આઉસક્રીમ સાથે પીરસો અને જુઓ , પરિવાર અને બાળકો ના ચેહરા ના સ્મિત..

બનાવા માં ખૂબ જ સરળ અને ફટાફટ બનતી આ મીઠાઈ , આજે જ ટ્રાય કરજો… ગુલાબ જાંબુ ઘણી વાર ટ્રાય કર્યા છે તો આજે ટ્રાય કરીએ કાલા જામુન.. કાલા જામુન અને ગુલાબ જામુન ના ફરક ખાલી કલર અને એમના texture નો છે.

સામગ્રી ::

• 1 વાડકો મોળો માવો

• 3 મોટી ચમચી મેંદો

• 1/6 ચમચી બેકિંગ સોડા

• 1 થી 2 ચમચી દૂધ

• તળવા માટે ઘી

ચાસણી માટે

• 1.5 વાડકો ખાંડ

• 1.5 વાડકો પાણી

• 5 થી 6 ટીપા લીંબુ રસ

• થોડા કેસર ના તાંતણા

• 2 થી 3 ઈલાયચી

રીત ::

સૌ પ્રથમ માવો , મેંદો અને સોડા મોટી પ્લેટ માં મિક્સ કરો.. આંગળીઓ થી મસળી , દૂધ ઉમેરી લોટ તૈયાર કરો.. જરૂર લાગે એમ જ દૂધ ઉમેરવું.. માવા માં moisture ના માપ પર આધાર રાખે છે કે દુધ કેટલું જોઈશે..

આ કણક ને મસળવા ની નથી. બસ લોટ ની બધી સામગ્રી સરસ મિક્સ કરી ઢીલો લોટ તૈયાર કરો… ઢાંકી ને 10 -15 મિનિટ માટે કણક ને સાઈડ પર રાખી દો..

બીજી બાજુ તૈયાર કરીએ ચાસણી.. લીંબુ નો રસ , ખાંડ અને પાણી ને એક પેન માં ગરમ કરવા મુકો.. ધીમી આંચ પર ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.. ત્યાર બાદ એમાં કેસર અને ઈલાયચી ઉમેરો. માધ્યમ આંચ પર 1/2 તાર ની ચાસણી તૈયાર કરો.. ગેસ બંધ કરી દો.

કનક માંથી નાનાં નાનાં લુવા લઈ જામુન તૈયાર કરો..આપ ચાહો તો પિસ્તા અંદર ભરી શકો.. હળવા હાથે વાળવા.. જામુન વાળતી વખતે તડ રહેવી ના જોઈએ, નહીં તો તળતી વખતે ત્યાં થી ફાટી જશે..

હાથ માં થોડું ઘી લઈ હળવા હાથે વાળવા. જરા પણ ભાર દેવો નહીં , નહીં તો જામુન પોચા નહીં થાય. એકસરખા જામુન તૈયાર કરો…

કડાય માં ઘી ગરમ કરો.. ઘી પૂરતું ગરમ છે કે નહીં એ જોવા માટે કણક માથી એક નાનો બોલ ઘી માં મુકો . જો એ બોલ તરત જ ઉપર આવી જાય તો ઘી વધારે પડતું ગરમ છે. 2 થી 3 સેકેન્ડ પછી ધીમે ધીમે ઉપર આવે તો જ પેરફેકટ. ઘી ગરમ થાય એટલે 4 થી 5 જામુન કડાય માં મુકો. કડાય ને સતત હલાવતા રેહવું , જેથી જામુન બધી બાજુ એકસરખા તળાય..

આપ જ્યારે તળશો, આપ જોઈ શકશો કે જામુન સફેદ માંથી ધીરે ધીરે આછા બ્રાઉન રંગ ના થશે .. જો આ ટાઈમે બહાર કાઢી લો તો તૈયાર થશે ગુલાબ જામુન. પણ આપને કાલા જામુન માટે હજુ વધારે વાર તળવું પડશે.. હલાવતા રહો..

બીજી 2 થી 3 મિનિટ માટે જામુન એકદમ પેરફેકટ તૈયાર થઈ જશે.. જામુન ને બહાર લઈ ટીસ્યુ પેપર પર રાખી દો જેથી વધારા નું બધું તેલ નીકળી જાય. બધા જ જામુન આવી રીતે તળી ને તૈયાર કરી લો.

ચાસણી હુંફાળી ગરમ હોય ત્યારે જ જામુન અંદર ઉમેરવા.. જામુન ને 5 થી 6 કલાક માટે ચાસણી માં રહેવા દો.. પીરસતી વખતે ફરી થોડા ગરમ કરવા..

વેનીલા આઈસ્ક્રીમ સાથે પણ પીરસી શકાય. ચાહો તો ઉપર થી થોડું સૂકા નારિયળ નું છીણ ભભરાવો.. આશા છે પસંદ પડશે..

નોંઘ ::

• જાંબુ માં મોળા પિસ્તા સ્ટફ કરી શકો.

• જાંબુ તળવા આપ તેલ પણ વાપરી શકો..

• કાલા જામુન ને ઓછા માં ઓછી 5 થી 6 કલાક ચાસણી માં પલળવા દો. મહેમાનો ને પીરસવા હોય તો આગલી રાતે બનાવી દો..

• ચાસણી માં આપ ગુલાબ એસેન્સ ઉમેરી શકો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *