માવા અને મગફળી ની પૂરણ પોળી (વેડમી) – ગુજરાતી થાળી ની શાન હવે ઉપવાસમાં પણ ખાઈ શકાશે ધ્યાનથી નોંધી લો રેસીપી…

પૂરણ પોળી એ ગુજરાતી થાળી ની શાન જ કહી શકાય એવી સ્વિટ ડીશ છે. જેને આપણે વેડમી પણ કહીએ છીએ.ગુજરાત માં પૂરણ પોળી તુવેર દાળ માંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ કે ખાંડ નો ઉપયોગ થાય છે. જ્યારે મહારાષ્ટ્ર માં પૂરણ પોળી તહેવારો માં ચણા ની દાળ માંથી બનાવવામાં આવે છે. ઘણા બધા પ્રકાર ની પૂરણ પોળી બનાવવામાં આવતી હોય છે. જેમાં માવા ,ખજૂર અને ડ્રાયફ્રુટ ની પૂરણ પોળી પ્રખ્યાત છે. આજે હું માવા અને મગફળી ની પૂરણ પોળી ની રેસિપી લઇ ને આવી છું.

પેહલા ના સમય માં કાચો માવો , કાચી મગફળી નો ભૂકો અને કાચી ખાંડ મિક્સ કરી ને પૂરણ પોળી બનાવતા અને કદાચ હજુ પણ ઘણા ના ઘરે એ બનતી જ હશે.. હું થોડી અલગ અને સરળ રીત લાવી છું જે બહુ ઓછા સમય માં પણ બની જાય છે. એકવાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવી આ રેસિપી છે. એક જ પ્રકાર ની પૂરણ પોળી બનાવા કરતા આ થોડી અલગ પૂરણ પોળી બનાવો અને બધા ને ખુશ કરી દો.

તમે ઉપવાસ માં પણ આ બનાવી શકો છો બસ ઘઉં ના લોટ ની બદલે રાજગરા નો લોટ ની કણક બાંધો.

માવા અને મગફળી ની પૂરણ પોળી (વેડમી)

સામગ્રી:-

કણક બાંધવા માટે

11/2 કપ ઘઉં નો લોટ ( ઉપવાસ માં લેવા રાજગરા નો લોટ)

1 ચમચી તેલ

જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે

પૂરણ બનાવા માટે

1 કપ તાજો મોળો માવો ( 150 ગ્રામ)

1/2 કપ મગફળી ના દાણા

3-5 બદામ

3-5 કાજુ

15-20 કિશમિસ

1 ઈલાયચી નો ભૂકો ( હું ઈલાયચી ને ખાંડ સાથે ક્રશ કરી ને રાખું છું જેથી પાવડર જલ્દી બની જાય)

3 ચમચી ખાંડ (ઓછી જ ઉમેરવી)

1 ચમચી ઘી

થોડું ઘી પુરણ પોળી શેકવા માટે

રીત:-

સૌ પ્રથમ ઘઉં ના લોટ માં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ધીરે ધીરે લોટ માં પાણી ઉમેરીને મધ્યમ નરમ કણક બાંધી દો. આ કણક ને 30 મિનીટ નો રેસ્ટ આપો.

માવા ને હાથે થી મસળી ને ચૂરો કરી લો.


મગફળી ને કડાઈ માં 2-4 મિનીટ ધીમા તાપે શેકી લો. અને પછી ફોતરાં નીકાળી ને રાખો. બદામ અને કાજુ ને પણ એક મિનીટ માટે કડાઈ માં શેકી લો. હવે મગફળી , બદામ, અને કાજુ નો મિક્સર બાઉલ માં દાણાદાર ભૂકો કરી લો. (ઝીણો ભૂકો નથી કરવાનો) દાણાદાર ભૂકો કરવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે .

એક કડાઈ માં ઘી ઉમેરી ગરમ કરો. તેમાં માવો ઉમેરી ને 3-5 મિનીટ માટે ધીમી આંચ પર શેકી લો. હવે ખાંડ ઉમેરો અને બરાબર મિકસ કરો અને ધીમી આંચ પર જ્યાં સુધી માવો અને ખાંડ બરાબર મિકસ થાય અને ખાંડ માવા માં ઓગળી ને મિશ્રણ થોડું. ઘટ્ટ બને ત્યાં સુધી શેકી લો લગભગ 3-5 મિનીટ જેવો સમય લાગશે. ગેસ બંધ કરો અને ઈલાયચી નો ભૂકો,મગફળી, કાજુ, બદામ નો ભૂકો ઉમેરો અને બરાબર બધુ મિક્સ થાય ત્યાં સુધી હલાવો.


આ પૂરણ નું મિશ્રણ ઠંડુ થાય એટલે તમને ગમતાં સાઈઝ ના એકસરખા ગોળા બનાવી લો. નાની પૂરણ પોળી માટે 2 રોટલી ના સાઈઝ નો ગોળા બનાવી લો.

કણક ને તેલ વાળા હાથ કરી ને બરાબર કૂણવી લો. હવે પૂરણ કરતા બમણા સાઈઝ ના લુઆ બનાવી લો.હવે લોટ માંથી નાની પુરી જેવું વણો. તમે વચ્ચે માવા અને મગફળી નો બનાવેલો બોલ મૂકી ને બધી બાજુ થી બંધ કરી લો. વધારા નો લોટ ઉપર થી નિકાળી લો અને વેલણ થઈ હળવા હાથે વણી લો.( ફોટો માં દેખાડ્યા મુજબ) બહુ પાતળી રોટલી કે બહુ જાડી રોટલી ના વણવી.


ગરમ તવા પર બન્ને બાજુ આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. અને પછી બંને બાજુ ઘી લગાવી ને બરાબર શેકી લો.


બધી જ વેડમી આ રીતે તૈયાર કરી લો.

ગરમ ગરમ વેડમી તમને ગમતાં શાક અને કઢી જોડે સર્વ કરો .

સ્વાદિષ્ટ એવી આ પૂરણ પોળી તમે ચોક્કસ થી બનાવો..

નોંધ:-

બને ત્યાં સુધી ગરમ હોય ત્યારે સર્વ કરો.

ઘી નો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ વધુ કે ઓછો કરી શકાય.

કણક નરમ જ રાખો નહીં તો વેડમી સોફ્ટ નહીં બને.

આ પૂરણ પોળી માં ગળપણ થોડું ઓછું જ રાખવું. કિશમિસ થી એનું બેલેન્સ થઇ જશે.

તમને ગમતા ડ્રાયફ્રુટ વધુ પણ ઉમેરી શકો છો .પિસ્તા, અંજીર, ખજૂર બધું જ સરસ લાગે છે.

તમે અંજીર અને ખજૂર ઉમેરો તો ખાંડ બિલકુલ નહિવત ઉમેરો.

માવો અને ખાંડ નું મિશ્રણ ઠડું થાય એટલે થોડું વધુ જાડું થઇ જશે એટલે થોડું નરમ હોય ત્યારે જ ગેસ બંધ કરી દો.

તમે ઈચ્છો તો એકલા મગફળી ને માવા ની વેડમી પણ બનાવી શકો છો.

ઉપવાસ માટે ઘઉં ના લોટ ની બદલે રાજગરા ના લોટ નો ઉપયોગ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *