કારેલાનું ગોળવાળું શાક – જો બાળકો કરેલા નથી ખાતા તો આ શાક બનાવો, આંગળી ચાટી ચાટીને ખાશે..

કારેલાનું ગોળવાળું શાક

કારેલાના શાકનું નામ પડે એટલે નાના બાળકો તો ઠીક પરિવારમાં ઘણાના મોઢા જોવા જેવા થઇ જતા હોય છે. મારા ઘરમાં પણ મારા દીકરાની દીકરી સાક્ષીને કારેલાનું શાક ભાવતું નથી. પણ આ રેસિપી તમારા બધા માટે બનાવવાની હતી એટલે એ પણ સવારથી ખુશ હતી ફોટો પાડવા માટે તેણે પણ મદદ કરી છે. હવે શાક વિષે જણાવું તો શાક બની ગયા પછી એણે સામેથી કીધું કે આજે હું પણ કારેલાનું શાક ચાખીશ, જો ભાવશે તો વધુ ખાઈશ.

આમ બસ મારુ કહેવું એમ જ છે તમે અત્યાર સુધી એકલા કારેલા, કારેલા બટાકા, ડુંગળી કારેલા, ભરેલા કારેલા બનાવ્યા જ હશે તો હવે એકવાર આ શાક પણ ટ્રાય જરૂર કરજો બધાને ખુબ પસંદ આવશે. મને તો કોઈપણ કારેલાનું શાક ખુબ પસંદ છે અને મારી આ રેસિપી પછી તમે અને તમારા પરિવારમાં જેને પણ કરેલા નહિ ભાવતા હોય એ પણ ખાશે.

આ કારેલાના શાકમાં એક ટીપું પણ પાણી ઉમેર્યું નથી એટલે તમે ઈચ્છો તો 5 દિવસ માટે આ શાક ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. કારેલા સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી છે એ તો તમે જાણતા જ હશો. ચાલો તો રેસિપીની શરૂઆત કરીએ આપણા ગુજરાતી કારેલાના ગીત સાથે, ભલે વરસાદ નથી પણ ગીત ના ગવાય એવું કાંઈ હોતું નથી.

  • આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ,
  • ઉની ઉની રોટલી ને કારેલાનું શાક..

(રાગમાં ગાજો પાછા)

જરૂરી સામગ્રી

  • કારેલા – 250 ગ્રામ
  • મીઠું – સ્વાદાનુસાર
  • મરચું – સ્વાદાનુસાર
  • ધાણાજીરું – અડધી ચમચી
  • હળદર – અડધી ચમચી
  • હિંગ – એક ચપટી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • ગોળ – 50 ગ્રામ
  • તેલ – વઘાર માટે
  • જીરું – અડધી ચમચી

બનાવવાની સરળ રેસિપી

1. સૌથી પહેલા તો કારેલાને પાણીથી ધોઈ લો અને કોરા કરી લ્યો. અને પછી આવીરીતે ગોળ અથવા ટુકડા પણ કરીને સમારી લો.

2. શાકના તાંસળામાં વઘાર માટે તેલ ગરમ કરવું.

3. તેલમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં હિંગ ઉમેરવી અને પછી સમારેલા કારેલા ઉમેરો.

4. આ સ્ટેપ બહુ અગત્યનું છે, હવે એમાં ફક્ત હળદર અને મીઠું ઉમેરો

5. હવે બરોબર મિક્સ કરી લો,

6. હવે શાક પર 3 થી 5 મિનિટ ડીશ ઢાંકી દો. ગેસ ધીમો રાખજો નહિ તો તમારા સાસુનું શાક દાજી જશે.. હા, હા, હા…

7. પછી તમે જોશો કે કારેલા ચઢી ગયા હશે. ના ચઢ્યું હોય તો ફરી ડીશ ઢાંકી દેવી અને એક મિનિટ ચઢવા દેવું

8. હવે એ શાકમાં મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને ગોળ ઉમેરી દેવો.

9. હવે ગોળ થોડો જીણો સમારવો જેથી ગોળ ફટાફટ ઓગળી જાય. બરાબર બધું મિક્સ કરી લો પણ થોડું ધ્યાન રાખીને કારેલા તૂટી જાય નહિ.

10. હવે તમે જોશો કે ગોળ ઓગળી ગયો હશે અને સરસ રસો તૈયાર થયો હશે.

11. બસ હવે એકેય સ્ટેપ બાકી નથી થાળીમાં ગરમ રોટલી સાથે પીરસો અને ખાવ. કેવું લાગ્યું એ જણાવજો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *