મગની દાળનો શીરો – કોઈપણ પ્રસંગ હોય કે સારા સમાચાર મળ્યા હોય તો તરત બનાવો મગની દાળનો શીરો…

કેમ છો મિત્રો? જય જલારામ, સ્વાગત છે તમારું આજની આ રેસિપી શીખવા માટે. આપણા દરેકના ઘરમાં કોઈને કોઈ તો એવું હોય જ જેને હંમેશા ગળ્યું ભાવતું જ હોય કોઈપણ સમય હોય તેમને ગળ્યું એટલે કે મીઠાઈ ખાવા માટે કહીએ તો એ ના કહે જ નહિ. બસ તો એવા જ મીઠાઈના દીવાના મિત્રો માટે આજે અમે લાવ્યા છીએ મગની દાળનો શીરો.

આ શીરો બનાવવામાં થોડી મહેનત જરૂર લાગે છે અને મહેનતથી પણ વધુ આ શીરો બનાવવામાં ધીરજની જરૂરત હોય છે. પણ અહીંયા આપેલ એક એક સ્ટેપ બરાબર ફોલો કરશો તો તમે પણ પરફેક્ટ શીરો બનાવી શકશો.

સામગ્રી

  • મગની દાળ – એક વાટકી
  • દૂધ : જેટલી દાળ લીધી હોય એનું ચાર ગણું દૂધ લેવું
  • ઘી – જેટલી દાળ લીધી હોય એટલું ઘી લેવું
  • ખાંડ – જેટલી દાળ લો એટલી ખાંડ અને વધુ ગળ્યું જોઈએ તો બે ચમચી વધારે લઈ શકો.
  • ડ્રાયફ્રુટ – પસંદ મુજબ
  • ઈલાયચી પાવડર – અડધી ચમચી

1. સૌથી પહેલા અહીંયા મેં મગની દાળને પલાળી રાખી છે. જો તમે આ દાળને ગરમ પાણીમાં પલાળશો તો તેને અડધો કલાક પલાળવી પડશે અને જો તેને તમે ઠંડા પાણીમાં પલાળો છો તો તેને બે કલાક પલાળી રાખવી પડશે.

2. હવે દાળ એકદમ પલળી ગઈ છે. જો તમને દાળ ઓછી પલળેલી લાગે તો થોડીવાર વધુ પલળવા દેજો.

3. હવે આ દાળને આપણે મીક્ષરના કપમાં લઈને એકદમ પેસ્ટ જેવું ક્રશ કરી લેવાનું છે.

4. હવે પેસ્ટ તૈયાર થઇ ગઈ હશે હવે એક જાડા તળિયાના વાસણમાં થોડું ઘી ગરમ મુકીશું.

5. ઘીમાં સૌથી પહેલા આપણે એક ચમચી બેસન લઈશું.

6. બેસન થોડું શેકાઈ જાય એટલે તેમાં આપણે સોજી ઉમેરી લઈશું સોજી બે ચમચી ઉમેરવાની છે.

7. હવે તેને બરાબર શેકી લો. તમે જોઈ શકશો કે સોજી પણ ફૂલી ગઈ છે.

8. હવે આ મિશ્રણમાં આપણે મગની દાળની બનાવેલ પેસ્ટ ઉમેરી લઈશું.

9. બધું બરાબર મિક્સ કરી લો.

10. તમે જોશો કે બધું ઘી એકદમ શોષવાઈ ગયું હશે.

11. શરૂઆતમાં આ મિશ્રણ થોડું કઠણ લાગશે પણ તેમ છતાં તમારે તેમાં ઘી ઉમેરવાનું નથી.

12. થોડીવારમાં તમે જોઈ શકશો કે મિશ્રણ બરાબર શેકાઈ ગયું હશે અને થોડું થોડું ઘી પણ છૂટું પડતું જોઈ શકશો.

13. એકદમ છૂટું પડેલું ઘી દેખાય એટલે સમજો કે તમારો શીરો શેકાઈ ગયો છે.

14. હવે આમાં આપણે થોડું હૂંફાળું ગરમ દૂધ ઉમેરી લઈશું.

15. દૂધ ઉમેરો તેની સાથે જ આમાં આપણે કટ કરેલા ડ્રાયફ્રુટ પણ ઉમેરી લઈશું.

16. હવે બધું બરાબર મિક્સ કરી લો.

17. થોડું ઘી છૂટું પડતું દેખાય એટલે હવે તેમાં ખાંડ ઉમેરી લો.

18. બધું બરાબર હલાવી લો હવે ખાંડ બરાબર મિક્સ થઇ જાય એટલે સમજો તમારો મગની દાળનો શિરો તૈયાર થઇ ગયો છે.

બસ તો હવે ગરમાગરમ શીરો તમે તમારા પરિવાર સાથે આનંદ માણો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *