મસાલા ભાખરી – સાદી ભાખરી તો અવારનવાર બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ મસાલા ભાખરી..

મસાલા ભાખરી :

દરેક ઘરોમાં સવારના નાસ્તા માટે કે સાંજના ભોજન માટે અવાર નવાર ભાખરી તો બનતી જ હોય છે. ક્યારેક ઘઉંના જાડા લોટમાંથી તો ક્યારેક ઘઉં-બાજરીના મિક્ષ લોટમાંથી ક્રંચી ભાખરી ચા સાથે નાસ્તો કરવા માટે કે બિમાર લોકોને જમવા માટેના ભોજનમાં પણ બનાવવામાં આવતી હોય છે. આપણે ભાખરી સામાન્ય રીતે માટીની તાવડીમાં રોટલાની જેમ શેકીને બનાવીએ છીએ. પણ લોટમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવતી મસાલા ભાખરી તવામાં તેલ મૂકીને શેકી શકાય છે. જેથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રેગ્યુલર સાઇઝની મસાલા ભાખરી બનાવીને રોજીંદા નાસ્તા કે જમવામાં લઈ શકાય છે. પણ નાસ્તા બોક્ષમાં-લંચ બોક્ષમાં કે ટ્રાવેલિંગમાં સાથે લઈ જવા માટે મીની ભાખરી લઇ જવી ખૂબજ સરળ રહે છે.

આજે હું અહીં (મીની) મસાલા ભાખરીની રેસિપિ આપી રહી છું, જેમાં રસોડામાંથી જ મળી જતા બધા સ્પાયસીસ, ભાખરીના લોટમાં મિક્ષ કરીને મસાલા ભાખરી બનાવવામાં આવી છે. તો તમે પણ તમારા રસોડે ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો.

મસાલા ભાખરી બનાવવા માટેની સામગ્રી :

 • 2 કપ ઘઉંનો ભાખરીનો લોટ
 • ½ કપ રોટલીનો જીણો લોટ
 • 3 થી 4 ટેબલ સ્પુન ઓઇલ – મોણ માટે
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ¼ ટી સ્પુન હિંગ
 • ½ ટી સ્પુન હળદર પાવડર
 • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
 • 1 ટી સ્પુન ધાણા જીરું પાવડર
 • પિંચ ગરમ મસાલો
 • 1 ટી સ્પુન વ્હાઇટ તલ
 • 1 ટેબલ સ્પુન ડ્રાય ફુદિનાના પાન
 • ½ ટી સ્પુન કસુરી મેથી
 • ½ ટી સ્પુન આખુ જીરું
 • 15-17 આખા કાળા મરી – અધકચરા ખાંડેલા
 • ¼ કપ દૂધ (ઠંડું)
 • પાણી જરુર મુજબ
 • ½ ટી સ્પુન ઓઇલ – ડો પર લગાડવા માટે
 • જરુર મુજબ ઓઇલ મસાલા ભાખરી શેકવા માટે

મસાલા ભાખરી બનાવવા માટેની રીતે :

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 કપ ઘઉંનો ભાખરીનો લોટ અને ½ કપ રોટલીનો જીણો લોટ ચાળી લ્યો. મિક્સ કરી લ્યો..

હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ, ¼ ટી સ્પુન હિંગ, ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ટી સ્પુન ધાણા જીરું પાવડર અને પીંચ ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ મસાલાના મિશ્રણવાળા લોટમાં 1 ટી સ્પુન વ્હાઇટ તલ, 1 ટેબલ સ્પુન ડ્રાય ફુદિનાના પાન, ½ ટી સ્પુન કસુરી મેથી અને ½ ટી સ્પુન આખુ જીરું ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 3-4 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્સ કરી લ્યો.

હવે તેમાં 15-17 કાળા મરી અધકચરા ખાંડી ઉમેરી મિક્ષ કરી દ્યો.

ત્યારબાદ તેમાં ¼ કપ દૂધ (ઠંડું) અને પાણી જરુર મુજબ ઉમરી ભાખરી જેવો ટાઇટ લોટ બાંધી લ્યો.

તેના પર ½ ટી સ્પુન ઓઇલ લગાડી કવર કરી 10 મિનિટ માટે ઢાંકી રાખો.

10 મિનિટ બાદ લોટ થોડો ફુલેલો દેખાશે, તેને ફરીથી મસળી લ્યો.

તેમાંથી 3 મોટા લુવા બનાવી લ્યો.

એક લુવો લઈ રોલીંગ બોર્ડ પર મૂકી મોટી ભાખરી વણી લ્યો. વણેલી મોટી એક ભાખરીમાંથી બે મીની ભાખરી બને તેવા રિંગ કટર કે કટોરી વડે ભાખરી કટ કરી લ્યો.

કટ કરતા વધેલી સાઇડ્સમાંથી ફરી લુવુ બનાવી ભાખરી વણી લેવી. આ પ્રમાણે બાકીના લુવા માંથી ભાખરીઓ બનાવી લ્યો.

હવે મિડિયમ ફ્લૈમ પર તવો ગરમ મૂકી, ગરમ થઈ જાય એટલે સ્લો ફ્લૈમ પર રાખી દ્યો.

હેવે તેમાં એકસાથે 2 મસાલા ભાખરી મૂકી પ્રેસ કરી જરા શેકી લ્યો. હવે તેને પલટાવી બીજી બાજુ ઓઇલ વગર જ શેકો.

હવે ઉપરની બાજુએ થોડું ઓઇલ લગાવી ફ્લીપ કરી લ્યો. ( એ બાજુ પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે શેકી લ્યો).

હવે ઉપરની બાજુ ઓઇલ લગાવી લ્યો.

નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના સ્પોટ થઈ શેકાઈ જાય, એટલે ઉપરની ઓઇલ લગાવેલી બાજુ ફ્લિપ કરી શેકી લ્યો. (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે શેકી લ્યો).

બરાબર ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન સ્પોટ બને તેવી શેકાઇ જાય એટલે પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. હવે ખૂબજ ટેસ્ટી–હેલ્ધી, બહારથી ક્રંચી અને અંદરથી સોફ્ટ એવી મસાલા ભાખરી સર્વ કરવા માટે રેડી છે.

આ પ્રમાણે બધી મસાલા ભાખરીઓ શેકી લ્યો.

પ્લેટમાં મૂકી મસાલા ભાખરી મસાલા દહીં, અથાણું અને ચટણી સાથે સર્વ કરો.

નાના મોટા બધાને આ મસાલા ભાખરી ખૂબજ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *