મિક્સ વેજીટેબલ સ્ટફ પરાઠા – પોષકતત્વોથી ભરપુર શાકભાજીની મદદથી બનાવો ટેસ્ટી પરાઠા…

મિત્રો, આપણે સૌ લીલા શાકભાજીનું મહત્વ સમજીએ જ છીએ. પોષકતત્ત્વોથી ભરપૂર આવા શાકભાજીનો આપણે રોજના ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. પરંતુ આજકાલ બાળકો બહારના ચટ્ટ-પટ્ટા ફૂડ માટે ઘેલા છે. આજકાલ બાળકોને રૂટિન રોટલી શાક તો પસંદ જ નથી. પણ દરરોજના મેનુમાં કોઈ પણ રીતે શાકભાજી તો ખવડાવવા જોઈએ ને? આવા સમયે લીલા શાકભાજીને થોડી અલગ રીતે બનાવીને ટેમ્પટિંગ રીતે સર્વ કરવાથી નાના બાળકો હોંશે-હોંશે ખાઈ લેશે. અરે બાળકો તો શુ મોટેરાઓને પણ જમવામાં વૈવિધ્ય જોઈએ છે. માટે જ આજે હું ટેસ્ટી અને હેલ્થી એવા મિક્સ વેજિટેબલ્સ પરાઠાની રેસિપી શેર કરવા જઈ રહી છું. જે આપ સૌને ખુબ જ પસઁદ પડશે.

સામગ્રીઃ


· 1 કપ ઘઉંનો લોટ

· 1/2 કપ કેપ્સિકમ

· 1/2 કપ કોબીજ

· 1/2 કપ ગાજર

· 1/2 કપ કાકડી

· 1/2 કપ બાફેલું બટેટું

· 1/2 કપ કાંદા

· 2 ટે-સ્પૂન કોથમીર

· 1 ટે-સ્પૂન આદુ – મરચાંની પેસ્ટ

· 1/2 ટે-સ્પૂન નમક

· ચપટી મરી

· 4-5 ટે-સ્પૂન તેલ

તૈયારી :

– કેપ્સિકમ , ગાજર , કાકડી , કાંદા અને એક મીડીયમ સાઈઝના બાફેલ બટેટાને ખમણી લો.

– કોબીજ લાબું અને પાતળું કાપી લો.

– આદુ – મરચાની પેસ્ટ બનાવી લો.

– કોથમીર બારીક સમારી લો.

રીત :


1) મિક્સ વેજિટેબલ્સ સ્ટફ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ લોટ બાંધી લઈએ. તે માટે એક મોટા વાસણમાં ધઉંનો જીણો ચાળેલો લોટ લો. તેમાં ચપટી મીઠું અને એક ટેબલ સ્પૂન તેલનું મોણ આપો. બધું સરસ મિક્સ કરો.


2) હવે થોડું – થોડું પાણી લઈ સોફ્ટ લોટ બાંધી લો. એક કપ જીણો લોટ બાંધવા માટે મેં 125 ml પાણી યુસ કર્યું છે. પરાઠાં માટે લોટ થોડો સ્મૂથ જ રાખીશુ. હવે તેમાં 1/2 ટે -સ્પૂન તેલ નાખી, મસળીને લોટ સ્મૂથ કરી લઈએ. આ લોટને ઢાંકીને રાખી દઈએ જેથી સરસ સેટ થઈને સ્મૂથ થઈ જાય. લોટ સેટ થાય જાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ.


3) સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બે ટે -સ્પૂન તેલ નાખીને ગરમ કરીએ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સૌ પ્રથમ આદુ -મરચાની પેસ્ટ નાંખીએ સાથે જ ખમણેલ કાંદા નાખીને એક મિનિટ સાંતળીશુ.


4) એક મિનિટ પછી જીણું સમારેલ કોબીજ નાખીને એક મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ , ગાજર અને કાકડી ઉમેરીને મિક્સ કરો. સતત હલાવતા રહી ચડવા દો. બે થી ત્રણ મિનિટ્સ મિડિયમ ફ્લેમ રાખીને ચડવા દો.


5) હવે તેમાં બાફીને ખમણેલું બટેટું ઉમેરીને મિક્સ કરી લો. અને મીઠું તેમજ મારી પાવડર ઉમેરીને એક મિનિટ ચડવા દો. મિનિટ પછી સ્ટવની ફ્લેમ ઓફ કરી દો. અને બારીક કાપેલ કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.


6) તો આ આપણું સ્ટફિંગ તૈયાર છે. જેને થોડું ઠંડુ પડવા દઈએ. આપણે વેજિટેબલ્સને બારીક કાપવાને બદલે ખામણી લીધેલ છે. જેથી પરાઠા વણવાની આસાની રહે. સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધીમાં લોટ પણ સરસ સેટ થય જાય છે. હવે તેમાંથી નાનકડા સરખા લુઆ બનાવી લઈએ. જેટલા લુઆ બનાવીએ તેટલા સ્ટફિંગના પણ સરખા ભાગ કરી લઈએ. પાતળી રોટલી વણી લઈએ.


7) રોટલી પર અડધા ભાગમાં સ્ટફિંગ નાખી સ્પ્રેડ કરો. બીજા અડધા ભાગને વાળીને સ્ટફિંગ વાળો ભાગ પેક કરી લો. પરોઠાનો શેઈપ અર્ધ ગોળાકાર જેવો થશે. તેના પર હળવા હાથે વેલણ ફેરવીને સેટ કરી લો.ત્યારબાદ કિનારીઓને પ્રેસ કરીને પેક કરી લો.


8) એક પેન ગરમ કરી તેમાં થોડું તેલ નાખીને પરોઠું બંને બાજુ ફેરવીને સાંતળી લો. બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવાનું છે.


તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સ્ટફ પરાઠા, જેને ગરમાગરમ સર્વ કરો. મિત્રો, ખુબ જ સ્વાદિષ્ટ બને છે જે આપણે બાળકોને ટીફીનબોક્સમાં પણ આપી શકાય તો આજે જ બનાવો આ હેલ્ધી અને પૌષ્ટિક સ્ટફ પરાઠા

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *