ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ, તમે ક્યારે બનાવવાના છો?

ખાંડ પાણી નાખ્યા વગર બનાવો કેરીને મીઠો રસ

લોકો ઉનાળાની રાહ માત્ર કેરીના રસ માટે જોતા હોય છે. બાકી ઉનાળાની ગરમી કોઈને પણ નથી ગમતી તેમ છતાં ઉનાળાની રાહ જોવામાં આવે છે જેનું એક કારણ છે ઉનાળામાં આવતું વેકેશન અને બીજું છે ઉનાળામાં આવતી કેરીઓ.

વેકેશન દરમિયાન બાળકોનું મુખ્ય ભોજન એટલે રસને રોટલી. હવે રસોડાનું પણ આધુનિકરણ થઈ ગયું છે માટે જાત જાતના આધુનિક એપ્લાયન્સીસનો ઉપયોગ કરીને આપણે આપણી રસોઈને સરળ બનાવી દીધી છે. અને રસ કાઢવામાં પણ આપણે હવે બ્લેન્ડર અને મીક્ષરનો ઉપયોગ કરવા લાગ્યા છે. પણ આજની આ રેસીપીમાં આપણે કેરીને ઘોળવીને રસ કાઢવાનો છે. જ્યારે મીક્ષર કે હેન્ડ બ્લેન્ડર નહોતા ત્યારે આ રીતે જ રસ કાઢવામાં આવતો હતો. તો ચાલો બનાવીએ કેરીનો ખાંડ-પાણી વગરનો મીઠો રસ.

સામગ્રી

5-6 પાકેલી કેરી

ખાંડ વગર મીઠો કેરીનો રસ બનાવવાની રીત


આજની આ રેસીપીમાં કેરીના રસને કેરીને ઘોળવીને કાઢવામાં આવશે.


સૌ પ્રથમ તો કેરીને એક બોલમાં પાણી લઈને તેમાં ઘસીને ધોઈ લેવી. દબાવી દબાવીને ધોઈ લેવી. અહીં તમે ફ્રીઝનું ઠંડુ પાણી પણ લઈ શકો છો અને નોર્મલ પણ લઈ શકો છો. તેમજ કેરી ધોયા બાદ કેરીને થોડીવાર માટે ફ્રીઝમાં પણ મુકી શકો છો.


આ ઉપરાંત કેરી ઘોળવતા પહેલાં તેને અરધા કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળીને રાખવામાં આવશે તો કેરી ઘોળવવામાં સરળતા રહે છે.


હવે એક ચારણી લેવી અને તેના બધા જ કાણા આવી જાય તેવી એક મોટી તપેલી કે મોટો કટોરો લેવો. અને ચારણીને તેના પર મુકી દેવી.


હવે કેરી ઘોળવવી. કેરીને બધી જ બાજુએથી વ્યવસ્થિત રીતે ઘોળવી, અને કેરી ઘોળવતી વખતે તેને ચારણી ઉપર રાખવી જેથી કરીને તેમાંથી રસ લીક થાય તો તે ચારણી પર જ પડે.


કેરી બરાબર ઘોળવાઈ જાય એટલે કે કેરી સાવજ પોચી થઈ જાય એટલે તેનું ડીટીંયુ તોડી લેવું. એટલે ત્યાં એક કાણું બની જશે અને કેરીને દબાવીને તેમાંથી બધો રસ કાઢી લેવો સાથે ગોટલું પણ બહાર આવી જશે.


તેમ છતાં, કેરીની છાલમાં ઘણો રસ રહી ગયો હશે તો તેને પણ બરાબર દબાવીને કાઢી લેવો.


હવે કેરીની છાલને ઉંધી કરીને તેને પણ દબાવીને બચેલો રસ કાઢી લેવો.


હવે ગોટલા પર કેરીનો જે માવો ચોંટેલો હોય તેને દબાવીને કાઢી લેવો.


હવે છરી વડે ગોટલાને બરાબર ઘસીને તેમાંથી બધો જ કસ કાઢી લેવો. અને ગોટલાને સાવ જ કોરો કરી દેવો.


આ પ્રોસેસમાં મિક્સર દ્વારા રસ કાઢવામાં આવે તેના કરતાં ઘણો વધારે સમય જાય છે. પણ આ રીતે કેરીનો રસ કાઢવાથી બ્લેન્ડરની સરખામણીએ ખુબ જ મીઠો રસ ઉતરે છે.


હવે ચારણી પર ચાર-પાંચ કેરીનો રસ ભેગો થઈ ગયો હશે. તેને હાથેથી ઘસીને બરાબર ચાળી લેવો.

ધીમે ધીમે ચારણી નીચેના પાત્રમાં રસ ગળાઈને ભેગો થવા લાગશે.


તો તૈયાર છે કેરીનો ખાંડ તેમજ પાણી વગરનો પ્યોર મીઠો રસ. તેને તમે રોટલી, પુરી તેમજ ભાત સાથે પણ સર્વ કરી શકો છો અને એન્જોય કરી શકો છો.


ટીપ્સ

કેસર કેરી ઉપરાંત પાકેલી રાજાપુરી કેરીમાંથી પણ મીઠો રસ નીકળે છે.

કેરીને પકવવા માટે તમારે બધી જ કેરીને એક મોટા પાત્રમાં કોટનનું જાડુ કપડું પાથરીને મુકી દેવી અને તેને કોટનના કપડાથી ઢાંકી દેવી.

ચારણીની જગ્યાએ તમે મોટા કાણાવાળી ગરણી પણ લઈ શકો છો અને તે ન હોય તો પાણી ગાળવા માટેની ગરણી પણ લઈ શકો છો. જો કે તેમાં રસ ગાળતા ઘણી વાર લાગે છે પણ રસ એકદમ મુલાયમ બહાર નીકળે છે. અ કોઈ જ રેસા તેમાં આવતા નથી.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *