પરાઠા સાથે મસ્ત લાગે છે આ ગુજરાતી શાક, થોડા ચેન્જ સાથે તૈયાર કરી લો તમારું ગુજરાતી ભાણું

તુરીયા વટાણા મુઠીયાનું શાક (Ridged Gourd Peas Muthia Sabji)

તુરીયા, ગલકા અને દૂધી જેવા શાકની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણાખરા બ્લેન્ડ(ફીકા) હોય છે. જેથી જેમાં ઉમેરો તેની સાથે સ્વાદમાં ભળી જાય છે. તો આમાંથી તુરીયા સાથે મેં અહીં મુઠીયાને ભેળવી શાક બનાવ્યું છે. શાકના થોડાક દાણાદાર ટેક્સ્ચર માટે સાથે લીલા વટાણા ઉમેર્યા છે. લીલવાના દાણાની સિઝનમાં તે ઉમેરો તો પણ બહુ સરસ લાગે છે. તે જ રીતે લીલું લસણ પણ સારું લાગે છે.

અહીં સાથે પરફેક્ટ કહી શકાય અને ઘણા બધા ગુજરાતી શાકમાં ઉમેરી શકાય તેવા મુઠીયા ની રેસીપી પણ મૂકી રહી છું. આમ સોફ્ટ પણ ઉપરથી એકદમ ક્રિસ્પી, શાકમાં ઉમેર્યા પછી પાણીદાર થઇ ભાગીને ભૂક્કો ના થઇ જાય અને બિલકુલ સૂકા પણ ના લાગે તેવા બનશે. એકલા નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.

સમય: 45 મિનિટ
સર્વિંગ: 3 વ્યક્તિ

સામગ્રી

મુઠીયા બનાવવા માટે

• 2/3 કપ ઘઉંનો કકરો(ચૂરમાના લાડૂનો) લોટ
• 1/4 કપ ચણાનો લોટ
• 1 ટેબલ સ્પૂન સોજી
• 1 કપ સમારેલી મેથીની ભાજી
• 1/2 કપ સમારેલી કોથમીર અને થોડોક ફૂદીનો
• 1 ટેબલ સ્પૂન આદું લસણ મરચાં ની પેસ્ટ
• 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
• 1 ટીસ્પૂન ધાણાજીરુ પાઉડર
• 1/4 ટીસ્પૂન હળદર
• 1/2 ટીસ્પૂન મીઠું
• 1 ટેબલ સ્પૂન ખાંડ
• 1 લીંબુનો રસ
• 1 ટેબલ સ્પૂન તેલ
• 1 ટેબલ સ્પૂન તલ
• ચપટી સોડા
• જરુર મુજબ પાણી
• તળવા માટે તેલ

શાક બનાવવા માટે

• 250 ગ્રામ તાજા કુણા તુરીયા
• 1/4 કપ લીલા વટાણા
• 1-2 ટેબલ સ્પૂન તેલ
• 1/2 ટીસ્પૂન રાઇ
• 1/4 ટીસ્પૂન અજમો
• ચપટી હીંગ
• 1 ટેબલ સ્પૂન આદું લસણ મરચાં ની પેસ્ટ
• 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
• 1/4 ટીસ્પૂન હળદર
• 1 ટીસ્પૂન ધાણાજીરુ પાઉડર
• મીઠું સ્વાદ પ્રમાણે
• 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
• 1/4 ટીસ્પૂન આમચૂર પાઉડર
• 1 ચમચી ગોળ
• પાણી જરૂર મુજબ
• 8-10 બનાવેલા મુઠીયા

પધ્ધતિ:

મુઠીયા માટે, એક બાઉલમાં ત્રણેય લોટ લઇ તેમાં બધા સૂકા મસાલા, આદું લસણ મરચાં ની પેસ્ટ, ધોયેલી મેથીની ભાજી, ધોયેલી કોથમીર અને ફૂદીનો ઉમેરવા.

તેમાં તલ, તેલ, સોડા અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર પૂરતું પાણી નાખી મુલાયમ લોટ બાંધવો. મારે અહીં 2 ચમચી પાણીની જરુર પડી હતી. બીજી બાજુ તળવા માટે તેલ ગરમ મૂકવું.

લોટમાંથી નાના લંબગોળ મુઠીયા વાળવા. આ માપથી મારે 20 મુઠીયા બન્યા હતા. તેલ આવે એટલે ગેસ મિડિયમ કરી ઉપરથી બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. મુઠીયા અંદર થી સારી રીતે ચડે તે માટે ધીમાથી મધ્યમ તાપે જ તળવા.

હવે શાક બનાવવા માટે, એક નાની તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં મીઠું અને લીલા વટાણા નાખી વટાણા ને 5 મિનિટ માટે ઉકાળવા. જેથી વટાણા કુક થઇ જાય. પછી વટાણાને ગરણીથી ગાળી લેવા. વટાણા બાફેલું પાણી રહેવા દેવું જે પછીથી શાકમાં ઉમેરી શકાશે. તુરીયા ને ધોઇને નાના ટુકડા માં સમારી લેવા.

એક કઢાઇમાં તેલ ગરમ મૂકી તેમાં રાઇ,અજમા,હીંગનો વઘાર કરવો.આ શાકમાં અજમાનો સ્વાદ સરસ લાગે છે. તેમાં આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળવી. પછી હળદર નાખી સમારેલા તુરીયા નાખવા. હલાવીને ઢાંકીને 5 મિનિટ જેવા ચડવા દેવા.

તુરીયાનું પોતાનું પાણી છૂટશે. તેમાં બધા મસાલા, વટાણા અને ગોળ નાખી મિક્સ કરી લેવું.

થોડીવાર માટે ફરી ઢાંકીને ચડવા દેવું. પછી 1/4 કપ જેટલું પાણી નાખી મુઠીયા ઉમેરવા. ફરી ઢાંકીને 5 મિનિટ માટે કુક થવા દેવું. પછી ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખવો. જરુર લાગે તો પાણી ઉમેરવું. શાક રસાવાળું રાખવાનું છે જેથી રસો મુઠીયામાં ઉતરી શકે.

બની ગયા પછી ઢાંકીને શાકને 30-45 મિનિટ માટે રહેવા દેવું જેથી મુઠીયા રસો શોષી થોડાક ગળીને ફૂલશે. પછી રોટલી, ભાખરી, પરોઠા સાથે ગરમ કરી પીરસવું.

સીઝનમાં લીલું લસણ અને લીલવાના દાણા આ શાકમાં બહુ જ સરસ લાગે છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *