મિક્સ દાળ ચોખાના તીખા તમતમતા સેન્ડવિચ ખાંટીયા ઢોકળા

મિત્રો, આજે હું આપણી સાથે મિક્સ દાળ ચોખા તેમજ મકાઈના સેન્ડવિચ ખાંટીયા ઢોકળા બનાવવાની રેસિપી શેર કરું છું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે તેમજ વચ્ચે આપણે લસણવાળી ચટણીનું લેયર બનાવશું જે આ ઢોકળાને તીખાશ પણ સારી એવી આપશે તેમજ લસણને લીધે ટેસ્ટ પણ ખુબ જ સરસ આવશે. પહેલાના સમયમાં જે રીતે ખીરું તૈયાર કરીને ખાંટીયા ઢોકળા બનતા તે જ રીતે આ ઢોકળા બનાવીશું જે રીયલ દેશી ટેસ્ટ આપશે. દાળ ચોખા સાથે મકાઈ પણ એડ કરીશું જે આ ઢોકળાને ખુબ જ ટેસ્ટી બનાવશે તો ચાલો જોઈ લઈએ ઢોકળા બનાવવાની રીત

સામગ્રી :

બેટર માટેની સામગ્રી :

 • 1 કપ ચોખા
 • 1/2 કપ ચણાની દાળ
 • 2 ટેબલ સ્પૂન તુવેર દાળ
 • 2 ટેબલ સ્પૂન અડદ દાળ
 • 2 ટેબલ સ્પૂન મગ દાળ
 • 2 ટેબલ સ્પૂન મકાઈ દાણા
 • 1 કપ ખાંટી છાશ
 • 1/2 નાની ઈનો રેગ્યુલર
 • 1/2 ટેબલ સ્પૂન મીઠું
 • ચપટી હળદર
 • 1/2 કપ ગરમ પાણી

લાલ ચટણી માટેની સામગ્રી :

 • 15 કળી લસણ
 • 1 ટેબલ સ્પૂન શેકેલા સીંગદાણા
 • 1/4 ટેબલ સ્પૂન ધાણાજીરું
 • 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
 • 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ

વધારે માટેની સામગ્રી :

 • 1 ટેબલ સ્પૂન તેલ
 • 1/4 ટેબલ સ્પૂન રાઈ
 • 1/4 ટેબલ સ્પૂન જીરું
 • સૂકા લાલ મરચા
 • ચપટી હિંગ
 • લીલા મરચા
 • ફ્રેશ કોથમીર
 • મીઠા લીમડાના પાન

રીત :

1) સૌપ્રથમ બધી જ દાળ, ચોખા તેમજ મકાઈને દળીને કરકરો લોટ તૈયાર કરવાનો છે. તમે મીક્ષરમાં ક્રશ કરી શકો અથવા તો ઘંટીમાં બધું જ સાથે દળી શકો. આ બધું આપણે કરકરું જ દળવાનું છે.

2) કરકરો લોટ તૈયાર કર્યા બાદ તેમાં છાશ તેમજ હુંફાળું પાણી એડ કરી ઘટ્ટ બેટર બનાવવાનું છે. છાશ અહીં ઘટ્ટ અને ખાંટી લેવી જેથી ઢોકળાંમાં સરસ ખટાશ આવે. જેથી ઢોકળા સરસ ટેસ્ટી લાગે. મેં બે કપ કરકરા લોટ સાથે 1 કપ છાશ તેમજ અડધો કપ હૂંફાળું પાણી એડ કર્યું છે.

3) હવે બેટરને ઢાંકીને 6 થી 7 કલાક માટે રાખી દો જેથી સરસ આથો આવી જાય.

4) સાત કલાક પછી બેટરમાં સરસ આથો આવી જશે.

5) હવે તેમાં મીઠું, હળદર એડ કરી બરાબર મિક્સ કરી લો. બરાબર મિક્સ કરી થોડીવાર માટે રેસ્ટ આપી લેયર માટેની ચટણી બનાવી લો.

6) મિક્ષર જારમાં લસણની કળીઓ, સીંગદાણા, ધાણાજીરું, લાલ મરચું, લીંબુનો રસ તેમજ અડધી ચમચી પાણી એડ કરી ચટણી તૈયાર કરી લો.

7) આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવા છે તો એક બાઉલમાં અડધું બેટર લઈ તેમાં ચપટી ઈનો એડ કરી તેને એકટીવેટ કરવા આ ટેબલ સ્પૂન પાણી નાંખો અને બરાબર મિક્સ કરી લો. બેટરમાં ઇનો એડ કર્યા પહેલા ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી ગરમ કરી લેવાનું છે કારણ કે ઈનો એડ કર્યા પછી તુરંત ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે.

8) મોલ્ડ કે પ્લેટને તેલથી ગ્રીસિંગ કરી તેમાં બેટર પાથરી દો ત્યારબાદ તેને સ્ટીમરમાં મૂકી ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે સ્ટીમ કરી લો. આ ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં બાકીના બેટરમાં ઈનો એડ કરી તૈયાર કરી લો.

9) 5 મિનિટ પછી ઢાંકણ ઉઠાવી બેટર પર લાલ ચટણી લગાવી લો, ચટણીને બરાબર સ્પ્રેડ કરી એક લેયર બનાવી લો.

10) ચટણીનું લેયર લગાવી તેના પર બાકીનું બેટર સ્પ્રેડ કરી દો. હવે ઢાંકણ ઢાંકી ફરી 10 મિનિટ માટે સ્ટીમ કરી લો.

11) 10 મિનિટ પછી ઢાંકણ ઉઠાવી ચેક કરી લો, ઢોકળાંમાં છરી પોઇન્ટ કરી ચેક કરી લો, જો છરી સાફ બહાર આવે તો સમજો ઢોકળા બરાબર ચડી ગયા છે નહિ તો ફરી થોડીવાર ચડવા દો. હવે પ્લેટને સ્ટીમરમાંથી બહાર લઈ ઢોકળાને થોડા ઠંડા થવા દો, થોડા ઠંડા થતા જ પ્લેટમાંથી અનમોલ્ડ કરી લો.

12) હવે ઢોકળા માટેનો વઘાર કરી લો, આ ઢોકળા વઘાર કર્યા વગર પણ ટેસ્ટી લાગે છે પરંતુ વઘાર આ ઢોકળાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તે માટે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે સ્ટવની ફ્લેમ ઓફ કરી દો અને તેમાં રાઈ, જીરું, સૂકા મરચા, હિંગ, લીલા મરચા તેમજ લીમડાના પાન ઉમેરો.

13) બરાબર મિક્સ કરી આ વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરી દો.

14) તો મિત્રો તૈયાર છે, આ સેન્ડવિચ ખાંટીયા ઢોકળા જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે એકવાર તો અવશ્ય બનાવીને ટ્રાય કરી લેજો. તેમજ મિત્રો બનાવતા પહેલા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જરૂર જોઈ લેજો જેથી સામગ્રીનું માપ સરખું લઈ શકાય અને તમારા ઢોકળા પણ પરફેક્ટ બને સાથે આવી અવનવી રેસિપી જોવા માટે મારી યુ-ટ્યુબ ચેનલ પણ ચોક્કસ વિઝિટ કરજો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *