હેલ્ધી મસાલા ઢોકળા – લીલી તુવેર અને લીલા વટાણાના ટ્વીસ્ટ સાથે બનાવો ઢોકળા…

હેલ્ધી મસાલા ઢોકળા:

આજ કાલ અનેક પ્રકારના ઢોકળા બનવા લાગ્યા છે. કેમકે ગૃહિણીઓ નવાનવા કોમ્બિનેશનથી ઇનોવેટિવ ઢોકળા બનાવતા હોય છે. જેવાકે દુધીના, મેથીના, પાલકના, લસણવાળા, મિક્સ વેજ. કે પછી આખી ચણાદાળ અને અડદ દાળ મિક્સ કરેલા ઢોકળા … આ અને આવા અનેક પ્રકાર ઢોકળા બનતા હોય છે. આ ઉપરાંત તેના બેટરમાં પણ જુદી જુદી દાળોનાં અલગ અલગ પ્રમાણ લઇને મિક્સ કરી, ગ્રાઇંડ કરી ઢોકળા બનાવવામાં આવે છે. હાલ ગૃહિણીઓ સુજી અને ચણાના લોટના મિશ્રણથી ઢોકળા બનાવતા થયા છે કેમકે તે જલ્દી બને છે.

આજે હું આપ સૌને એક હેલ્ધી મસાલા ઢોકળાની રેસિપિ આપી રહી છું. જે ખરેખર ટેસ્ટી અને પૌષ્ટિક છે. જરુરથી બનાવીને ટ્રાય કરજો.

હેલ્ધી મસાલા ઢોકળા બનાવવા માટેની સામગ્રી:

  • 3 કપ ચોખા ( બાસમતી વાપરશો નહી )
  • 1 કપ ચણાની દાળ
  • 2 ટેબલ સ્પુન અડદની દાળ
  • 2 ટેબલસ્પુન પૌઆ
  • જરુર મુજબ ખાટી છાશ

મસાલા માટે :

  • 1 કપ લીલવા તુવેર
  • 1 કપ લીલા વટાણા
  • 1 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

ઢોકળા બનાવતી વખતે બેટરમાં ઉમેરવા માટે :

  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 1 ટબલ સ્પુન ખમણેલું આદુ
  • 2 +2 ટેબલ સ્પુન લસણ-મરચા અધકચરા ગ્રાઇંડ કરેલા
  • 2 ટી સ્પુન સાજીના ફુલ ( સોડા બાય કાર્બ )
  • 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું
  • ઓઇલ પ્લેટને ગ્રીસ કરવા માટે
  • થોડા આખા ગ્રીન મરી – બેટર ભરેલી પ્લેટમાં સ્પ્રિંકલ કરવા માટે
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર – બેટર ભરેલી પ્લેટમાં સ્પ્રિંકલ કરવા માટે

ગાર્નિશ કરવા માટે :

  • કોથમરી બારીક સમારેલી
  • થોડી લાલ મરચાની રિંગ્સ અને નાના પીસ
  • મીઠા લીમડા ની 1 સ્ટ્રીંગ

હેલ્ધી મસાલા ઢોકળા બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 3 કપ ચોખા ( બાસમતી વાપરશો નહી ), 1 કપ ચણાની દાળ અને 2 ટેબલ સ્પુન અડદની દાળને 2-3 પાણીથી ધોઇ લ્યો. ત્યારબાદ હુંફાળા ગરમ પાણીમાં 7-8 કલાક અથવા તો ઓવર નાઇટ પાલાળી રાખો.

બરાબર 7-8 કલાક પલળી જાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન ચોખાના પૌઆ ઉમેરી તેને ગ્રાઇંડરમાં જીણું ગ્રાઇંડ કરી લ્યો.

ગ્રાઇંડ કરતી વખતે તેમાં ખાટી છાશ ઉમેરી ગ્રાઇંડ કરો. બેટર વધારે ઢીલું ના થાય તેનું ધ્યાન રાખો. એકદમ ઘટ્ટ પોરિંગ કંસિસટંસી રાખો.

હવે ફરી 6-7 કલાક આથો લાવવા માટે બરાબર ઢાંકીને ગરમ કપડામાં તપેલું વિંટીને ગરમ જગ્યાએ મૂકો.

વઘાર કરવાની રીત:

તુવેરના લીલવા અને લીલા વટાણા- બન્નેને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લ્યો.

ત્યારબાદ અલગથી મરચા અને લીલુ લસણને પણ સાથે ગ્રાઇંડ કરી લ્યો.

પેનમાં 1 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે ગરમ મૂકો. બરાબર ગરમ થાય એટલે 1 ટી સ્પુન આખુ જીરું ઉમેરો. તતડે એટલે પિંચ હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલા લીલવા તુવેર અને લીલા વટાણા ઉમેરી મિક્ષ કરી દ્યો. તેમાં ½ ટી સ્પુન હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો. તેમાં 1 ટી સ્પુન ખાંડ ઉમેરી મિશ્રણ અધકચરું કૂક કરો.

હવે બનાવેલા બેટરમાંથી અર્ધું બેટર અલગ બાઊલમાં કાઢી લ્યો.

અર્ધા બેટરમાં લીલવા અને વટાણાનું કૂક કરેલું મિશ્રણ ઉમેરો. સાથે અધકચરા ગ્રાઇંડ કરેલા લીલુ લસણ-મરચા અને ખમણેલું આદુ ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં ધાણા જીરું, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો.

હવે ઢોકળા મુકવા માટેની બન્ને પ્લેટને ઓઇલથી સરસ ગ્રીસ કરો.

સ્ટીમરમાં જરુર મુજબ પાણી ભરી પાણી ઉકળે ત્યાં સુધી ગરમ થવા દ્યો.

ત્યારબાદ બેટરમાં 1 ટી સ્પુન સોડા બાય કાર્બ, 1 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ અને લેમન જ્યુસ ઉમેરી, ફ્લફી થાય ત્યાં સુધી એકદમ ફીણો.

તરતજ ફીણેલું બેટર ગ્રીસ કરેલી પ્લેટમાં ¾ સુધી ભરી તેના પર લાલ મરચું પાવડર અને થોડા લીલા મરી સ્પ્રીંકલ કરી ઢોકળા સ્ટીમ થવા મૂકો.

10 થી 12 મિનિટ પછી ચપ્પુ તેમાં ડીપ કરી ચેક કરી લ્યો.

ચપ્પુ ક્લીન બહાર આવે તો ઢોકળા બરાબર સ્ટીમ થઇ ગયા છે. નહી તો 2 મિનિટ વધારે કૂક કરો.

આમ વારા ફરતી 2 પ્લેટ કૂક કરો. ( આ મિશ્રણ વાળા બેટર માંથી 2 પ્લેટ ઢોકળા બનશે. અલગ કાઢેલા બેટર માટે લીલવા અને વટાણાનું બીજું મિશ્રણ બનાવવું. )

કૂક થયેલા પ્લેટ માંના હેલ્ધી મસાલા ઢોકળાને ચપ્પુથી સ્ક્વેર કે ડાયમંડ શેઇપ આપી કટ કરો. સર્વિંગ પ્લેટમાં ઢોકળાના પીસ મૂકી કોથમરી બારીક સમારેલી, થોડી લાલ મરચાની રિંગ્સ, લીલા મરચાના નાના પીસ, મીઠા લીમડાની 1 સ્ટ્રીંગ અને લીલા મરીથી ગાર્નીશ કરી ગરમાગરમ હેલ્ધી મસાલા ઢોકળા મોટાઓને શિંગ તેલ, તલ તેલ, લસણની લાલ ચટણી કે કોથમરી મરચાની ચટણી સાથે સર્વ કરો.

બાળકોને સોસ કે આમલીની મીઠી ચટણી સાથી સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગશે. બાળકો ઓઇલ માં ડીપ કરીને ખાય તો તેના માટે એ ખૂબજ હેલ્ધી છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *