મકાઈના ડોડામાંથી બનાવો થોડાક જ સમયમાં બની જતી મકાઈની ટેસ્ટી લોલી પોપ !

બાળકોને હંમેશા કંઈક નવું અને કંઈક ચટપટુ ભાવતું હોય છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મકાઈ ડોડા ઉપલબ્ધ છે તો આજે બનાવો મકાઈ ડોડામાંથી બનતી સ્વાદિષ્ટ ચટપટી લોલીપોપ.

મકાઈની ટેસ્ટી લોલી પોપ બનાવવા માટે સામગ્રી

1 ડોડો બાફેલી મકાઈ

2 મિડિયમ સાઇઝના બાફેલા બટાટા

2 બ્રેડના બ્રેડ ક્રમ્સ

1 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ

¼ વાટકી જીણી સમારેલી કોબી

¼ ચમચી જીણી સમારેલી ડુંગળી

2 મોટી ચમચી જીણી સમારેલી કોથમીર

¼ જીણું છીણેલુ ગાજર

¼ ચમચી મરી પાઉડર

½ લીંબુનો રસ

3 મોટી ચમચી ચણાનો લોટ

¼ ચમચી ગરમ મસાલા પાઉડર

તળવા માટે તેલ

મકાઈની ટેસ્ટી લોલી પોપ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ મકાઈનો મોટી સાઈઝનો એક ડોડો લઈ તેને પાણીમાં બરાબર બાફી લેવી. અને તેમાંથી મકાઈના દાણા છુટ્ટા કરી લેવા. અને તેને મિક્સરના જારમાં અધકચરા વાટી લેવા. તેની ફાઈન પેસ્ટ ન બનાવવા. પણ તળતી વખતે મકાઈ છુટ્ટી ન પડે તે હેતુથી તેની અધકચરી પેસ્ટ બનાવવાની છે.

હવે આ બાફેલી મકાઈની અધકચરી પેસ્ટને એક બોલમાં લઈ લેવી. હવે તેમાં કટલેસ એટલે કે લોલીપોપ બનાવવા માટેની અન્ય સામગ્રીઓ ઉમેરી દેવી.

ક્રશ કરેલી મકાઈ લીધા બાદ તેમાં બે મિડિયમ સાઇઝના બાફેલા બટાટા લઈ તેને હાથેથી ક્રશ કરીને તેમાં ઉમેરી દેવા. હંમેશા તાજા જ બાફેલા બટાટા ઉમેરવા. ફ્રીઝમા રાખેલા બટાટા ન ઉમેરવા.

હવે તેમાં કેટલાક શાકભાજી ઉમેરવા. તેના માટે અહીં ¼ કપ જીણી સમારેલી કોબી, ¼ કપ જીણી સમારેલી ડુંગળી અને ¼ કપ જીણું ખમણેલુ ગાજર તેમજ બે મોટી ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી. અહીં તમે બ્લાન્ચ કરેલી ફણસી તેમજ બાફેલા વટાણા પણ ઉમેરી શકો છો.

હવે કોથમીર નાખ્યા બાદ આ મિશ્રણમાં 1 મોટી ચમચી તીખા મરચા અને આદુની પેસ્ટ ઉમેરવી. અહીં લાલ મરચાનો ઉપયોગ નથી કરવાં આવતો.

હવે તેમાં લોલી પોપ વળે એટલે કે તેના બાઈન્ડ માટે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ ઉમેરી દેવો. ત્યાર બાદ તેમાં પા ચમચી મરી પાઉડર, પા ચમચી ગરમ મસાલો અને અરધા લીંબુનો રસ ઉમેરી દેવો. અહીં મકાઈના કારણે જો તમને ગેસ થતો હોય તો મરી ઉમેરવામાં આવ્યા છે. તેમજ મકાઈ ઘણી મીઠી હોવાથી સ્વાદને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ ઉમેરવામાં આવ્યો છે.

હવે તેમાં સેન્ડવીચ માટે જે બ્રેડ આવે તેનો ભુક્કો લેવામાં આવ્યો છે અહીં બે બ્રેડને મિક્સરમાં ક્રશ કરીને અહીં ઉમેરવામાં આવી છે. તેનાથી મકાઈની લોલીપોપમાં બાઇન્ડીંગ આવે છે અને તળતી વખતે તે તેલમાં છુટ્ટી નથી પડતી. હવે સાથે સાથે તમારા ટેસ્ટ મુજબ મીઠુ પણ ઉમેરી દેવું.

જો તમને પુરણ ઢીલુ લાગતું હોય તો તમે બીજા થોડા બ્રેડક્રમ્સ ઉમેરી શકો છો. હવે તેની કન્સીસ્ટન્સી અહીં બતાવી છે તે પ્રમાણે થઈ જવી જોઈએ. તેની આપણે લોલી પોપ બનાવી શકીએ તેવું પુરણ બનવું જોઈએ. હવે પુરણ તૈયાર થઈ ગયા બાદ તેને 15-20 મિનિટ માટે ફ્રીઝરમાં એટલે કે આપણે જ્યાં બરફ જમાવવા મુકીએ છીએ ત્યાં તેને સેટ થવા માટે મુકી દેવું.

હવે 15-20 મિનિટ બાદ તેને ફ્રીઝરમાંથી કાઢી લેવું. હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે આઇસ્ક્રીમની કેન્ડીની જે સ્ટીક આવે છે તે લઈ લેવી અને તેના પર અહીં બતાવ્યું છે તે પ્રમાણે પુરણની કેન્ડી બનાવી લેવી. બધા જ પુરણમાંથી આવી લોલીપોપ તૈયાર કરી લેવી. જો તમે નવી જ કેન્ડી સ્ટીક યુઝ કરતાં હોવ તો તેને થોડીવાર માટે પલાળી લેવી નહીંતર લોલી પોપ તળાતી વખતે તે ઘણું બધું તેલ સોશી લેશે.

આ દરમિયાન તમારે તેલ પણ ગરમ કરવા મુકી દેવું. હવે લોલીપેપની સ્ટીક પર જે વધારાનું પુરણ ચોંટ્યુ હોય તેને રૂમાલથી લૂછી લેવું જેથી કરીને તળતી વખતે સ્ટીક કાળી ન પડી જાય. હવે તેલ આવી ગયા બાદ તેમાં સૌ પ્રથમ એક લોલીપોપ તળાવા માટે ઉમેરી દેવી. જો તે છુટ્ટી પડ્યા વગર તળાય તો તો બીજી લોલી પોપ પણ ઉમેરી દેવી. અને છો છુટ્ટી પડે તો તેમાં બીજી એક બ્રેડના ક્રમ્સ ઉમેરી દેવા અને ફરી લોલીપોપ વાળી લેવી.

તેલ ગરમ થઈ ગાય બાદ ફ્લેમ મિડિયમ કરવી. અને મિડિયમ ફ્લેમ પર જ લોલીપોપ તળાવા દેવી. લોલીપોપ તળવા માટે તેલમાં એડ કરો ત્યાર બાદ તેને બે મિનિટ સુધી જરા પણ હલાવવી નહીં. નહીંતર તે છુટ્ટી પડી જશે. હવે બે મિનિટ બાદ તેને થોડી હાલાવી લેવી જેથી કરીને તે બધી જ બાજુથી સરખી તળાઈ જાય.

હવે લોલી પોપ ગોલ્ડન રંગની થઈ જાય એટલે તેને ધીમે ધીમે કરીને ટીશ્યુ પેપર પર કાઢી લેવી.

બ્રેડ ક્રમ્સ ઉમેર્યા હોવાથી આ લોલીપોપ થોડું વધારે તેલ સોષે છે તો તે વધારાના તેલને સોષાવા માટે તેને ટીશ્યુ પેપર પર જ મુકવી. આવી જ રીતે બધી લોલીપોપ તળી લેવી.
લોલી પોપ સાથે સ્ટીક પણ તેલમાં તળાઈ હોવાથી તેમાં વદારે પડતું તેલ શોષાઈ જાય છે તે તેલને અવોઈડ કરવા માટે અહીં બતાવ્યું છે તે પ્રમાણે તેની સ્ટીક પર એલ્યુમિનિયમ ફોઈલ લપેટી દેવી. જેથી કરીને તેને ખાતી વખેત તમારા હાથ પર તેલ ન લાગે.

તો તૈયાર છે ચટપટા ટેસ્ટી સ્વાદ વાળી મકાઈ લોલીપોપ. બાળકોને ખુબ જ ભાવશે. આ એક પ્રકારની કટલેસ જ છે. અને કટલેસ તો સામાન્ય રીતે બધાને બહુ ભાવતી જ હોય છે. તો પછી ફ્રીઝમાં પડી રહેલી અમેરિકન મકાઈમાંથી બનાવો આ ટેસ્ટી ટેસ્ટી વાનગી.

રસોઈની રાણીઃ સીમાબેન

મકાઈની ટેસ્ટી લોલી પોપ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *