ક્યારેય નહીં ખાધા હોય સેવ ડુંગળીના પરાઠા, એકવાર બનાવશો, તો ઘરના લોકો રોજ તેની ડીમાન્ડ કરશે.

તમે સ્ટફ્ડ પરાઠા તો ઘણા બધા ખાધા હશે પણ શું તમે ક્યારેય સેવ ડુંગળીના પરાઠાનું નામ પણ સાંભળ્યું છે ? નહીં જ સાંભળ્યું હોય પણ આજે ક્રીતીકા બેન તમારા માટે લાવ્યા છે આ અનોખી રેસીપી. ચટાકેદાર સ્પાઇસી સેવડુંગળીના પરોઠા.

સેવ ડુંગળીના પરાઠા બનાવવા માટે સામગ્રી

2 કપ રોટલીનો જીણો લોટ લઈ મોણ નાખીને પરોઠાનો રેગ્યુલર લોટ બાંધી લેવો

3 મિડિયમ ડુંગળી જીણી સમારેલી

1 વાટકી જીણી સમારેલી કોથમીર

1 વાટકી ફુદીનો જીણો સમારેલો

1 મરચુ વાટી લેવું.

1 વાટકી જીણી સેવ

1 વાટકી રતલામી સેવ

1 નાની ચમચી લાલ મરચુ પાઉડર

સ્વાદ પ્રમાણે મીઠુ

તેલ જરૂરિયાત પ્રમાણે

1 નાની ચમચી ગરમ મસાલો

સેવ ડુંગળીના પરાઠા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક બોલમાં જીણી સમારેલી ડુંગળી લેવી તેમાં કોથમીર એડ કરવી તેમાં ફુદીનો પણ એડકરી લેવો અને સાથે સાથે વાટેલુ લીલુ મરચુ એડ કરવું.

હવે તેમાં જીણી સેવ અને રતલામી સેવ પણ લઈ લેવી તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવું.

હવે તેમાં ગરમ મસાલો ઉમેરવો, સાથે સાથે લાલ મરચુ પાઉડર પણ ઉમેરવો અને સ્વાદ પ્રમાણે મીઠુ પણ એડ કરી દેવું પણ બન્ને સેવ મીઠાવાળી હોવાથી તેને ધ્યાનમાં રાખીને મીઠુ ઉમેરવું જેથી કરીને પરોઠા ખારા ના બની જાય.

ફરી આ બધી સામગ્રી મિક્સ કરી લેવી. તો સ્ટફિંગ તૈયાર. જો નાના છોકરાઓ પણ જમવાના હોય તો તેમના માટે મરચાનું પ્રમાણ ઓછું કરી દેજો. બને તો લીલુ મરચુ સ્કીપ કરી લેજો કારણ કે આ સામગ્રીમાં ગરમ મસાલો, લાલ મરચુ અને રતલામી સેવ હોવાથી તીખાશ તો રહેવાની જ.

હવે પરોઠા બનાવવા માટે તમે જે રેગ્યુલર તવો લો છે તે લેવો અહીં નનસ્ટીક તવો લેવામાં આવ્યો છે તેને ગરમ કરવા મુકી દેવો.

હવે બાંધેલા લોટમાંથી એક મોટો લુઓ લેવો તેને હાથેથી ફેરવી ને ગોળ લુઓ બનાવી લેવો. હવે આ લુઆને અટામણથી કોટ કરીને પુરણ ભરવા માટે થોડો જાડો વણી લેવો. તે વચ્ચેથી પાતળો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે પરોઠો વણાઈ ગયા બાદ સ્ટફીંગ લેવું તેને ફરી એકવાર ચમચીથી હલાવી લેવું અને તેમાં બે ચમચી જેટલું સ્ટફીંગ લઈ પરોઠા પર મુકવું.

હવે ધીમે ધીમે કીનારીઓ ભેગી કરીને તેની પોટલી બનાવી સ્ટફીંગને કવર કરી લો.

હવે તેને હાથેથી થોડું થોડું દબાવીને ફેલાવી લેવું જેથી કરીને વેલણ વધારે ફેરવવું ન પડે કારણ કે વેલણ વધારે ફેરવવાથી પરોઠો ફાટી જવાનો અને પુરણ બહાર આવી જવાનો ભય રહે છે.

હવે તેના પર થોડું અટામણ ભભરાવીને તેને હળવા હાથે વેલણથી વણી લેવો.

વ્યવસ્થિત વણાઈ ગયા બાદ તેને ગરમ તવા પર મુકી દેવો અને સામાન્ય રીતે તમે જેમ પરોઠા શેકો છો તેમ શેકી લેવું.

અહીં ગેસ થોડો ધીમો રાખવો જેથી કરીને બળી ન જાય. અને પુરણ પણ અંદરથી વ્યવસ્થિત શેકાઈ જાય.

હવે બીજી બાજુથી પણ પરોઠાને વ્યવસ્થિત શેકી લેવો. હવે બન્ને બાજુ કાચ્ચી પાક્કી શેકાઈ જાય એટલે તેના પર તેલ નાખીને બન્ને બાજુ લાઈટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકી લેવું.

અહીં તમને તેલની જગ્યાએ ઘી અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો. આવી જ રીતે બધા પરોઠા શેકી લેવા.

તો તૈયાર છે સેવ ડુંગળીના સ્વાદિષ્ટ પરોઠા. પરોઠાને તમે સરસમજાના ઢેફાદાર દહીં જોડે અથવા તો તળેલા મરચા, છુંદા, અથાણા સાથે સર્વ કરી શકો છો. તો આજે જ ઘરે બનાવો અને તમારા ઘરના સભ્યોને ચખાડો એક નવી જ વાનગી.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

સેવ ડુંગળીના પરોઠા બનાવવા માટે વિગવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *