સ્ટ્ફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ – કડવા કરેલા ના ભાવતા હોય તો પણ આ શાક ખુબ ભાવશે એકવાર જરૂર ટ્રાય કરો…

સ્ટ્ફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ :

શાક ભાજીમાં મળતા શાક બનાવવા માટે મળતા કારેલા સ્વાદમાં કડવા હોવા છતાં સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા ગુણધર્મો ધરાવે છે.

સૌ પ્રથમ જોઇએ તો કારેલા બ્લડમાં સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.

વાળ અને સ્કીનને તંદુરસ્ત રાખે છે. હેંગઓવરનો ઉપચાર કરે છે અને યકૃતને સાફ કરે છે.

વેઇટ લોસ કરવામાં મદદ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આંખો માટે ખૂબજ સારા છે.

તો આપણે બધાએ કારેલાને આપણા આહરમાં લેવા જોઇએ.

કારેલા કડવા હોવાથી બાળકો તેમજ ઘણા મોટા લોકોને પણ ભાવતા હોતા નથી. પણ તે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોવાથી આપણે તેને સ્વાદિષ્ટ બનાવીને પણ ભોજનમાં તેનો સમાવેશ કરી શકીએ છીએ.

ગૃહિણીઓ કારેલાના શાકને વિવિધ રીતે બનાવીને સ્વાદિષ્ટ બનાવે છે જેથી બધાને ભાવે અને હેલ્થ માટે ફાયદાકારક બની રહે.

સ્ટફ્ડ કારેલા એ એક ઉત્ક્રુષ્ટ સ્વાદવાળી એક અનોખી ભારતીય વાનગી છે, હેલ્ધી સાઇડ ડીશ છે. જે કડવા કારેલાને સ્વાદિષ્ટ બનાવીને બધાને ભાવે તેવી બને છે.

તો આજે હું આવા સ્ટફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સની રેસિપિ આપી રહી છું. જે વડીલોને અને બાળકોને તેમજ ઘરના બધા લોકોને ખૂબજ ભાવશે. કારેલા બાળકોને ના ભાવે તો આ શાકમાં સાથે સરસ કારેલાના સ્ટફીંગવાળી સ્વાદિષ્ટ બટેટાની ચીપ્સ પણ છે જે બાળકોને પણ ભાવશે. બાળકો માટે અલગથી શાક પણ નહી બનાવવું પડે. તો તમે પણ મારી આ રેસિપિને ફોલો કરીને સ્ટ્ફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ ચોક્કસથી બનાવજો.

સ્ટ્ફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ બનાવવા માટેની સામગ્રી :

 • 3 મિડિયમ સાઇઝના શક્કરીયા
 • 4 કારેલા
 • 3 બટેટા મિડિયમ સાઇઝના

સૌ પ્રથમ શક્કરીયાને (સ્વીટ પોટેટો) ને છોલી, ધોઇને નાના પીસ કરીને બાફી લ્યો. શક્કરીયાને બાફવા માટે પાણીમાં ના મૂકતા બાઉલમાં મૂકી બાફી લ્યો. જેથી તેના ટુકડામાં પાણી ના ચડે કેમકે આમાંથી કારેલા માટેનું સ્ટફિંગ બનાવવાનું છે. પાણીમાં બાફ્યા હોય તો શક્કરિયાના પીસને બરાબર નિતારી લેવા.

કારેલા બાફવા માટેની રીત :

કારેલાને છોલીને તેમાં ઉભો કાપો પાડી બધા બી કાઢી(પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે) લ્યો. ત્યારબાદ ધોઇને તે બધા કારેલામાં 1 ½ ટી સ્પુન મીઠું લગાવીને 1 કલાક માટે ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ તેમાંથી મીઠાનું થયેલું પાણી કાઢીને,ધોઇને તેમાં બીજુ એક ટી સ્પુન મીઠું અને 1 ટી સ્પુન જેટલો ગોળ ઉમેરી દ્યો. અને 3 વ્હિસલ કરી બાફી લ્યો. ગોળ અને મીઠું ઉમેરી બાફવાથી કારેલાની કડવાટ ઓછી થઇ જશે.

કારેલા બફાઇ જાય એટલે ચાળણીમાં ઉંધા ગોઠવીને તેમાંથી પાણી નિતારી લ્યો.

હવે બટેટાને છોલી, ધોઈને તેની ફિંગર ચિપ્સ જેવી થીક ચિપ્સ કાપી લ્યો. અને તેને બરાબર કૂક થાય ત્યાંસુધી ડીપ ફ્રાય કરી લ્યો.

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી :

 • બાફીને મેશ કરેલા શક્કરીયા
 • 2 ટેબલ સ્પુન ધાણાજીરુ
 • 1 ટી સ્પુન હળદર
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • સ્વાદ મુજબ મીઠું
 • ½ ટી સ્પુન ગરમ મસાલો
 • 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
 • 1 ટી સ્પુન બ્રેડ ક્રમ્બ્સ
 • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
 • 1 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન
 • 1 ટી સ્પુન આમચુર પાવડર
 • ½ ટી સ્પુન ગરમ મસાલો

સ્ટફિંગ બનાવવાની રીત :

એક મિક્ષિંગ બાઉલમાં બાફેલા શક્કરીયાને મેશ કરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન ધાણાજીરુ, 1 ટી સ્પુન હળદર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, 1 ટી સ્પુન બ્રેડ ક્રમ્બ્સ અને 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી ઉમેરો.

તેમાં 1 ટેબલ સ્પુન બારીક કાપેલી ઓનિયન, 1 ટી સ્પુન આમચુર પાવડર અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરો.

બાઉલમાં એકસાથે બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે આ કારેલાનું સ્ટફિંગ તૈયાર છે.

પાણી નિતારેલા બધા કારેલામાં અંદર સમાય તેટલું, જરા પ્રેસ કરીને આ બનાવેલું સ્ટફિંગ ભરી લ્યો.

હવે સ્ટફ કરેલા કારેલા વઘારવા માટે રેડી છે.

વઘાર માટેની સામગ્રી:

 • 3 ટેબલ સ્પુન ઓઇલ
 • ½ ટી સ્પુન રાઇ
 • ½ ટી સ્પુન આખુ જીરુ.
 • 1 બાદિયાનાનું ફુલ
 • 2 તજ પત્તા
 • 2 સૂકા લાલ મરચા
 • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
 • ½ બારીક સમારેલી ઓનિયન
 • 2 બારીક સમારેલા ટામેટા
 • પિંચ હળદર
 • 1 ટેબલ સ્પુન તલ

સ્ટફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સનું શાક વઘારવા માટેની રીત :

એક પેન લઈ તેમાં વઘાર માટે 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. હવે તેમાં ½ ટી સ્પુન રાઇ, ½ ટી સ્પુન આખુ જીરુ, 1 બાદિયાનાનું ફુલ, 2 તજ પત્તા અને 2 સૂકા લાલ મરચા ઉમેરી બધું તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં 2 સ્ટ્રીંગ મીઠો લીમડો અને ½ બારીક સમારેલી ઓનિયન ઉમેરી અધકચરી સાંતળો.

હવે તેમાં 2 બારીક સમારેલા ટામેટા અને પિંચ હળદર ઉમેરી મિક્ષ કરીને બરાબર કૂક થવા દ્યો.

તેમાં 1 ટેબલ સ્પુન તલ ઉમેરો અને ટમેટા મેશી થાય ત્યાંસુધી કૂક કરો. તલ રાઇ સાથે ઉમેરવાના નથી.

હવે તેમાં ડીપ ફ્રાય કરેલી બટેટાની ચિપ્સ ઉમેરી દ્યો. સાથે ¼ ટી સ્પુન સોલ્ટ પણ ઉમેરો. અને બરાબર મિક્ષ કરી લ્યો. ½ મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં કારેલા ભરતા વધેલું સ્ટફિંગ ઉમેરી મિક્ષ કરી લ્યો. 2 મિનિટ મિડિયમ ફ્લેમ પર બધું સાંતળો.

હવે તેમાં સ્ટફીંગ કરેલા કારેલા ઉમેરી દ્યો. હલ્કા હાથે સ્પુનથી ફેરવીને બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ½ કપ પાણી ઉમેરી 2 મિનિટ માટે ઢાંકીને સિઝવા દ્યો. જરા ઓઇલ પણ છુટું પડતું લાગશે.

ત્યારબાદ ઢાંકણ ખોલીને બનેલા શાકમાં 1 ટે સ્પુન જેટલી કોથમરી અને ½ લેમનનું જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

તો હવે રેડી છે ….કારેલા ના ભાવતા હોય તે બધાને પણ ભાવી જાય તેવું સ્ટફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સનું સ્પાયસી શાક…. આ શાકમાં બટેટાની સ્પાયસી ચિપ્સ(ફિંગર ચિપ્સ) હોવાથી બાળકોને પણ ખૂબજ ભાવશે. બાળકો માટે અલગથી શાક બનાવવું પણ નહી પડે.

ચોક્કસથી તમે બધા પણ મારી આ રેસિપિ ફોલો કરીને સ્ટફ્ડ કારેલા વીથ આલુ ચિપ્સ બનાવજો.

આ ગરમા ગરમ શાકને ગરમ રોટલી, પરાઠા કે પુરી સાથે જમવામાં સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *