મેથી પાપડનું શાક – જે લોકોને મેથી ભાજી નથી ભાવતી એ લોકો પણ મેથી પાપડનું શાક હોંશે હોંશે ખાઈ લેશે.

મિત્રો, મેથીની ભાજી સ્વાદમાં કડવી પણ આરોગ્યમાં તેને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગુણકારી આંકવામાં આવે છે જેમાં સારા એવા પ્રમાણમાં ડાયેટરી ફાઇબર્સ, વિટામિન બી તેમજ ઘણા બધા ડાયેટરી મિનરલ્સ રહેલા છે. મેથીની ભાજીમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન છે તો શિયાળાની સીઝનમાં મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. મેથીની ભાજી સ્વાદમાં કડવી હોવાથી ઘણાબધા લોકો ખાવાનું ટાળે છે પરંતુ જો તેની વિવિધ રેસિપી બનાવીને સર્વ કરવામાં આવે તો બધા હોંશે હોંશે ખાઈ લે. મેથીની ભાજી યુઝ કરીને આપણે અવારનવાર ભજીયા, થેપલા, મુઠીયા કે પછી ભાજીનું શાક બનાવતા હોઈએ છીએ, આ સિવાય મેથીનું વિવિધ લીલા શાકભાજી સાથે શાક બનાવી શકાય જેથી મેથીની કડવાશ ઓછી લાગે. મેથીની ભાજીનું બેસન સાથે ખુબ જ ટેસ્ટી શાક પણ બનાવી શકાય.

આજે હું મેથીની ભાજીની એક નવીન વેરાયટી મેથી પાપડનું શાક બનાવવાની રેસિપી બતાવું છું, આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે તેમજ આ શાકમાં મેથીનો કડવો ટેસ્ટ બિલકુલ નહિ આવે તો જે લોકોને મેથી ભાજી નથી ભાવતી એ લોકો પણ મેથી પાપડનું શાક હોંશે હોંશે ખાઈ લેશે. તો ચાલો જોઈ લઈએ મેથી પાપડનું શાક બનાવવાની રેસિપી

 •  1 જૂડી મેથીની ભાજી
 •  2 નંગ મોટા અડદના પાપડ(શેકેલા)
 •  1 નાનું ટમેટું
 •  4 – 5 કળી લસણ
 •  1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
 •  1 લીલું મરચું
 •  1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
 •  1/2 ટેબલ સ્પૂન ખાંડ
 •  1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ
 •  1/2 ટેબલ સ્પૂન લીલું લસણ
 •  ચપટી હિંગ
 •  ચપટી હળદર
 •  મીઠું સ્વાદ અનુસાર
 •  2 ટેબલ સ્પૂન તેલ

રીત :

1) મેથી પાપડનું શાક બનાવવા સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી લસણની કળીને સ્લાઈસમાં કાપીને સાંતળી લો, સ્લાઈસને બદલે લસણની પેસ્ટ બનાવીને પણ લઈ શકાય.લસણને બ્રાઉનિશ થવા દો.

2) લસણ બ્રાઉનિશ થતા જ બારીક સમારેલ ટમેટું ઉમેરો. ઢાંકણ ઢાંકણીને ટમેટું સોફ્ટ પડે ત્યાંસુધી ચડવા દો.

3) ટમેટું સોફ્ટ પડતા તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લીલું લસણ અને લીલું મરચું ઉમેરો. લીલું લસણ તેમજ લીલું મરચું ઓપ્શનલ છે પરંતુ તેનો સ્વાદ સરસ આવે છે. લીલા લસણને કકડી જવા દો.

4) લીલું લસણ કક્ડી જાય પછી મેથી એડ કરો, મેથીને એક-એક પાંદડામાં વીણીને સાફ પાણીથી ધોઈને લેવાની છે બારીક સમારવાની નથી. બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દો. સ્ટવની ફ્લેમ સ્લો રાખવી. 3 -4 મિનિટમાં તો મેથી ગળી જશે.

5) 3 – 4 મિનિટ પછી તેમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું એડ કરી મિક્સ કરી લો.

6) મિક્સ કરી લીધા બાદ તેમાં 1 કપ પાણી એડ કરી પાણીને ઉકળવા દો. પાપડ પાણીને શોષી લે છે માટે જો રસાવાળું શાક બનાવવું હોય તો પાણી થોડું વધારે એડ કરવું.

7) પાણી ઉકળતા જ તેમાં ખાંડ અને લીંબુ નો રસ એડ કરી દો. ખાંડને બદલે ગોળ પણ લઈ શકાય તેમજ સ્વીટ સ્વાદ પસંદ ન હોય તો ખાંડને સ્કિપ કરી શકાય.

8) હવે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને તેમાં પાપડના ટુકડા ઉમેરો, થોડા થોડા ટુકડા ઉમેરતા જાવ જેથી છુટા છુટા રહે અને હળવે હાથે મિક્સ કરતા જાવ.

9) તો આ સ્વાદિષ્ટ મેથી પાપડનું શાક સર્વિંગ માટે તૈયાર છે જેને બાજરીના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.

મિત્રો, મેથીની ન્યુટ્રીશન વેલ્યુ ખુબ જ હાઈ છે તો તમે પણ આ શિયાળામાં એકવાર જરૂરથી બનાવજો આ મેથી પાપડનું શાક, મેથી ન ભાવતી હોય એ પણ આ શાક હોંશે હોંશે ખાઈ લેશે. બનાવતા પહેલા એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જો લેજો જેથી તમને આ શાક બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *