જો તમે પણ નાસ્તામાં બનાવી રહ્યા છો મેંદાની મસાલા પૂરી તો મિક્સ કરી લો આ 1 વસ્તુ, મળશે ગજબનો સ્વાદ

બધા ઘરમાં ગૃહિણીઓ નાસ્તા માટે ફરસાણની અનેક પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. તેમાંની એક બધાની હોટ ફેવરીટ એવી ચા સાથે કે એમ જ નાસ્તા તરીકે લઇ શકાય તેવી કુર્કુરી–ક્રિસ્પી, ટેસ્ટી અને મસાલેદાર એવી મેંદાની મસાલા પુરીની અહી હું રેસીપી આપી રહી છું. જેમાં ઔષધિય ગુણો ધરાવતા મસાલા જેવાકે આખું જીરું, અજમા અને કાળા મરીનો મસાલા તરીકે ઉપયોગ કર્યો છે અને આ પૂરીને વધારે કુર્કુરી–ક્રિસ્પી બનાવવા માટે તેમાં ગરમ ઓઈલ અને થોડા પ્રમાણમાં મિલ્ક ઉમેર્યું છે. જેથી મેંદાની પૂરીનો લાજવાબ ટેસ્ટ આવે છે. બાળકોના નાસ્તા બોક્ષ માટે કે લોંગ જર્નીમાં નાસ્તા માટે સાથે લઇ જવી ખુબજ અનુકુળ આવશે. તો તમે જયારે પણ નાસ્તો બનાવો ત્યારે મેંદાની મસાલા પુરીની મારી આ રેસીપી ચોક્કસથી ફોલો કરીને બનાવજો.

મેંદાની મસાલા પૂરી બનાવવા માટેની સામગ્રી :

 

૩ કપ મેંદાનો લોટ
૧ ટી સ્પુન અધકચરા ખાંડેલા મરી
૧ ટી સ્પુન અધકચરા ખાંડેલા અજમા
૧ ટી સ્પુન અધકચરુ ખાંડેલું આખું જીરૂ
૧ ૧/૨ ટી સ્પુન સોલ્ટ અથવા તમારા સ્વાદ મુજબ
૮-૧૦ ટેબલ સ્પુન ઓઈલ, એકદમ ગરમ કરેલું
૧/૨ કપ દૂધ
પાણી જરૂર મુજબ
ઓઈલ ડીપ ફ્રાય કરવા માટે

મેંદાની મસાલા પૂરી બનાવવાની રીત :

સૌ પ્રથમ ૩ કપ મેંદાનો લોટ એક મિક્સિંગ બાઉલમાં ચાળી લો. ત્યાર બાદ તેમાં ૧ ટી સ્પુન અધકચરા ખાંડેલા મરી, ૧ ટી સ્પુન અધકચરા ખાંડેલા અજમા, ૧ ટી સ્પુન અધકચરુ ખાંડેલું આખું જીરૂ અને ૧ ૧/૨ ટી સ્પુન સોલ્ટ ( અથવા તમારા સ્વાદ મુજબ ) ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક નાના બાઉલમાં ૮ થી ૧૦ ટેબલ સ્પુન ઓઈલ લઈ ફ્લેઈમ પર મૂકી એકદમ ગરમ કરી લો. આ એકદમ ગરમ કરેલું ઓઈલ મસાલાવાળા મેંદાના લોટમાં ઉમેરી, ગરમ હોવાથી સારી રીતે સ્પુન વડે મિક્સ કરી લેવું. ત્યાર બાદ જરા ઠરે એટલે હાથ વડે બરાબર મિક્સ કરી લેવું.

લોટ હાથમાં લઇ મુઠી વાળવાથી લોટનો શેઈપ થાય એટલે પરફેક્ટ મોણ છે એમ કહી શકાય. હવે મોણ આપેલા આ લોટમાં પ્રથમ ૧/૨ કપ, રૂમ ટેમ્પરેચર હોય તેવું દૂધ ઉમેરી મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી ઉમેરી વણી શકાય તેવો ટાઈટ લોટ બાંધો. હવે આ બાંધેલા લોટને થોડો મસળી લો અને ઢાંકીને ૧૦ મિનીટ રેસ્ટ આપો. ૧૦ મિનીટ બાદ ફરી એકવાર લોટ બરાબર મસળો. ત્યાર બાદ તેમાંથી મોટા ૪ લુવા બનાવો. દરેક લુવાને વારાફરતી વણી રોલિંગ બોર્ડ જેવડો જાડો રોટલો બનાવો. ત્યારબાદ તેને વાળતા જઈ ટાઈટ રોલ બનાવો. રોલને ચપ્પુ વડે કાપી તમને મનગમતી સાઈઝની પૂરી બનાવવા માટે તે માપનાં લુવા કાપો. આ પ્રમાણે બધા લુવા બનાવો. ત્યારબાદ તેમાંથી એકદમ પાતળી પૂરી વણો. પૂરી પર ચપ્પુ વડે કે ફોર્ક વડે પ્રિક કરી લ્યો. આ પ્રમાણે બધી પૂરીઓ તૈયાર કરી લો. હવે પુરીઓને ડીપ ફ્રાય કરવા માટે એક પેનમાં મીડીયમ ફ્લેઈમ પર ઓઈલ ગરમ મુકો. ઓઈલ ફ્રાય કરવા જેવું થાય એટલે ફ્લેઈમ મીડીયમ સ્લો કરીને તેમાં ૩-૪ પુરી ઉમેરો.
પૂરી થોડી જ ફ્રાય થાય એટલે તેના પર જારા વડે હલકા હાથે પ્રેસ કરતા રહેવાથી પૂરી સરસ ક્રિસ્પી થશે. આ પ્રમાણે ફ્રાય કરતા રહી નીચેની બાજુ પૂરી લાઈટ બદામી કલરની અને ક્રિસ્પી થઇ જાય એટલે તેને ઝારા વડે ફ્લીપ કરી લો.

આ પ્રમાણે બીજી બાજુ પણ સરસ બદામી, ક્રિસ્પી ફ્રાય કરી લ્યો. ત્યારબાદ ઝારામાં લઇ ઓઈલ નીતારી પ્લેટમાં ટ્રાન્સફર કરો. આ પ્રમાણે બાકીની બધી પુરીઓ ડીપ ફ્રાય કરી લ્યો. તો હવે ખુબજ ટેસ્ટી, ઔષધિય ગુણો ધરાવતા મસાલાવાળી અને ક્રિસ્પી મેંદાની મસાલા પૂરી નાસ્તા માટે સર્વ કરવા માટે રેડી છે. ચા કે અન્ય નાસ્તા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને આ મસાલા પૂરી ખાવી માફક આવશે. પુરી ઠરે પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરો. ૧૫-૨૦ દિવસ સુધી આ પુરીઓ સ્ટોર કરી શકાય છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *