ક્રિસ્પી મેંદુ વડા – બહાર અન્નાની હોટલ પર મળે છે તેવા જ ટેસ્ટી અને ક્રન્ચી મેંદુવડા હવે બનશે તમારા રસોડે..

દિવાળી ના તહેવારો માં ચૌદશ ના દિવસે વડા બનાવવા માં આવે છે. તો આ ચૌદશ ના દિવસે આ સરસ મજાના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વડા તમે બધાં જરુરથી બનાવજો. અડદની ફોતરા વગર ની દાળ ને પલાળીને ગ્રાઇંડ કરી ને, ફ્રાય કરીને બનાવવા માં આવે છે. આ મેંદુવડા રસોડામાં રહેલા અને થોડાં એવા – હેંડી ઇંગ્રીંડયંટ્સ થી બની જાય છે. એટલે ગમે ત્યારે કોઇ પણ બનાવી શકે છે. તુવેરની દાળનો સાંભાર અને કોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે એ પણ પૌષ્ટિક છે.

અડદ ની દાળ ને ખૂબજ પૌષ્ટિક માનવા માં આવે છે. શિયાળા માં ખાસ કરી ને પૌષ્ટિક પાક – અડદિયા બનાવવા માં આવે છે. સાથે તેમાં અન્ય પૌષ્ટિક વસાણા ઉમેરી ને વધારે સ્વાદિષ્ટ અને ગુણકારી બનાવવા માં આવે છે. તો આપણે તેની ન્યુટ્રિયંટ વેલ્યુ જોઇ લઇએ.

અડદ ની દાળ માં ખુબજ સારા એવા પ્રમાણમાં ફાઇબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલા છે. જે આપણા હ્રદય ના આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે કોલેસ્ટરોલ નું સ્તર જાળવી રાખીને અને એથરોસ્ક્લેરોસિસ ને અટકાવીને આપણી રક્તવાહિની ના તંત્રને સ્વસ્થ રાખે છે.

વિટમીન બી કોમ્પ્લેક્સ નો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં રહેલું પુષ્કળ પ્રમાણમાં ફોલેટ, નવજાત બાળક માં ન્યુરલ –ટ્યુબની ખામીને રોકવામાં મદદ કરે છે. તે આયર્ન થી પણ સમ્રુધ્દ્ધ છે. આયર્ન મેમરીશક્તિ અને સમજ શક્તિ માં વધારો કરે છે અને એનિમિયા ને રોક્વામાં મદદ કરે છે. અડદ માં પૂરતી માત્રામાં અન્ય ખનિજો – કેલ્શિયમ, કોપર, જસત અને ફોસ્ફરસ પણ રહેલા છે. તેમાં પોટેશિયમ ચણા કરતાં 1.5 ગણું વધારે છે. જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે.આ ઉપરાંત તેમાં ઝિંક, નિયાસિન, ફાઇબર વગેરે પણ રહેલા છે તો આમ જોઇએ તો ખૂબજ પૌષ્ટીકતા ધરાવતા અડદ કે અડદ ની દાળ ની અવનવી વાનગીઓ અવારનાવાર બનાવીને રોજીંદા ખોરાક સાથે ગોઠવી દેવી જોઇએ. જેથી તેમાં રહેલા પોષક તત્વો શરીરને મળતા રહે અને શરીર સ્વસ્થ રહે.

નાના-મોટાસૌને પસંદ એવા મેદું વડા આમ તો સાઉથ ઇંડિયન વાનગી છે પણ તે બધાને પસંદ છે. તો ક્રિસ્પી મેંદુ વડા ની રીત આપ સૌ ને જણાવું છું. જરુર થી આ રેસિપિ પ્રમાણે મેંદુવડા બનાવજો –ઉપર થી ક્રિસ્પી અને અંદરથી પોચા.

ક્રિસ્પી મેંદુ વડા બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ અડદ દાળ – ફોતરા વગર ની
  • ½ ટી સ્પુન કાળા મરી નો પાવડર
  • ½ ટી સ્પુન આખું જીરું
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે
  • ½ ટી સ્પુન રાઇ
  • મીઠું – સ્વાદ મુજબ
  • પિંચ સોડા બાય કાર્બ
  • થોડું પાણી – પલાળેલી અડદની દાળ ગ્રાઇંડ કરવા માટે
  • મેંદુવડા તળવા માટે જરુર પૂરતું તેલ

ક્રિસ્પી મેંદુ વડા બનાવવાની રીત:

મેંદુ વડા બનાવવા માટે અડદ ની ફોતરા વગર ની દાળ બરબર પલાળેલી હોવી જરુરી છે.

સૌ પ્રથમ એક મોટા બાઉલ માં અડદ દાળ લઈ 3-4 વાર પાણીથી ધોઇ નાખો.

ટિપ્સ : બાઉલ માં પાણી માં પલાળેલી દાળ માં પાણી સાવ ચોક્ખું દેખાય ત્યાં સુધી ધોઇ લેવી.

પલાળેલી દાળમાં પાણી નાંખી 4 કલાક બાઉલમાં જ પલળવા દ્યો. દાળ ઉપર 3-4 ઇંચ સુધી પાણી રહે તેટલાં પાણીથી દાળ પલાળો. પાણી ઓછું હશે તો દાળ એકાદકલાક માં ફુલી ને પાણીની ઉપર આવી જાશે અને બરાબર જોઇએ તેવી પલળીને પોચી થશે નહિ. અને ગ્રાંઇન્ડ કરવાથી સ્મુધપેસ્ટ બનશે નહિ.

4 કલાક બાદ પાણીમાં પલાળેલી દાળ માંથી પાણી નીતારી લ્યો. હવે અડદ ની દાળ ને સાવ થોડા જ પાણી સાથે ગ્રાઇંડ કરી લ્યો. સ્મુધ પેસ્ટ કરો. બેટર (પેસ્ટ) માં થી વડા પડી શકે તેવી બેટર ની કંસિસટંસી રાખો. એટલે કે પાણી જરુર પૂરતુ જ ઉમેરો. ગ્રાઇંડરના જારમાં ગ્રાઇંડ થયેલું અડદ દાળ નું બેટર ફ્લફી થયેલું દેખાય ત્યાં સુધી ગ્રાઇંડ કરો.

ટિપ્સ: બેટર બરાબર બન્યું છે કે કેમ એ ચેક કરવા માટે – એક બાઉલ માં પાણી લ્યો. થોડું બેટર લઇ બાઉલ માં મૂકો.

જો બેટર પાણી માં ઉપર આવી જાય – તરવા લાગે અને છૂટૂં પડી જઇને ઓગાળવા ના લાગે તો બેટર પરફેક્ટ બન્યુ છે.

જો પાણી માં ડૂબી જાય તો બેટર ફરી થી થોડું વધારે ગ્રાઇંડ કરી લેવું ફ્લફી થાય ત્યાં સુધી ગ્રાઇંડ કરવું. પછી જ મેંદુ વડા બનાવવા.

તડકા :

હવે એક તડકા પેન માં 1 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો.

ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ, ½ ટી સ્પુન આખું જીરું ઉમેરો.

રાઇ અને જીરું તેલ માં બરાબર તતડે એટલે તે કરેલો વઘાર મેંદુ વડા ના બેટર માં ઉમેરી દ્યો.

ઉપરથી ½ ટી સ્પુન હિંગ નાખો. બધું બરાબર હલાવીને મિક્સ કરો.

હવે તેમાં ½ ટી સ્પુન કાળા મરી નો પાવડર અને તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો. પિંચ સોડા બાય કાર્બ ઉમેરી બધું એકદમ ફીણી લેવું.

આ બેટર ને 5-7 મિનિટ રેસ્ટ આપો. જેથી વઘાર અને સોડા બાય કાર્બ, મીઠું અને મરી પાવડર બધું એકદમ મિક્સ થઇ સેટ થઇ જાય.

મેંદુવડા :

હવે મેંદુવડા નુ બેટર મેંદુવડા તેલ માં પાડવા માટે તૈયાર છે.

મેંદુવડા ડ્રોપર ( મેંદુવડા મેકર ) લઇ તેને અંદર થી ઓઇલ થી ગ્રીસ કરો. ત્યારબાદ તેમાં મેંદુવડા નુ પરફેક્ટ બેટર ભરો.

હવે ફ્રાય પેન માં ઓઇલ મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો. ઓઇલ બરાબર ગરમ થાય એટલે મેંદુવડા ડ્રોપર ( મેંદુવડા મેકર ) થી ગરમ ઓઇલ માં મેંદુવડા તેલ માં સમાય તેટલા (2-3) પાડો.

બન્ને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી મેંદુવડા ડીપ ફ્રાય કરો. કિચન નેપ્કિન પર મેંદુવડા ફ્રાય થયા પછી મૂકો જેથી એક્સેસ ઓઇલ તેમાં એબ્સોર્બ થઇ જાય.

બાકીના બેટર માં થી આ પ્રમાણે મેંદુવડા ડીપ ફ્રાય કરી લ્યો.

હવે મેંદુવડા સર્વ કરવા માટે તૈયાર છે.

સર્વિંગ :

હવે એક ડીપ સર્વિંગ પ્લેટ લ્યો.

ટિપ્સ : મેંદુવડા પર તુવેર ની દાળ માંથી બનાવેલો સામ્ભાર પોર કરવાનો હોવાથી સર્વિંગપ્લેટ થોડી ડીપ શેઇપ ની લેવી.

ડીપ પ્લેટ માં 2 મેંદુવડા મૂકી તેના ઉપર સામ્ભાર પોર કરો. સાથે કોકોનટ ચટની પીરસો.

ત્યાર બાદ મેંદુવડા ગાર્નીશ કરવા માટે તેના પર ઓનિયન રીંગ્સ મૂકો. તેના પર ગ્રીન ચીલી રીંગ્સ અને કોથમરી ના પાન મૂકો.

બધાને પસંદ અને પૌષ્ટિક એવી આ રેસિપિ ગરમ ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *