ક્યારેય ન ખાધી હોય તેવી ક્રીમી મેથી મટર મલાઈ, નવીન શબ્જી હવે તમે ઘરે પણ બનાવી શકશો…

ક્યારેય ન ખાધી હોય તેવી ક્રીમી મેથી મટર મલાઈ

આપણે જ્યારે ક્યારેય રેસ્ટોરન્ટમાં આપણા કુટુંબ મિત્રો કે સગાસંબંધીઓ સાથે જઈએ છીએ ત્યારે મોટા ભાગના લોકોની પહેલી પસંદ પંજાબી મેનુ જ હોય છે. કારણ કે તે સ્વાદિષ્ટ હોય છે તેમ જ તેને પેટ ભરીને જમી પણ શકાય છે. અને તેમાં દરેક વ્યક્તિની પસંદ એક નહીંને બીજી સબ્જીમાં પોષાય જાય છે. આજે આપણા ગુજરાતીઓમાં પણ પંજાબી સબ્જી જાણે ગુજરાતી સબ્જી જેવી થઈ ગઈ છે.

લોકો અવારનવાર ઘરે પણ વિવિધ પંજાબી સબ્જીઓ બનાવવા લાગ્યા છે. ખાસ કરીને પનીર ટીક્કા મસાલા, મલાઈ કોફ્તા, છોલે વિગેરે પોપ્યુલર સબજી તો અવારનવાર બને છે. પણ શું તમે ક્યારેય મેથી મટર મલાઈ ઘરે બનાવીને જોયા છે ? આજે અમે તમારા માટે લાવ્યા છીએ મેથી મટર મલાઈની રેસીપી. જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તમારા પંજાબી મેનુમાં ચારચાંદ લગાવી દે છે. તો ચાલો બનાવીએ મેથી મટર મલાઈ

સામગ્રી

½ કપ મગજતરી એટલે કે મેલન સીડ્સ

½ કપ કાજુ

1 તજ પત્તા

2 ટેબલ સ્પૂન ઘી

2 ટેબલ સ્પૂન માખણ

2-3 આખી ઇલાઇચી

સ્વાદ અનુસાર મીઠું

5 ટીસ્પૂન ખાંડ

1 ટી સ્પૂન કસૂરી મેથી

1 ટી સ્પૂન ફ્રાઇડ મેથી

¼ કપ મોળો માવો

½ કપ ફ્રેશ ક્રીમ

¾ કપ બાફેલા વટાણા

¼ કપ ગ્રેટેડ પનીર

¼ ટી સ્પૂન ગ્રીન ઇલાઇચ પાઉડર

મેથી મટર મલાઈ બનાવવાની રીત


એક પેનમાં પાણી લેવું તેને ગરમ કરવા મુકી દેવું તેમાં ½ કપ મેલન સીડ્સ એટલે કે મગજતરી નાખવા, ત્યાર બાદ તેમાં ½ કપ કાજુ એડ કરવા. આ બન્ને વસ્તુ સોફ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળવી.


ઉકળી ગયા બાદ તેને એક ગરણીમાં કાઢી લેવા જેથી કરીને બધું જ પાણી નીતરી જાય. હવે તેને ઠંડુ પાડવા તેના પર ઠંડુ પાણી રેડી દેવું.


હવે આ બફાઈને ઠંડા કરેલા કાજુ તેમજ મેલન સીડ્સને એક મીક્સર જારમાં લઈ લેવા અને તેમાં થોડું પાણી એડ કરી તેની લીકવીડ ખીરા જેવી પેસ્ટ બનાવવી લેવી. તેને એક મોટા કાણાવાળી ગરણીમાં બરાબર ગાળી લેવું. જેથી કરીને તેની પેસ્ટ સ્મૂધ થઈ જાય.


હવે એક નન સ્ટીક ફ્રાઇ પેન લો તેને ગેસ પર ગરમ થવા મુકી દો. તેમાં 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરો તેની સાથે સાથે જ તેમાં 2 ટેબલ સ્પૂન માખણ ઉમેરો હવે તેમાં એક તજ પત્તું ઉમેરો, ત્યાર બાદ તેમાં 2-3 લીલી ઇલાઇચી એડ કરવી.


હવે ઘી ગરમ થઈ ગયા બાદ તેમજ માખણ પીઘળી ગયા બાદ તેમાં મગજતરી અને કાજુની પેસ્ટ ઉમેરી દેવી. તેને બરાબર હલાવવી. જ્યારે ઘી છુટ્ટું પડવા લાગે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરવું ફરી પાછું ઘી છુટ્ટું થવા દેવું ફરી પાછું થોડું પાણી ઉમેરી ગરમ થવા દેવું


ત્યાર બાદ ફરી તેમાંથી ઘી છુટ્ટુ થયા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું,


5 ટી સ્પૂન ખાંડ એડ કરવી, 1 ટી સ્પૂન કસૂરી મેથીને હાથમાં મસળીને તેમાં એડ કરવી. ત્યાર બાદ તેમાં ફ્રાઈ કરેલી મેથી એડ કરવી.


ત્યાર બાદ તેમાં ¼ કપ મોળો માવો એડ કરવો. હવે તેમાં અરધો કપ ફ્રેશ ક્રીમ એડ કરી બરાબર ઉકાળી લેવું. તેને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું, જેમ જેમ ઉકળતું જશે તેમ તેમ ફ્રાઇડ મેથીનો કલર ગ્રેવીમાં મીક્સ થતો જશે અને ગ્રેવી એકદમ લાઈટ ગ્રીન કલરની થઈ જશે.


કરી થોડી જાડી થઈ ગયા બાદ તેમાં બાફેલા વટાણા પોણો કપ જેટલા એડ કરવા, ત્યાર બાદ તેના પર પા કપ પનીર ગ્રેટ કરીને એડ કરવું.


તેને બરાબર હલાવી લેવું. ત્યાર બાદ તેના પર પા ચમચી ઇલાઈચી પાવડર એડ કરવો અને બરાબર હલાવી લેવું. ઇલાઈચી ગ્રીન લેવી જેથી કરીને તેનો કલર પણ સરસ આવશે.


તો તૈયાર છે મેથી મટર મલાઈ સબ્જી. સ્વાદે આ સબ્જી જરા પણ તીખી નથી હોતી પણ તે ખુબ જ સ્વાદિષ્ટ અને રીચ હોય છે. તેને તમે નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. ઘરમાં જ્યારે પંજાબી મેનું બનાવવાનું નક્કી કર્યું હોય તો એક તીખી સબ્જી સાથે તમે આ સબ્જીને પણ પેયર કરી શકો છો. અને તમારા મહેમાનો કે પછી ઘરના સભ્યોને આંગળી ચાંટતા કરી શકો છો.

સૌજન્ય : ચેતના પટેલ (ફૂડ કુટોર સ્ટુડિયો, અમદાવાદ)
આ ટેસ્ટી રેસીપીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અહિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *