મગજ ના લાડુ – હવે પરફેક્ટ બનાવતા શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો રેસિપી દ્વારા…

મગજ ના લાડુ :

દિપાવલિ નો શુભ ઉત્સવ નજીક આવી રહ્યો છે. બધા લોકો ખૂબજ આનંદ અને ઉત્સાહમાં આવી ગયા છે. બાળકોએ ફટક્ડા ફોડવા ની શરુઆત કરી દીધી છે તો ગ્રૃહિણીઓ એ દેવાળીના નાસ્તા માં કઈ વાનગીઓ બનાવવી એનું લિસ્ટ બનાવવા માંડ્યુ હશે. તો બહેનો, આજે હું અહીં મગજ ના લાડુ ની પર્ફેક્ટ માપ સાથેની રેસિપિ આપી રહી છું એ તમારા લિસ્ટ માં જરુરથી ઉમેરી, મગજ ના લાડુઓ બનાવી ઘરના બધા લોકો ને અને અતિથિઓને નાસ્તામાં પીરસજો.

મગજ ના લાડુ માટેની સામગ્રી:

  • 2 વાટકા ચણા નો લોટ – લોટ જીણો કે કરકરો ગમે તે ચાલશે – અથવા રેડી બેસન
  • ¼ વાટકો દૂધ – લોટ ને ધ્રાબો આપવા માટે
  • ¼ વાટકો થીજેલું ઘી – લોટ ને ધ્રાબો આપવા માટે
  • 1 ¼ વાટકો દળેલી ખાંડ
  • 1 વાટકો દેશી ઘી – થીજેલું – લોટ શેકવા માટે
  • 5-6 એલચી + 1 ટેબલ સ્પુન ખાંડ – બન્ને સાથે ગ્રાઇંડ કરવા
  • 12-15 કેશરના તાંતણાં + 2 ટેબલ સ્પુન ગરમ દૂધ
  • 2 ટેબલ સ્પુન કાજુ નો અધકચરો ગ્રાઇંડ કરેલો ભૂકો

ગાર્નિશિંગ માટે:

  • 1 ટેબલસ્પુન પિસ્તા ના સ્લિવર્સ

મગજ ના લાડુ બનાવવા ની રીત :

સૌ પ્રથમ ચણા ના લોટ ને ઘી અને દૂધ નો ધ્રાબો આપવો ખૂબ જરુરી છે. તેના માટે ¼ વાટકો દૂધ અને ¼ વાટકો થીજેલું ઘી એક નાના બાઉલ માં મિક્સ કરો.

હવે તેને ગરમ કરો. ગરમ થાય એટલે ઘી – દૂધ ચમચીથી બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ ચણા ના લોટને ચાળી લ્યો. તેમાં ગરમ કરેલું ઘી – દૂધ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો.

ટિપ્સ : લોટ અને ધી દૂધ નું મિશ્રણ મિક્સ કરવા ની પ્રક્રીયા ને ‘ ધ્રાબો દીધો ‘ એમ કહેવાય છે.

હવે તે મિક્સર ને દબાવી ને ઢાંકીને દ્યો. 15-20 મિનિટ રેસ્ટ આપો.

તે સમય દરમ્યાન કેશર ને દૂધ માં પલાળી લેવું.

એક નાના બાઉલ માં 12-15 કેશરના તાંતણાં અને 2 ટેબલ સ્પુન ગરમ દૂધ મિક્સ કરી 5 મિનિટ ઢાંકી રાખો.

5 મિનિટ બાદ કેશર નાં તાંતણા દૂધમાં ઘસી ને ઓગાળી લેવું. દુધ સરસ કેશરી કલર નું થઇ જશે અને કેશરની સરસ અરોમા આવશે.

ટિપ્સ : કેશરવાળા દુધ ને ઢાંકી દ્યો જેથી તેની અરોમા યથવત રહે.

ધ્રાબો દીધેલા લોટને ગ્રાઇંડર માં કરકરો ગ્રાંઇંડ કરી લ્યો.

એક જાડા બોટમ ના લોયામાં 1 વાટકો થીજેલું ઘી ગરમ કરો. તેમાં 2 વાટકા ગ્રાઇંડ કરેલો ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો.

મિડિયમ સ્લો ફ્લૈમ પર લોટ ને શેકો. લોટ ના મિશ્રણને સતત હલાવતા રહો. જેમ લોટ ઘી માં શેકાતો જાશે તેમ ફુલતો હોય તેવું લોયા માં દેખાશે.

લોટ ને સતત હલાવતા રહેવું. જો મિશ્રણ લોયા ના બોટમ પર બેસી જશે કે લોટ દાઝી જશે તો મગજની ખુશ્બુ બગડી જશે. તેથી હલાવવા માં ખાસ ધ્યાન આપવું જરુરી છે.

લોટ બદામી કલર નો થાય ત્યાં સુધી શેકવો. હવે ગેસ ની ફ્લૈમ બંધ કરી દ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન કાજુ નો અધકચરો ગ્રાઇંડ કરેલો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી દ્યો. ગેસ પર થી લોયુ નીચે ઉતારી લેવું, જેથી વધારે પડતો લોટ શેકાવાની પ્રક્રીયા અટકી જાય. હલવતા રહેવું.

ટિપ્સ : ગરમ શેકેલા લોટ માં કાજુ નો ભૂકો શેકાવાથી કાજુની કચાશ નીક્ળી જઇને ખાતી વખતે મોંમાં કાજુ નો ક્રંચ આવશે.

ટિપ્સ: ગેસ ની ફ્લૈમ બંધ કરી ને પછી જ કાજુનો ભૂકો ઉમેરવો.

કાજુ મિક્સ થઇ ગયા બાદ બીજા મોટા મિક્સિંગ બાઉલમાં મિશ્રણ ને ટ્રાંસફર કરી લેવું જેથી જલ્દી ઠરે.

ટિપ્સ : મિશ્રણ ઠરે એ દરમ્યાન આખી એલચી અને આખી ખાંડ સાથે ગ્રાઇંડ કરી લ્યો. ફોતરા સહિત એલચી લેવાથી તેની અરોમા સરસ આવશે. ખાંડ સાથે ગ્રાઇંડ કરવાથી એલચી નો જલ્દીથી સરસ પાવડર બની જશે.

જરા ઠરે એટલે તેમાં આ ગ્રાઇંડ કરેલો એલચી નો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દ્યો.

ટિપ્સ : થોડું ગરમ હોય ત્યાંજ સુગરપાવડર ઉમેરવો, જેથી બરબર બધુ મિક્સ થઇ જાય.

હવે તેમાં થોડો સુગર પાવડર ઉમેરી મિક્સ કરો. હવે બાકી નો સુગર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી બાઉલમાં જ દબાવી દ્યો.

હવે તેમાંથી મિશ્રણ લઇ નાના નાના મગજ ના લાડુ બનાવો. ( આ મિશ્રણ માંથી 30 થી 32 નાના નાના મગજ ના લાડુઓ બનશે ).

દરેક લાડુ પર પિસ્તાના સ્લિવર્સ મૂકી ગારનિશ કરો. દિવાળી માં બનાવેલા બીજા ફરસાણ ની સાથે નાસ્તા માં આ ખુશ્બુદાર મગજ ના લાડુ પણ પીરશો અને લાડુ નો સુમધુર આસ્વાદ કરાવો અને લ્યો.

મને તો આ લાડુ ખૂબજ ભાવે છે તમને બધાને પણ ચોક્કસ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *