કાઠિયાવાડની ખાસ વાનગી લસણીયા બટાટા, હવે બનશે તમારા રસોડે…

કાઠિયાવાડની સ્પેશિયલ આઇટમ લસણીયા બટાટા – ઘરેજ બનાવો

અમદાવાદ આસપાસના હાઇવેઝની હોટેલ પર હવે પંજાબી મેનુની સાથે સાથે કાઠિયાવાડી મેનુનું ચલણ પણ ખુબ વધ્યું છે. અને લોકોનો કાઢિયાવાડી ફૂડ પ્રત્યેનો લગાવ પણ વધ્યો છે. કાઠિયાવાડની ઘણી બધી ફૂડ આઇટમ લોકોની ડાઢે વળગી ગઈ છે. પણ લસણીયા બટાટાએ તો જાણે એક આગવી જગ્યા જ લોકોની સ્વાદ ઇન્દ્રી પર બનાવી લીધી છે. અને તે જ સ્વાદિષ્ટ ચટાકેદાર લસણીયા બટાટાની રેસીપી આજે અમે અમારી આ પોસ્ટમાં લાવ્યા છીએ.

તો ચાલો બનાવીએ ચટાકેદાર લસણીયા બટાટા.

લસણીયા બટાટાની સામગ્રી

500 ગ્રામ જીણી બટાકી

5 ઉકાળેલા રેસમપટ્ટી મરચા/બે મોટી ચમચી કાશ્મીરી મરચાની પેસ્ટ

3 ટામેટા

1 ટુકડો આદુ

¼ કપ લસણ

1 ટેબલ સ્પૂન શેકેલા ધાણા

1 ટેબલ સ્પૂન શેકેલું જીરુ

સ્વાદ અનુસાર મીઠું

1 ટી સ્પૂન હીંગ

2 ચમચી લાલ મરચુ પાઉડર

1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ

½ અરધી ચમચી હળદર

½ ચમચી ચાટ મસાલા પાઉડર

1 નાની ચમચી આમચુર પાઉડર

1 નાની ચમચી સંચળ

ચટાકેદાર લસણીયા બટાટા બનાવવાની રીત


ટામેટાની ગ્રેવી બનાવવા માટે 5 બોઇલ્ડ રેસમ પટ્ટી મરચા લેવા. રેસમ પટ્ટી મરચાને ઉકાળીને ઠંડા પાણીથી ધોઈ લેવા અને તેની છાલ તેમજ બી કાઢી લેવા. તેને મિક્સર જારમાં એડ કરવા.


હવે મિક્સર જારમાં 3 ટામેટાના સમારેલા ટુકડા એડ કરવા.


ત્યાર બાદ તેમાં એક નાનો ટુકડો આદુ અને પા કપ લસણ એડ કરવા.


હવે તેમાં એક ટેબલ સ્પૂન શેકેલા ધાણા અને એક ટેબલ સ્પૂન શેકેલુ જીરુ એડ કરવું.


બધી જ સામગ્રીને મીક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી લેવી.


હવે આ પેસ્ટને એક બોલમાં કાઢીને થોડીવાર માટે સાઇડ પર મુકી દેવી.


હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં. નાની બટાકીઓ આછી ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી.


હવે આ તળેલી બટાકીઓને એક ડીશમાં કાઢીને સાઈડ પર મુકી દેવી.


હવે એક પેનમાં ¼ કપ તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પૂન હીંગ એડ કરવી.


ત્યાર બાદ તેમાં એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ નાખી તેને બરાબર સાંતળી લેવું.


લસણ સંતળાઈ ગયા બાદ તેમાં જીણી સમારેલી બે મોટી ડુંગળી એડ કરવી. અને તેને આછી ગુલાબી થાય ત્યાં સુધી સંતળાવા દેવી.


હવે તેમાં જે ટોમેટો પેસ્ટ બનાવી હતી તે એડ કરી તેને બરાબર સાંતળવું. પાણી બધું ઉડી જાય અને તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી સોટે કરવું.


હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, બે ચમચી લાલ મરચુ પાવડર, એક ચમચી ગરમ મસાલો, અરધી ચમચી હળદર, અરધી ચમચી ચાટ મસાલા પાઉડર, અરધી ચમચી આમચૂર પાઉડર, એક નાની ચમચી સંચળ એડ કરીને તેને બરાબર મીક્સ કરી લેવું. અને તેને બરાબર સંતળાવા દેવું.


હવે તેમાં બે ચમચી શેકેલો ચણાનો લોટ એડ કરવો. અહીં તમે સેવ કે ગાંઠિયાનો ભુક્કો પણ એડ કરી શકો છો.


ત્યારબાદ તેમાં 1 કપ પાણી એડ કરી તેને કુક થવા દેવું.


1-2 મિનિટ બાદ તેમાં ફ્રાઇડ બટાકીઓ એડ કરી દેવી. અને સાથે સાથે લીલી કોથમીર પણ એડ કરી. બરાબર હલાવી લેવું. અને 1-2 મીનીટ કુક થવા દેવું.


તૈયાર છે કાંઠિયાવાડની સ્પેશિયલ આઇટમ લસણિયા બટાટા. જેને તમે બાજરીના રોટલા, ભાખરી, રોટલી તેમજ ભાત સાથે પણ સર્વ કરી શકો છો.

ટીપ્સ


રેશમ પટ્ટી મરચું ન હોય તો કાશ્મીરી મરચા પાઉડરને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવીને તમે ટોમેટો પેસ્ટમાં એડ કરી શકો છો.


નાની બટાકીઓને ડીપ ફ્રાઈ ન કરવી હોય તો તમે તેને સાંતળી શકો છો.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

વાનગીનો વિગતે સંપૂર્ણ વિડીઓ જુઓ, તામ્ર હિન્દી સમજતા મિત્રોને પણ આ શેર કરી શકશો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *