કીટી પાર્ટી – બર્થડે પાર્ટીમાં મેક્સિકન નાચોઝ ચીપ્સ બનાવી વટ પાડો !

આજે વિશ્વ એક વિશાળ કુટુંબ સમાન થઈ ગયું છે. આજે દેશના મોટા ભાગના શહેરોમાં તમને દુનિયા ભરના વિવિધ વ્યંજનો ચાખવા મળી જશે. ચાઈનીઝ ક્યુઝીન તો ભારતમાં લોકપ્રિય થઈ જ ગયું છે. અને હવે ધીમે ધીમે તે જ આકર્ષણ મેક્સિકન ફૂડ પણ ઉભુ કરી રહ્યું છે. જો તમને પણ મેક્સિકન નાચોઝ ભાવતા હોય તો ઘરે જ બનાવી તમારા દીકરા-દીકરીની બર્થડે પાર્ટી કે પછી કીટી પાર્ટીમાં તેને પિરસીને વટ પાડો.

મેક્સિકન નાચોઝ બનાવવા માટે સામગ્રી

1 કપ મકાઈનો લોટ

1 કપ મેંદાનો લોટ

1 ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

1 ટી સ્પૂન ઓરેગાનો

1 ટી સ્પૂન લાલ મરચુ પાઉડર

ચપટી હળદર

2 ટેબલ સ્પૂન તેલ

1 ટી સ્પૂન માખણ

તળવા માટે તેલ

મેક્સિકન નાચોઝ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક બોલ લેવો તેમાં એક કપ મકાઈનો લોટ લેવો. અહીં મકાઈનો લોટ તમારે તદ્દન જીણો લેવાનો છે અને તેને ઓછામાં ઓછી બે વાર ચાળી લેવાનો છે.

હવે મકાઈનો લોટ ઉમેર્યા બાદ તેમાં એક કપ મેંદો ઉમેરવો અહીં તમે મેંદાની જગ્યાએ રોટલીનો જીણો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો.

ત્યાર બાદ હવે તેમાં મસાલા કરી દેવા મસાલા માટે અહીં એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ, એક ટી સ્પૂન ઓરેગાનો ઉમેરવો. અહીં તમે ઓરેગાનોની જગ્યાએ અજમા પણ ઉમેરી શકો છો.

હવે તેમાં 1 ટી સ્પૂન મીઠુ, એક ચપટી હળદર અને બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવું. હવે તેને હાથેથી બરાબર મિક્સ કરી લેવું.

હવે તેમાં અરધી ચમચી લાલ મરચુ પાઉડર ઉમેરી દેવું. અને ફરી તેને હાથેથી બરાબર મિક્સ કરી લેવું.

હવે હાથેથી બધું મિક્સ કરી લીધા બાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધવો. પાણીમાં ખાસ ધ્યાન રાખવું કે તમારે નોર્મલ પાણી લેવાનું છે પણ જો તમે આ વાનગી શિયાળામાં બનાવતા હોવ તો તમારે થોડું હુંફાળુ પાણી લેવું.

હવે જ્યારે જ્યારે પણ તમે મકાઈનો લોટ બાંધતા હોવ ત્યારે ત્યારે તમારે તેને ખુબ મસળવો. કારણ કે મકાઈના લોટમાં ગ્લુટનનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે અને તેને વધારેને વધારે મસળવાથી જ તેમાં ગ્લુટન ક્રિયેટ થાય છે. અને તોજ તમારી આ નાચોઝ ચિપ્સ સરસ રીતે બની શકશે.

લોટની કન્સીસ્ટન્સી પરોઠા જેવી રાખવાની છે. લોટ બાંધી લીધા બાદ તેમાં અરધી ટી સ્પૂન માખણ ઉમેરી તેને ફરીથી બરાબર મસળી લેવો.

લોટ બરાબર મસળી લીધા બાદ તેના પર માખણ ચોપડી દેવું.

હવે બટર લગાવી લીધા બાદ લોટને 10-12 મિનિટ માટે ઢાંકીને બાજુ પર મુકી દેવો. ઉનાળામાં તમે 10-12 મિનિટ રેસ્ટ પર મુકો અને જો શિયાળો હોય તો તમારે તેને 15-20 મિનિટ માટે રેસ્ટ પર મુકવું.

હવે 10-12 મિનિટ બાદ તેને ફરીથી બરાબર મસળી લેવો. તમે જોઈ શકો છો કે લોટ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે.

હવે આ તૈયાર થયેલા લોટમાંથી તમારે તેના મોટા-મોટા લુઆ તૈયાર કરી લેવા. અને તેનૈ અટામણમાં રગદોળીને તેની રોટલી વણી લેવી. અહીં અટામણમાં ચોખાનો લોટ લેવામાં આવ્યો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અહીં પાતળી રોટલી વણવામાં આવી છે.

હવે પાતળી રોટલી વણાઈ ગયા બાદ તેમાં કાંટા વાળી ચમચીથી કાણા પાડી લેવા. જેથી કરીને તળતી વખતે તે પુરીની જેમ ફુલે નહીં.

કાણા પાડી લીધા બાદ ગેસ પર એક તવો ગરમ થવા મુકવો. તવો ગરમ થાય એટલે તેના પર આ તૈયાર કરેલી મકાઈની રોટલીને કાચી-પાકી શેકી લેવી. આમ શેકવાથી તળતી વખતે નાચોના ચિપ્સ વળી નહીં જાય પણ સિધા જ રહેશે.

આવી જ રીતે બધા જ લોટની રોટલી વણીને શેકી લેવી. હવે તેના ત્રીકોણીયા કાપી લેવા. નાચોના ચિપ્સ હંમેશા ટ્રાઈએંગલ જ હોય છે. અહીં બતાવ્યું છે તે રીતે તેના ટુકડા કરી લેવા.

હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકવું. હવે તેલ આવી જાય એટલે તેમાં નાચોઝ ચિપ્સ તળી લેવા. ચિપ્સ ઉમેર્યા બાદ ગેસને મિડિયમ આંચ પર લાવી દેવો.

હવે તમે જુઓ છો તેમ થોડી જ વારમાં ચીપ્સ ક્રીસ્પી થવા લાગશે. તેને વચ્ચે વચ્ચે ઉથલાવતા રહેવી જેથી કરીને તે બધી જ બાજુથી સમાન રીતે તળાઈ જાય.

હવે નાચોઝ ચિપ્સ હળવી બ્રાઉન રંગની થઈ જાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવી. આવી જ રીતે બધી જ ચિપ્સ તળી લેવી. તમે અહી જોઈ શકો છો કે બધી જ ચિપ્સ સપાટ તળાઈ છે.

હવે ચિપ્સ તળી લીધાબાદ તેને એક પહોળી ડીશમાં લેવી. અને તેના પર ચિઝ સોસ સ્પ્રેડ કરી દેવો. અહીં તમે સાલસા, સાવર ક્રીમ વિગેરેનો પણ ઉપોયગ કરી શકો છો.

તો તૈયાર છે મેક્સિકન નાચોઝ. અહીં તેના પર ચીઝ સોસ અને બાફેલી મકાઈના દાણા અને કલરફૂલ કેપ્સિકમનું ટોપિંગ કરવામાં આવ્યું છે. તો હવે તમારા બાળકની બર્થે પાર્ટી હોય તો આ મેક્સિકન નાચોઝ ચીપ્સ બનાવવાનું જરા પણ નહીં ચૂકતા.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

મેક્સિકન નાચોઝ ચિપ્સ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *