ખાંડવી – ખાંડવીના બાર્બેકયુ, નવીન રીતે બનાવેલ ખાંડવી અમદાવાદના શોભનાબેન લાવ્યા છે સરળ રીત…

કેમ છો મિત્રો…?? ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે નહીં?? પણ સાથે સાથે ઘરે બેસીને રસ ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે હે ને???

અને એમાય રસની સાથે મનગમતું ફરસાણ હોય તો તો ટેસડો પડી જાય હોં…. હમમમમ તો સૌને ભાવતી રસ સાથે જ પીરસાતી એવી મનગમતી વાનગી લઈને આવી છું.

આ વાનગીની એક ખાસ વિશેષતા એ છે કે એ તમે સાથે ખાઈ શકો છો, એકલી પણ ખાઈ શકો છો, ગરમ પણ ખાઈ શકો છો, ઠંડી પણ ખાઈ શકો છો. હવે બહુ રાહ નથી જોવડાવતી ચાલો સીધા જ વાનગી તરફ આગળ વધીએ.

આજે આપણે બનાવીશું ખાંડવી.

ખાંડવી બનાવવા માટે જોઈશે…

સામગ્રી.

1 કપ ચણાનો લોટ.

1 કપ છાશ

2 કપ પાણી

ચપટી હળદર

સ્વાદ મુજબ મીઠુ

વધાર માટે જોઈશે…..

2 ચમચી તેલ

રાઈ

હીંગ

લીમડો

લીલા મરચા

તલ

કોથમીર.

ખૂબજ ઓછી વસ્તુથી બનતી આ વાનગી સૌને ભાવતી હોય છે. તો ચાલો હવે રીત શીખીએ….

સૌ પ્રથમ તો એક કડાઈમાં લોટ, છાશ અને પાણી ભેગાં કરી દો. એમાં મીઠું અને હળદર નાખી એને બરાબર મિક્સ કરી લો. દયાન રહે એકરસ થવું જોઈએ એમાં સહેજ પણ ગાંઠ ન હોવી જોઈએ. જો જરુર પડે તો રવૈયા વડે હલાવવું જેથી એક સરખું હલાવી શકાય.

હવે ગેસ ચાલું કરો.


એક વાર ગેસ ચાલું કરીએ કે તરત જ એક ધાર્યું હલાવતા રહેવું વચ્ચે ઊભા નહી રહેવાનું. સતત હલાવતા રહો. ગેસનો તાપ ધીમે રાખવો. લગભગ 10 થી 15 મિનિટ સુધી આ પ્રમાણે કરવું.

હવે સહેજ ચમચીમા લઈને જોઈ લેવું કે ચડી ગયું છે કે નહીં જો હાથમાં ચોંટશે તો સમજવું હજી વાર છે અને ના ચોંટે તો થઈ ગયું છે એમ સમજીને ગેસ બંધ કરી દેવો.

થાળીમાં અથવા પ્લેટફોર્મ પર તેલ લગાવી એના પર તૈયાર થયેલું બેસન પાથરીને એકદમ પાતળું કરી દો. આ પાથરવાનુ કામ ઉતાવળથી કરવું પડશે નહીં તો જાડું થઈ જશે.

હવે આ ઠંડું થાય ત્યાં સુધી એનો વધાર તૈયાર કરીએ.

કડાઈમાં 2 ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે એમા રાઈ નાંખો. રાઈ તતડે એટલે હીંગ, સમારેલા લીલા મરચા, લીમડાના પાન અને તલ નાંખો. હવે ગેસ બંધ કરી દો.

હવે જે બેસન ઠંડું થઈ ગયું છે એને ચપ્પા થી કાપી લો. અને ધીરે ધીરે એને ગોળ ગોળ વાળી લો. મનગમતી રીતે ગોઠવો. પછી એના પર વઘાર રેડી કોથમીર ભભરાવો.

બસ તૈયાર છે આપની મન પસંદ ખાંડવી… રાહ શું જુઓ છો ઉપાડો…..

ખાંડવીના બાર્બેકયુ કેવું લાગ્યું અચુક જણાવજો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *