કાંગ ની ખીચડી – આપણા ગુજરાતના ઘર ઘરમાં બનતી ખીચડીની એક નવીન વેરાયટી…

હેલો ફ્રેન્ડઝ, “ખીચડી ” આ વાનગી આપણા દરેક ગુજરાતી ઓ ના ઘરો મા બનતી સૌથી પ્રચલિત વાનગી છે, દાળ અને ચોખા ના મિશરણથી બનતી અને બનાવવામા અતિસરળ ખીચડી પણ વિવિધ પ્રકારની બને છે જેમકે, મોગર દાળની છીલટી દાળ ની, તુવેર ની દાળ ની, સાદી ખીચડી, વઘારેલી ખીચડી વગેરે વગેરે….

જેમ ચોખા અને દાળ ની ખીચડી બને છે તેમ બીજા ઘણાં ધાન છે જેની ખીચડી ખુબ સ્વાદિષ્ટ બને છે, ઘઉ ના ફાડા ની, બાજરી ની, જુવાર ની, કાંગ ની વગેરે…. આજે ડોકટરો પણ આવા આખા ધાન ખાવાની સલાહ આપે છે કે જે પચવા મા ખુબ હલકી હોય છે, જે લોકો ને ડાયાબિટીસ છે તે લોકો ચોખા ની ખીચડી નથી ખાઈ શકતા તે લોકો માટે આ ખીચડી ખુબ સારો પર્યાય છે. તો ચાલો આજ હું તમને કાંગ ની ખીચડી કેવી રીતે બને તે શીખવાડીશ. તો ચાલો નોંધી લો સામગ્રી


સામગ્રી —

1વાટકી કાંગ

1વાટકી મગ ની છળીદાળ

વઘાર કરવા —

2-3 ચમચી ઘી

1ચમચી જીરૂ

ચપટી હીંગ

સ્વાદ અનુસાર મીઠું

ચપટી હળદર

લીલા મરચાં 2-3

મીઠા લીમડાના પાન

જીણી સમારેલી કોથમીર

રીત —


1–સૌ પ્રથમ કાંગ અને દાળને સાફ કરી અને તેને 2 થી 3પાણી થી ધોઇ લો અને થોડું પાણી નાખી ને 1/2કલાક પલાળી દો કોઇ પણ ખીચડી ને બનાવતા પહેલા અડધો કલાક સુધી પલાળી રાખવામાં આવે તો તે ખીચડી એકદમ સરસ રીતે ગળી જાય છે.


2–ત્યાર બાદ તેમાં 3-4 કપ જેટલુ પાણી મીઠું અને હળદર નાખો અને કૂકર મા 3-4 સીટી વગાડી લો. તમે જો કુકર મા સીધી ખીચડી મુકો તો ઉપર 1-2 ચમચી ઘી નાખો જેથી ખીચડી ઉભરાશે નહીં.


3–કૂકર ઠંડું પડે એટલે ખોલી નાંખી તેમા વઘાર કરવા માટે એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ અને લીમડા ના પાન ને લીલા મરચાં ના ટુકડા નાખી ,ચપટી હીંગ નાખી વઘાર તૈયાર થયેલી ખીચડી ઉપર કરવો, લો તૈયાર છે સરળ અને સ્વાદિષ્ટ કાંગ ની ખીચડી. તેને કોથમીર થી ગારનીશ કરી ખાટી મીઠી દૂધપાક જેવી કઢી સાથે ગરમાગરમ પીરસી દો .

*કઢી બનાવવા ની રીત —

બધા ના ઘરો મા અલગ અલગ રીતે કઢી બનતી હોય છે, કોઈ ને ખાટી કઢી ભાવે તો કોઈ ને મીઠી, મારા ઘર મા ખાટી મીઠી કઢી બને છે જે ખીચડી સાથે સરસ લાગે છે તો ચાલો નોંધી લો કઢી બનાવવાની રીત —

સામગ્રી —

5-6 કપ ખાટી છાશ

1/2 કપ ચણા નો લોટ

સ્વાદ અનુસાર મીઠું

સ્વાદ અનુસાર ગોળ

2-3 લીલા મરચાં

1ટુકડો આદુ

8-10 લીમડાના પાન

વઘાર કરવા માટે ની સામગ્રી —

2 ટેબલસ્પૂન ઘી

1 ટીસ્પૂન જેટલુ જીરુ

5-6 નંગ તજ લવિંગ

ચપટી હીંગ

રીત —


સૌ પ્રથમ એક વાસણ મા છાશ અને ચણા નો લોટ લઇ તેને બ્લેનડર વડે જેરી લો જેથી ચણા નો લોટ બરાબર મિક્સ થઈ જાય, હવે તેમાં લીલા મરચાં ના ટુકડા આદુ ને ખમણી લો અને સ્વાદ અનુસાર મીઠું અને ગોળ નાખી ને ઉકળવા મૂકો, 10મીનીટ સુધી આ કઢી ને ઉકાળી ને ગેસ બંધ કરી દો, ત્યારબાદ એક વઘારીયા મા 2ટેબલસ્પુન ઘી ગરમ કરીને તેમાં જીરૂ તજ લવિંગ લીમડાના પાન અને ચપટી હીંગ નાખી, ને આ વઘાર કઢી ઉપર રેડી ને તુરંત ઢાંકણ ઢાંકી દો જેથી વધાર ની સોડમ અને સ્વાદ કઢી મા બેસી જાય, લો તૈયાર છે મીઠી મઘમઘતી સ્વાદિષ્ટ કઢી.

*મે આ કઢી મા હળદર નથી નાખી તમને ગમે તો નાખી શકો છો.

મે આ કાંગ ની ખીચડી સાદી બનાવી છે તમે એને વધારે સ્વાદિષ્ટ બનાવવા તમારી પસંદગી ના શાકભાજી ઉમેરી શકો છો જેવાકે, ગાજર, વટાણા, ફણસી, કાંદા વગેરે…

આ કાંગ તમને કરિયાણાની દુકાનમાં અને ફુડ મોલ મા અને ઓનલાઈન પણ સરળતા થી મળી રહેશે.

તો ચાલો આજ મે તો આ કાંગ ની ખીચડી બનાવી લીધી હવે તમે પણ જરૂર બનાવજો અને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *