મેંગો ફાલૂદા (Mango Falooda) – કેરીનો રસ તો અવારનવાર ખાતા હશો પણ હવે બનાવો આ યમ્મી ફાલુદા…

મેંગો ફાલૂદા (Mango Falooda)

ફાલૂદા ગરમીની ઋતુમાં ખાસ પસંદ કરવામાં આવતું પીણું છે..જે ઠંડા ફ્લેવર્ડ દૂધમાં ખાસ ફાલૂદાની સેવ અને તકમરીયાં નાખીને બને છે. અને ઉપરથી મોટાભાગે આઇસ્ક્રીમ સાથે સર્વ થાય છે..

ફાલૂદાની સેવ આમ તો કોર્નફ્લોર કુક કરી બનતી હોય છે..પણ જો ઇન્સ્ટન્ટ કરવી હોય તો વર્મિસેલી બાફીને લઇએ તો પણ સારી લાગે છે..મેં અહીં મેંગો મિલ્કશેક સાથે ફાલૂદા બનાવ્યા છે અને સાથે સ્ટ્રોબેરી ક્રશ અને જેલી લીધી છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે..

30-40 મિનિટ, 2 વ્યક્તિ

🥭મેંગો મિલ્ક શેક માટે,

  • • 2 મીઠી પાકી કેરી
  • • 1 કપ ઠંડું દૂધ
  • • 3-4 ટેબલ સ્પૂન ખાંડ

🍓જેલી માટે,

  • • 1 રેડીમેડ રાસબેરી કે સ્ટ્રોબેરી જેલી પેકેટ
  • • પાણી જરુર મુજબ

🍹ફાલૂદા માટે,

  • • 2-3 ટેબલ સ્પૂન વર્મિસેલી સેવ
  • • 1 ટીસ્પૂન તકમરીયાં(સબ્જા કે બેઝિલ સીડ્સ)
  • • પાણી જરુર મુજબ
  • • 3 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ
  • • 3 ટેબલ સ્પૂન લાલ-લીલી ટૂટીફ્રૂટી
  • • 3-4 ટેબલ સ્પૂન કેરીના નાના ટુકડા
  • • 3-4 ટેબલ સ્પૂન કાજુ-બદામના ટુકડા
  • • 2 મોટા સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ

પધ્ધતિ:

➡️🍓જેલી માટે, પેકેટ પર બતાવેલા સ્ટેપ્સ અને માપ મુજબ ગરમ પાણીમાં જેલી પ્રિમિક્સ મિક્સ કરી ઉમેરી 1 કલાક માટે જેલી સેટ કરવી.પછી અડધા કલાક માટે ફ્રીઝમાં ઠંડી કરી લેવી. મેં અહીં અડધા પેકેટની બનાવી છે.

➡️🥭મિલ્ક શેક માટે, કેરીને ધોઇને છાલ નીકાળી એક બાઉલમાં ટુકડા માં સમારી લેવી. 3-4 ચમચી જેટલા નાના ટુકડા અલગથી રાખવા. બાકીની કેરીમાં દૂધ અને ખાંડ ઉમેરી બ્લેન્ડરથી બરાબર ચર્ન કરી લઇ સ્મૂધ મેંગો મિલ્ક શેક બનાવી લેવો. તેને થોડીવાર માટે ડીપફ્રીઝ કરી લેવો. અહીં સાથેની બીજી આઇટમ્સ ફીકી હોવાથી બેલેન્સ કરવા મિલ્ક શેકમાં બમણી ખાંડ લેવી.

➡️🍹ફાલૂદા માટે, એક બાઉલમાં 1 કપ જેટલું પાણી ઊકળવા મૂકવું. તેમાં વર્મિસેલી સેવ નાખી 5 મિનિટ માટે કુક કરી લેવી. પૂરી બફાઇ જાય એટલે ગરણીમાં લઇ પાણી કાઢી ઠંડી કરી લેવી.

➡️બીજા એક બાઉલમાં તકમરીયાં લેવા. તેમાં 1/4 કપ જેટલું સાદું પાણી નાખી 5 મિનિટ માટે રહેવા દેવા. તે ફૂલીને રેડી થઇ જશે.

➡️સેટ થયેલી જેલીને નાના ટુકડામાં કાપી લેવી.2 કાચના ગ્લાસ લઇ તેમાં બધી બાજુ 1 ચમચી જેટલો સ્ટ્રોબેરી ક્રશ રેડવો.

➡️હવે ગ્લાસમાં 1-1 ચમચી જેટલી ફાલૂદા સેવ પાથરવી. તેના પર 1 ચમચી જેટલા તકમરીયાં મૂકવા. તેના પર 1-2 ચમચી જેટલા જેલીના ટુકડા ગોઠવી લેયર કરવું. પછી 1-2 ચમચી કેરીના ટુકડાનું લેયર કરવું.

➡️તે પછી થોડીક ટૂટીફ્રૂટી અને કાજુ-બદામ પાથરવા. હવે 1/2 ગ્લાસ થાય ત્યાં સુધી મેંગો મિલ્ક શેક રેડવો. તેના પર ફરી 1 ચમચી જેટલી સેવ અને તકમરીયાંનું લેયર કરવું.

➡️ફરી થોડીક જેલી મૂકવી. અને ફરી થોડોક મિલ્ક શેક ઉમેરવો. ગ્લાસ છલોછલ ના ભરાય તેનું ધ્યાન રાખવું. હવે ઉપરથી સર્વ કરવાનું હોય ત્યારે એક સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ મૂકવો. થોડીક ટૂટીફ્રૂટી અને ડ્રાયફ્રૂટ મૂકવા.

➡️આઇસ્ક્રીમ પીગળે તે પહેલાં સર્વ કરવું.

નોંધ:- લેયર સારી રીતે સેટ થાય તે માટે ગ્લાસ ઊંડા અને મોટા લેવા.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *